ડેવોનિયન રચના : ડેવોનિયન કાળગાળા દરમિયાન જમાવટ પામેલા ખડકસ્તરોની બનેલી રચના. ભૂસ્તરીય કાળગણનાક્રમમાં પેલિયોઝોઇક યુગ (પ્રથમજીવ યુગ) પૈકીનો ચોથા ક્રમે આવતો કાળગાળો ‘ડેવોનિયન’ નામથી ઓળખાય છે. ડેવોનિયન નીચે સાઇલ્યુરિયન અને ઉપર કાર્બોનિફેરસ રચનાઓ છે. આ રચનાના ખડકો ક્યાંક ખંડીય તો ક્યાંક દરિયાઈ ઉત્પત્તિજન્ય છે. ભૂસ્તરીય ઇતિહાસમાં તેમની જમાવટ આજથી ગણતાં 40± કરોડ વર્ષથી 34.5± કરોડ વર્ષ વચ્ચેના સાડા પાંચ કરોડ વર્ષના ગાળામાં થયેલી છે, તેમ છતાં તેની અધો-ઊર્ધ્વ સરહદ સપાટી માટે એકવાક્યતા સધાયેલી નથી.
ઇંગ્લૅન્ડના નૈર્ઋત્ય ભાગમાં આવેલા ડેવોન-કૉર્નવૉલમાંથી મળી આવેલા આ કાળગાળાના દરિયાઈ સ્તરોને તે સ્થાન પરથી ‘ડેવોનિયન’ નામ આપવાનું માન ઍડમ સેજવિક અને રોડરિક મરચીસન (1839) નામના બે સ્તરવિદોને ફાળે જાય છે. ઇંગ્લૅન્ડના બાકીના ઉત્તર ભાગમાં તેને સમકક્ષ ખંડીય નિક્ષેપરચના તેમજ દુનિયાના ઘણા ભાગોમાં પણ આ રચનાના ખડકો મળી આવેલા છે. જર્મની, રશિયા (લેનિનગ્રાડ, યુરલ), ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ઉત્તર અને દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા તેમજ હિમાલયમાં ડેવોનિયન રચનાના ખડકસ્તરો મળી આવે છે.
વિશિષ્ટ પાર્થિવ સંજોગો હેઠળ પણ આ વયના ખડકોની જમાવટ દુનિયાના કેટલાક ભાગોમાં થયેલી જોવા મળે છે, જેમાં શુષ્ક-અર્ધશુષ્ક આબોહવાત્મક સંજોગો હેઠળ તૈયાર થયેલા સરોવરજન્ય અને કાંપનાં મેદાનોના નિક્ષેપોનો સમાવેશ થાય છે. આ પૈકી મોટા ભાગના ખડકો લાલ રંગવાળા છે. તેનો સર્વપ્રથમ અભ્યાસ 1841માં હગ મિલરે કરેલો. સ્કૉટલૅન્ડ, ગ્રીનલૅન્ડ, કૅનેડાના આર્ક્ટિક ટાપુઓ અને ઉત્તર અમેરિકાના ઈશાન ભાગોમાં મળતા સુવિકસિત ખંડીય નિક્ષેપજન્ય પ્રકારના ખડકો માટે ‘ઓલ્ડ રેડ સૅન્ડસ્ટોન’ નામ સૂચવેલું, જે ત્યારપછીથી પ્રસ્થાપિત થઈ ગયેલું છે.
