ઢગટ, નવીન અંબાલાલ

January, 2014

ઢગટ, નવીન અંબાલાલ (જ. 12 જાન્યુઆરી 1949, નડિયાદ, ગુજરાત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. માતાનું નામ શાંતાબહેન. પત્નીનું નામ ગીતાબહેન, જેમની સાથે તેમણે 1985માં લગ્ન કરેલાં. નડિયાદમાં શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો અને ડ્રૉઇંગ ટીચરનું સર્ટિફિકેટ (DTC) પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત, રાજસ્થાન જઈ બનસ્થળીમાં મ્યુરલ (ભીંતચિત્ર) તૈયાર કરવાની પણ તાલીમ લીધી. ત્યાર બાદ અમદાવાદ ખાતેના ભારત સરકારના સેન્ટ્રલ વીવર્સ સર્વિસ સેન્ટરમાં તેઓ ડિઝાઇનર તરીકે જોડાયા. 1979માં તેમણે અમદાવાદના અમિત અંબાલાલ, અમૃતલાલ પટેલ, જાદવ પટેલ, છગનલાલ મિસ્ત્રી, ભરત પંચાલ, ગિરીશ ખત્રી, અને ઊર્મિ પરીખ જેવા ચિત્રકારો અને શિલ્પીઓ સાથે ‘વિબ્ગ્યોર’ (VIBGYOR) નામે કલા-જૂથ રચ્યું અને આ કલાજૂથનાં ઘણાં સામૂહિક કલાપ્રદર્શનોમાં તેમણે ભાગ પણ લીધો.

ઢગટનાં ચિત્રોમાં મુખ્ય વિષય માનવીઓ અને પશુપંખીઓ જોવા મળે છે. તેમાં માનવઆકૃતિઓ કૂતરાં-બિલાડાંથી વીંટળાયેલી જોવા મળે છે. ઢગટની નિરૂપણ અને આલેખન-શૈલી અભિવ્યક્તિવાદ તરફ ઝૂકેલી જણાય છે. આલેખનમાં પીંછીના, ચાકુના કે શાહીના કિત્તાના ઘસરકા અને બીજાં ચિહનોથી ઢગટનાં ચિત્રોને આગવી ઓળખ મળે છે. સુંદર કહી શકાય તેવાં સુકુમાર આલેખનો કરવાનું ઢગટ ટાળે છે, અને વિકૃતીકરણ (distortation) તરફ ઝૂકે છે. આશા, નિરાશા, આનંદ, ક્રોધ, ભય, આશ્ર્ચર્ય વગેરે ભાવો આ ચિત્રોમાં આલેખિત ચહેરાઓ પર જોવા મળે છે. ઘણાં ચિત્રોમાં ચહેરાઓનાં ગાલ, ગળા, હાથ, પગ, છાતી ફૂલીને ઢમઢોલ થયેલાં જોવા મળે છે. 2000 પછી નવીન ઢગટની ચિત્રશૈલીમાં ફેરફાર થયા છે. ચીતરેલા ચહેરાઓ પર કુમાશ પથરાયેલી જોવા મળે છે. તેમના હાવભાવ અને અંગભંગિમાં પણ ઋજુતા અને નમણાશ પ્રગટેલી જોવા મળે છે. માથાં વિનાના ધડ અને ધડ વિનાનાં માથાંની આકૃતિઓ ભેંકાર ભૂતાવળની સૃષ્ટિ રચે છે. ઘણી વાર માનવ આકૃતિઓની સહોપસ્થિતિમાં ઢગટે ગાય, કૂતરાં, કૂકડાં, બતક અને કબૂતર જેવાં પશુપંખીઓ આલેખીને માનવી અને પશુસૃષ્ટિ સાથેની સંવાદિતા સર્જી છે. 2000 પછી ઢગટે ગુજરાતી ભાષામાં લઘુકાવ્યો પણ રચ્યાં છે.

ઢગટે બાળકો માટેની ઘણી કલાકીય કાર્યશિબિરો કરી છે. તે બાળકો માટે નિયમિત રૂપે કલાવર્ગ પણ ચલાવે છે. 1987માં ઢગટને ભારત સરકારની ટેક્સ્ટાઇલ મિનિસ્ટ્રીનો નૅશનલ ઍવૉર્ડ મળ્યો હતો. મૈસૂરના દશેરાના પ્રદર્શનમાં તેમને 1970માં એક ઍવૉર્ડ મળ્યો હતો. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીએ તેમને 1972, 1975, 1989, 1992 તથા 1996માં ઍવૉર્ડ આપી સન્માન્યા છે. 1999માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીએ તેમને સિનિયર ફેલોશિપ પણ આપી હતી. અમદાવાદ, મુંબઈ, દિલ્હી વગેરે શહેરોમાં ઢગટે પોતાનાં ચિત્રોનાં 22થી વધુ વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમનાં ચિત્રો દિલ્હી ખાતેની કેન્દ્રીય લલિતકલા અકાદમી, નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, દિલ્હીનું મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, દિલ્હી ખાતેની સ્વિસ એલચી કચેરી, અમદાવાદ ખાતેનું સિટી મ્યુઝિયમ – જેવાં સંસ્થાનો-મંડળોમાં તથા ઘણા અંગત સંગ્રહોમાં કાયમી ધોરણે સચવાયેલાં છે. ઢગટ બે પુત્રીઓ ધરાવે છે, તેમની એક પુત્રી અનુજા રંગમંચની કલાકાર છે.

અમિતાભ મડિયા