તંપિ ઈરાસન (1782–1856) : મલયાળમ ભાષાના કવિ. ત્રાવણકોરના મહારાજાના નિકટના સંબંધી હતા. નાનપણમાં જ સંસ્કૃતનું ઊંડું અધ્યયન કરેલું. તેઓ નાનપણથી ગીતો લખતા. જાહેરમાં સ્વરચિત ગીતો ગાતા. એમની કવિ તરીકે ખ્યાતિ એટલી પ્રસરેલી કે ત્રાવણકોરના મહારાજા તિરુ પાલે એમને દરબારના રાજકવિ નીમેલા. કેરળનું વિશિષ્ટ નૃત્ય કથકલિ હતું. કથકલિ નૃત્ય વખતે જે કથાનક નૃત્યના માધ્યમ દ્વારા પ્રસ્તુત થતું, તે કથાનકને અટ્ટકથાનું નામ અપાતું. તંપિ ઈરાસને કથકલિ દ્વારા ભજવાય એવી અનેક અટ્ટકથાઓ રચેલી અને એમની અટ્ટકથાઓ ર્દશ્ય કાવ્ય રૂપે રાજદરબારમાં તથા સામાન્ય જનતા સમક્ષ ભજવાયેલી. એ અટ્ટકથાઓ પુરાણોને આધારે રચાતી. એમની અટ્ટકથાઓમાં મુખ્ય હતી ‘કીચકવધમ્’, ‘ઉત્તરાસ્વયંવરમ્’, ‘દક્ષયાગમ્’ તથા ‘કાલીયવધમ્’. આજે દોઢસો વર્ષ પછી પણ નૃત્યનાટ્યપ્રયોગો એટલા જ લોકપ્રિય છે. એ માટે એમણે અનેક ગીતો પણ રચ્યાં છે, જે લોકગીતોના ઢાળમાં છે. તેમણે અનેક મુક્તકો પણ રચ્યાં છે.
ચન્દ્રકાન્ત મહેતા