ડેવોનિયન કાળ દરમિયાનના પ્રાચીન ભૌગોલિક સંજોગો : આજે પૃથ્વીના પટ પર ખંડોનું વિતરણ જે રીતે જોવા મળે છે એના કરતાં તદ્દન જુદું જ વિતરણ ડેવોનિયન કાળમાં હતું. પ્રાચીન ચુંબકીય અને ભૂસ્તરીય પુરાવા નિર્દેશ કરે છે કે યુરોપ, ગ્રીનલૅન્ડ અને ઉત્તર અમેરિકા ત્યારે અયનવૃત્તોની જગાએ હતા અને ‘લોરેશિયા’ના નામથી ઓળખાતા સળંગ ભૂમિસમૂહ સ્વરૂપે જોડાયેલા હતા. એ જ રીતે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઍન્ટાર્ક્ટિકા. ભારત અને ઑસ્ટ્રેલિયા પણ એ વખતે દક્ષિણ ગોળાર્ધ સ્થિત ‘ગોંડવાના’ના નામથી ઓળખાતા સળંગ વિશાળ ભૂમિસમૂહના સ્વરૂપે જોડાયેલા હતા. દક્ષિણ ધ્રુવ ત્યારે દક્ષિણ આફ્રિકા કે દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે મોટેભાગે આર્જેન્ટિનામાં હતો અને દક્ષિણ આફ્રિકા-ઑસ્ટ્રેલિયાનો ઉત્તર ભાગ વિષુવવૃત્તની તદ્દન નજીક હતો. આ ખંડોનો મોટો વિસ્તાર દરિયાઈ જળથી આવરી લેવાયેલો હતો. ડેવોનિયન કાળ દરમિયાન યુરોપના ઘણા વિસ્તારોમાં દરિયાઈ સંજોગો હેઠળ ખડકસ્તરોની જમાવટ થયેલી, જેનું અંતિમ કાર્બોનિફેરસ કાળ વખતે હર્સિનિયન ગિરિનિર્માણ ક્રિયા દ્વારા ગેડીકરણ થયેલું. સાઇબીરિયાની દક્ષિણે રહેલા મધ્ય એશિયાઈ ભૂમિભાગની જગાએ ત્યારે અંગારા ભૂસંનતિનું અસ્તિત્વ હતું, જેનો વિસ્તાર આજના ટીએનશાન પર્વતોથી મૉંગોલિયા થઈને પૅસિફિક કિનારાના ઓખોટસ્કના સમુદ્ર સુધીનો હતો. આ ભૂસંનતિમય થાળામાં ડેવોનિયન ખડકસ્તરોની જમાવટ થઈ, જે દક્ષિણ યુરોપના સ્પેનમાં, આલ્પાઇન પટ્ટામાંના પ્રાચીન ખડકવિસ્તારોમાં, ત્યાંથી ટર્કી અને અફઘાનિસ્તાન સુધી તેમજ હિમાલયથી મલેશિયાના ટર્શિયરી ખડકોથી બનેલા ગેડપટ્ટાના અંતરિયાળમાં આજે જોવા મળે છે. ઉત્તર અમેરિકાના પૂર્વ વિસ્તારમાં ત્યારે એપેલેશિયન ભૂસંનતિમય થાળું હતું, જેમાં સંભવત 7500 મીટરની જાડાઈવાળા સ્તરોની જમાવટ થયેલી, જેનું પેલિયોઝોઇક યુગના છેલ્લા કાળમાં ગેડીકરણ થયેલું, અતિધસારા પણ થયા અને ખડકો વિકૃતિ પામ્યા. આ અગાઉની મધ્ય ડેવોનિયન સુધી ચાલેલી કૅલિડોનિયન ગિરિનિર્માણ ક્રિયાના આર્ડેનિયન તબક્કા હેઠળ તે સમય સુધીની સ્તરરચનાની જળકૃત જમાવટ ઊંચકાઈ આવી અને ભૌમિક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ, જેને પરિણામે લાલરંગી રેતીખડકો અને ગોળાશ્મખડકો રચાયા. આથી ઊલટું, ઉત્તર અમેરિકાના મધ્યભાગમાં રચાયેલા કાર્બોનેટ બંધારણવાળા ડેવોનિયન ખડકો પ્રમાણમાં ઓછી જાડાઈના છે અને જૂના ખડકોની ઉપર સમાંતર અસંગતિ સહિત લગભગ વિક્ષેપરહિત સ્થિતિમાં રહેલા છે. માત્ર નિમ્ન ડેવોનિયન ખડકોનું અસ્તિત્વ નથી. ઉત્તર અમેરિકાના પશ્ચિમ ભાગમાં અલાસ્કાથી મેક્સિકો સુધી વિસ્તરેલું કોર્ડિલેરન