તંપિયાર કુંચન (અઢારમી સદી) : મલયાળમ ભાષાના પ્રથમ લોકકવિ. એમણે તુળળન નામના કાવ્યપ્રકારની શરૂઆત કરી. એ ત્રાવણકોરના રાજાઓ માર્તંડ વર્મા તથા ધર્મરાજાની કવિસભાના મુખ્ય કવિ હતા. એમ મનાય છે કે એમણે ‘ચાકયાર કુત્તુ’ કાવ્યસ્પર્ધામાં તુળળન નામના નૃત્યાત્મક કથાકાવ્ય જેવા નવા જ કાવ્યપ્રકારની રચના કરી હતી અને એ કાવ્યો એમણે પોતે જ સભાજનો સમક્ષ સાભિનય પ્રસ્તુત કરીને કવિતા તથા અભિનયના કૌશલ્યથી પ્રેક્ષકોને મુગ્ધ કર્યા હતા. એવી પણ માન્યતા છે કે એમણે ‘રાઘવીયમ્’ તથા બીજાં સંસ્કૃત કાવ્યો પણ રચ્યાં હતાં. તેઓ પોતાના યુગથી ઘણા આગળ હતા. તેઓ અત્યંત લોકપ્રિય થયા કારણ કે એમણે એમના સમકાલીન યુગની સમસ્યાઓ, ત્રુટિઓ તથા વહીવટી તંત્રની વિફળતાઓનું લોકોના હૃદયને સ્પર્શી જાય તે રીતે સફળતાથી ચિત્રણ કર્યું હતું. એમના હૃદયનો નૈતિક રોષ એમણે હાસ્ય-પરિહાસ દ્વારા લોકગ્રાહ્ય રીતે વ્યક્ત કર્યો. એમના તુળળન કાવ્યોમાં પૌરાણિક કથાઓ દ્વારા એમના સમકાલીન જીવનની સમસ્યાઓ હાસ્યાત્મક રીતે રજૂ કરી છે. એ કાવ્યો કથકલિની જેમ અભિનય–કાવ્યો હોવા છતાં એમાં ગતિ વધારે દ્રુત હોય છે. તંપિયાર કુંચનની મુખ્ય કૃતિઓ છે શીતંકન પરયન, ઓટ્ટન. એ ત્રણ પ્રકારમાં રચાયેલી 40થી વધારે તુળળન કથાઓ પુરાણકથાઓ પર આધારિત છે. એમનું ‘શ્રીકૃષ્ણ-ચરિતમ્ મણિપ્રવાલમ્’ બાલસાહિત્યનું મહાકાવ્ય છે. આજે પણ મલયાળમ પાઠ્યપુસ્તકોમાં એમાંના કાવ્યાંશ લેવામાં આવતા હોય છે.
એ સમાજસુધારક પણ હતા. સમાજસુધારા પ્રચાર માટે એમણે હાસ્ય અને વ્યંગ્યનું માધ્યમ અપનાવ્યું હતું. પૌરાણિક કથાઓ દ્વારા એમણે પોતાના સમયમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર, રાજાઓની અભદ્રતા, રાજસેવકોની ખુશામત, કાયર સૈનિકો, ગરીબોનું શોષણ કરનાર ધનિકો વગેરે પર આકરા પ્રહારો કર્યા છે. એ સમયના રાજાઓ અંગ્રેજ વેપારીઓ જોડે મળી જઈ દેશદ્રોહ કરતા હતા તેનું ચિત્રણ કરવાની પણ એમણે પહેલ કરી હતી.
ચન્દ્રકાન્ત મહેતા