ભૂસંનતિમય થાળું હતું, જેમાં જામેલા ખડકસ્તરો મેસોઝોઇક અને ટર્શિયરી કાળ દરમિયાન થયેલા ગેડીકરણ અને સ્તરભંગક્રિયામાં સંડોવાઈને સંકોચાયા છે. આજે તો તે થાળાના ખડકો પૂર્વ તરફના રૉકીઝ પર્વતોને કારણે મર્યાદિત બનેલા છે. પશ્ચિમમાં તે જ્વાળામુખી ખડકો સહિતના ઊંડાજળજન્ય જાડાઈવાળા શેલથી બનેલા છે. જ્યારે પૂર્વમાં ઓછી જાડાઈવાળા ચૂનાખડકો અને ડોલોમાઇટનો પટ્ટો રહેલો છે. આ બંને પટ્ટા ઊંડા ભૂસંનતિમય થાળામાં અને કિનારાના ભૂસંનતિમય થાળામાં રચાયેલા પરિણામી ખડકો છે. દક્ષિણ કૅલિફૉર્નિયા, મધ્ય નેવાડા અને ઇડાહોને આવરી લેતો ગેડીકરણવાળો અને અતિધસારાવાળો પટ્ટો ત્યાં અંતિમ ડેવોનિયનથી પ્રારંભિક કાર્બોનિફેરસ કાળ દરમિયાન થયેલી એન્ટલર ગિરિનિર્માણક્રિયામાં સંડોવાયાનું સૂચન કરી જાય છે. આ ઉપરાંત ડેવોનિયન ખડકો કૅનેડાના આર્ક્ટિક ટાપુઓમાં પણ મળી આવે છે. દક્ષિણ અમેરિકામાં ડેવોનિયન કાળના ખડકો કોલંબિયા, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં જોવા મળે છે, જે છીછરા જળમાં જામેલા નિક્ષેપજન્ય જળકૃત ખડકો છે. ઉત્તર તરફના વિસ્તારોના ખડકો એપેલેશિયન ખડકો સાથે જીવાવશેષ સામ્ય ધરાવે છે, જ્યારે દક્ષિણ અમેરિકાના દક્ષિણ ભાગોના ખડકોનું સામ્ય દક્ષિણ આફ્રિકા અને ઍન્ટાર્ક્ટિકા સાથે હોવાનું જણાય છે. ઑસ્ટ્રેલિયાના ડેવોનિયન ખડકો ટસ્માન ભૂસંનતિનો પૂર્વીય પટ્ટો રચે છે, જે ટ્રાન્સ-ઍન્ટાર્ક્ટિક ભૂસંનતિ સાથે સંકળાયેલો હતો. મધ્ય ઑસ્ટ્રેલિયામાં પણ ઓલ્ડ રેડ સૅન્ડસ્ટોન મળે છે. પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં ડેવોનિયન ખડકો ક્યાંક નિમ્ન પેલિયોઝોઇક તો ક્યાંક પ્રીકૅમ્બ્રિયન ખડકો ઉપર અસંગતિ (unconformity) સહિત જોડાયેલા જોવા મળે છે.
ડેવોનિયન કાળના આબોહવાત્મક સંજોગો : ડેવોનિયન કાળની ખડકરચનાના તત્કાલીન સંજોગોના અભ્યાસ પરથી પ્રસ્થાપિત કરી શકાય છે કે એ કાળ દરમિયાન દુનિયાની આબોહવા સંભવત: આજે જેવી છે તે કરતાં વધુ ગરમ હતી. દક્ષિણ ગોળાર્ધસ્થિત ગોંડવાનાખંડ એક વિશાળ ભૂમિસમૂહ હોવાની એક હકીકત હોવા છતાં મર્યાદિત હિમનિક્ષેપોના અસ્તિત્વ સિવાય વિશાળ હિમચાદરો જેવા સંજોગો હોવાનું જાણવા મળતું નથી. આ અધિતર્કને મધ્ય અને અંતિમ ડેવોનિયન કાળ દરમિયાન વિષુવવૃત્તીય વિસ્તારમાં તૈયાર થયેલા વિસ્તૃત પરવાળાના કાર્બોનેટ ખડકો વધુ અયનવૃત્તીય વર્ષા-પટ્ટાનું અને ઓછા હિમ સંજોગો માટેનું સમર્થન આપી જાય છે. વિશેષ રસપ્રદ આબોહવાત્મક બાબત તો એ છે કે ડેવોનિયન પરવાળાના અવશેષોના બાહ્યકવચ (epithecae) ઉપર જોવા મળતી વલય પટ્ટારચના પરથી સાબિત થઈ શકે છે કે ડેવોનિયન કાળ વખતનું વર્ષ 400 દિવસનું હશે અને ચાંદ્રમાસ 30 1/2 દિવસનો હશે !
ડેવોનિયન કાળનાં જીવનસ્વરૂપો : ડેવોનિયન કાળ આદિ મત્સ્યજીવનના પ્રારંભ માટે, તેમની બહોળી પ્રાપ્તિ માટે ઘણો અગત્યનો બની રહ્યો છે, આ જ કારણથી તેને ‘મત્સ્યયુગ’ (Age of Pishes) તરીકે ઓળખાવવામાં આવે છે. આ ઉપરાંત આ કાળ સર્વપ્રથમ તૈયાર થયેલી સંવહની (vascular) વનસ્પતિની વિપુલતા માટે તેમજ પૃથ્વી પર પહેલવહેલાં જંગલો તૈયાર થવા માટે પણ જાણીતો બનેલો છે. વળી, સર્વપ્રથમ કીટાણુઓ પણ આ કાળ દરમિયાન જ મળેલા છે; એટલું જ નહિ, આ જ કાળના અંતિમ ચરણ વખતે ચતુષ્પાદ જીવો પણ શરૂ થયાનું જાણવા મળે છે.
ડેવોનિયન કાળ એ વિપુલ પ્રમાણવાળા દરિયાઈ જીવનના અસ્તિત્વનો કાળગાળો ગણાય છે. આ કાળમાં ખંડો પર મોટા પાયા પર વનસ્પતિજીવન અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી જીવનનાં પગરણ મંડાયાં, તે પાંગર્યું અને વિકસ્યું. સંવહની વનસ્પતિ પ્રથમ વાર પ્રચુર પ્રમાણમાં વિકસતી ગઈ, જંગલો પણ વિસ્તર્યાં. એ જ રીતે, સ્વચ્છ જળની અને ખારા જળની માછલીઓનો ઉદય થયો અને તેની સંખ્યા વધતી ગઈ. લોરેશિયાની ઓલ્ડ રેડ સૅન્ડસ્ટોન રચના પરથી શુષ્ક આબોહવા, જળથાળાંની શુષ્કતા અને મર્યાદિત જળપુરવઠાની સ્થિતિનો ખ્યાલ આવે છે. ડેવોનિયનના અંતિમ તબક્કામાં આ સંજોગ પૃથ્વીના પટ પરના પ્રથમ ઊભયજીવી વર્ગના ચતુષ્પાદ જીવનની ઉત્ક્રાંતિ થવાની સમજ સ્પષ્ટ કરી આપે છે. આમ સમગ્ર પેલિયોઝોઇકનો વિચાર કરતાં સમજાય છે કે ડેવોનિયન એક એવો કાળગાળો રજૂ કરે છે જેમાં જીવનની વિવિધતાના અલગ અલગ સ્વરૂપો થઈ ઉત્ક્રાંત થવા માટેના મહત્તમ સંજોગો પૂરા પાડે છે. આ બાબત જીવનસ્વરૂપોની વર્ગવાર સંખ્યા માટે તેમજ કદાચ જાતિઓ માટે સાચી છે; જોકે ઊર્ધ્વ અને અંતિમ ડેવોનિયન વખતે આ પૈકીના ઘણા સમૂહો વિલુપ્ત થઈ જાય છે. તેનાં ચોક્કસ કારણોનો નિર્ણય થઈ શકેલો નથી, તેમ છતાં એ માટે ઊર્ધ્વ ડેવોનિયનના પ્રારંભે સમુદ્રજળસપાટી વારંવાર વધી જવાના સંજોગને અગત્યના પરિબળ તરીકે ઘટાવી શકાય ખરો ! એ કારણે સામાન્ય દરિયાઈ પર્યાવરણમાં ફેરફાર થયેલો, જેનાથી પરવાળાંનાં ઘણાં સંકુલો નષ્ટપ્રાય બની ગયેલાં.
ડેવોનિયન કાળમાં વિવિધ જાતની લીલ (ખાસ કરીને સ્ટ્રૉમેટોલાઇટ રચતી લીલ) હતી તો ખરી, પરંતુ તે જીવાવશેષ સ્વરૂપે જળવાઈ શકેલી નથી. ડેવોનિયન કાળની પહેલાં સંવહની વનસ્પતિની ઉત્પત્તિ તો થઈ ચૂકેલી જેના પુરાવા અંતિમ સાઇલ્યુરિયન રચનામાંથી મળી રહે છે. આ પૈકી સિલિફાયટોપ્સિડા-રહીનિયા, વૃક્ષસ્વરૂપના લાઇકોપ્સિડા, સ્ફેનોપ્સિડા અગત્યના પ્રકારો ગણાવી શકાય – જે આંતરરાષ્ટ્રીય ખડક-સહસંબંધ માટે મહત્વના બની રહે છે.
આમ તો કૅમ્બ્રિયન કે ઑર્ડોવિસિયનથી જેનો પ્રારંભ થયેલો એવું કેટલુંક અપૃષ્ઠવંશી જીવન ડેવોનિયન સુધીમાં તો વિપુલ બની રહ્યું હોય છે; એટલું જ નહિ, પણ તે વર્ગો અને જાતિઓ દ્વારા જુદું પણ પાડી શકાય છે. છીછરા જળના, ભરતીના અને ત્રિકોણપ્રદેશના સંજોગો હેઠળ તૈયાર થયેલાં જીવનસ્વરૂપો પૈકી દ્વિકવચપુટવાળાં પ્રાણીઓ, સાદાં પરવાળાં અને પ્રવાલસંકુલો, જઠરપદી, ત્રિખંડી, વાદળી, સીફેલોપૉડ, એકિનોઇડ અને ક્રિનોઇડનો સમાવેશ કરી શકાય. આ તમામ વિકસ્યાં અને સમૃદ્ધ થયાં.
દુનિયાના ઘણા ભાગોમાં ડેવોનિયન દરમિયાનનો ઊંડા જળનો અને થાળાંનો નિક્ષેપ-પ્રકાર સારી રીતે રજૂ થયેલો જોવા મળે છે. ઊંડા જળમાં ખાસ કરીને ત્રિખંડી, આર્થ્રોપૉડ અને એકિનોડર્મના માત્ર વિશિષ્ટ પ્રકારો જ વિકસ્યા છે. થાળાઓમાં અને ઓછા ઊંડા સમુદ્રવિભાગોમાં સરખા પ્રકારનું જીવન વિકસ્યું છે. સુંવાળાં શરીરવાળાં પ્રાણીઓ જળવાઈ શક્યાં નથી. પ્રારંભિક ડેવોનિયનમાંના સ્લેટ ખડકયુક્ત ગ્રેપ્ટોલાઇટ, સાઇલ્યુરિયનમાંથી ટકી શક્યા તે પૈકીના છે. યુરોપ અને અમેરિકાનો સ્લેટ ખડક, સમકક્ષ નિક્ષેપ પ્રકાર હતો એમ તે સૂચવે છે; તેમાંથી જુદાં જુદાં કવચપુટ મળી રહે છે. ડેવોનિયનના આંતરરાષ્ટ્રીય ખડક-સહસંબંધ માટે અપૃષ્ઠવંશીના બે પ્રકારો ઉપયોગી બની રહે છે : (1) ગોનિયાટાઇટ (સીફેલોપૉડ) અને (2) કોનોડોન્ટ્સ (કૅલ્શિયમ ફૉસ્ફેટ બંધારણવાળી 1 મિમી. કદવાળી દંતસમરચના).
માછલીઓ જોકે આ અગાઉ અંતિમ સાઇલ્યુરિયનમાં અને પ્રારંભિક ડેવોનિયનમાં મળતી હતી, તેમ છતાં આ કાળગાળા દરમિયાન તેમની ઉત્ક્રાંતિ થતી રહી. ઘણા સમૂહો સ્વચ્છ જળ અથવા નદીનાળ પ્રદેશો સાથે સંકળાયેલા મળી રહે છે. સર્વપ્રથમ સમૂહ ‘અગ્નાથા’ છે, જે જડબાંવિહીન છે. કેટલીક માછલીઓ જાડાં શારીરિક કવચવાળી છે; દા. ત., ટેરાસ્પિસ અને સેફાલેપ્સિસ. જડબાંવાળી માછલીઓ અથવા ‘ગ્નેથોસ્ટોમેટા પણ આ જ કાળમાં તૈયાર થઈ છે. તેને પણ ભારે ઢાલ છે; દા.ત., ડંકલીઓસ્ટીઅસ. શાર્કના જેવી માછલી, અસ્થિયુક્ત માછલી, ફેફસાંવાળી માછલી વગેરે પણ આ જ કાળમાં શરૂ થયેલી છે. રીફીડીટીડ પ્રકારની માછલીમાંથી જ આ કાળના અંત વખતે ચતુષ્પાદ પ્રાણી ઉત્ક્રાંત થયાનું મનાય છે.
પૃથ્વી પરની ઘટનાઓનું મૂળ ડેવોનિયન કાળ : સાઇલ્યુરિનના અંત વખતે થયેલી કૅલિડોનિયન ગિરિનિર્માણક્રિયા દરમિયાન ઉત્તર અમેરિકા અને યુરોપના ખંડોનું જોડાણ થયું. દક્ષિણ ગોળાર્ધસ્થિત એ વખતના ગોંડવાના ભૂમિસમૂહનું જોડાણ થયું. સાઇબીરિયા અને યુરોપ-એશિયાના અન્ય વિસ્તારોમાં અલગ ભૂમિસમૂહની રચના થઈ. ઍપેલેશિયન અને યુરોપીય–હર્સિનિયનથી બનેલું ભૂસંનતિમય થાળું અંતિમ પેલિયોઝોઇક વખતે આ બે મહાખંડો વચ્ચે થયેલી અથડામણને કારણે ગેડીકરણ પામ્યું. યુરલ ભૂસંનતિમય થાળું પણ અંતિમ પેલિયોઝોઇક વખતે સાઇબીરિયન અને ઉત્તર અમેરિકા-યુરોપ મહાખંડ વચ્ચેની અથડામણને કારણે ગેડીકરણ પામ્યું. ટૂંકમાં, આ ઘટનાઓનો સમન્વય કરતાં એવો અર્થ ઘટાવી શકાય કે અંતિમ પેલિયોઝોઇકની મુખ્ય ગિરિનિર્માણઘટનાઓનો પ્રારંભ ડેવોનિયનના સંજોગોમાં છુપાયેલો હોવો જોઈએ. ડેવોનિયનના દરિયાઈ–બિનદરિયાઈ સંજોગો જીવનસ્વરૂપોની વિવિધતા માટે પણ કારણભૂત લેખી શકાય.
ડેવોનિયન ખડકોનું આર્થિક મહત્વ : ડેવોનિયન કાળના ખડકોમાં બહોળા પ્રમાણમાં વિવિધ રાસાયણિક બંધારણવાળા ખડકપ્રકારોનો સમાવેશ થાય છે અને દુનિયાના ઘણા મોટા વિસ્તારોમાં વિવૃત થયેલા જોવા મળે છે, તેથી જ તેમનું સ્થાનિક આર્થિક મહત્વ વધી જાય છે. આ ખડકો ઇમારતી પથ્થરો તરીકે અને સિમેન્ટ બનાવવા માટે વપરાય છે. આ ખડકરચના ઈંટો માટેની માટી, છત માટેની સ્લેટ, કાચરેતી, મીઠું એનહાઇડ્રાઇટ અને અપઘર્ષકો પૂરાં પાડે છે. અમેરિકાની મિશિગન ક્વૉરીનો ડેવોનિયન ચૂનાખડક દુનિયાભરની મોટામાં મોટી ક્વૉરીનું ઉદાહરણ છે. જર્મનીના જળકૃત લોહનિક્ષેપોનું પણ ઘણું મહત્વ ગણાતું હતું. ગઈ સદીથી પેન્સિલવેનિયા અને ન્યૂયૉર્કના ડેવોનિયન ખડકોમાંથી મેળવાતાં તેલ અને વાયુ આ ખડકોની પેદાશ છે. યુરલ-વૉલ્ગા વિસ્તારમાં ઊંડાઈએથી મળતા હાઇડ્રોકાર્બન માટે ડેવોનિયન રેતીખડક જવાબદાર છે. દુનિયાના ઘણા વિસ્તારોમાંથી મળતાં સિંધવ અને એનહાઇડ્રાઇટ ડેવોનિયનની બાષ્પાયન પેદાશ છે. કૅનેડાના સસ્કેચવાનમાંથી મળતો પોટાશ જથ્થો પણ ડેવોનિયનનો છે.
ગિરીશભાઈ પંડ્યા