અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો (ultrabasic igneous rocks) : સામાન્ય રીતે જે ખડકોમાં 45 %થી ઓછું સિલિકાપ્રમાણ હોય, ક્વાર્ટ્ઝ કે ફેલ્સ્પાર-ફેલ્સ્પેથૉઇડ જેવાં ખનિજો બિલકુલ ન હોય, પરંતુ આવશ્યક ખનિજો તરીકે ફેરોમૅગ્નેશિયમ સિલિકેટ ખનિજો જ હોય, ક્યારેક તેની સાથે ધાત્વિક ઑક્સાઇડ કે સલ્ફાઇડ હોય, ક્વચિત્ પ્રાકૃત ધાતુઓ હોય એવા ખનિજબંધારણવાળા અગ્નિકૃત ખડકો તે અલ્ટ્રામેફાઇટ્સ અથવા અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો તરીકે ઓળખાવાય છે. તાજેતરમાં કેટલાંક વર્ષોથી આવા ખડકો માટેની 45 %થી ઓછું સિલિકા-પ્રમાણ હોવાની વ્યાખ્યાત્મક મર્યાદાને લગભગ ફગાવી દેવામાં આવી છે, કારણ કે આ પ્રકારના બંધારણવાળા કેટલાક ખડક-પ્રકારોની પરખ અન્ય કસોટીઓ દ્વારા નિ:શંકપણે અલ્ટ્રાબેઝિક તરીકે કરી શકાઈ છે. તેમાં 45 %થી વધુ સિલિકા-પ્રમાણ હોવાનું જણાયેલું છે; દા.ત., માત્ર હાઇપરસ્થીનથી બનેલો ખડક 43 %થી 53 % સિલિકા-પ્રમાણવાળો અને માત્ર બ્રોન્ઝાઇટથી બનેલો ખડક 53 %થી 55 % સિલિકા-પ્રમાણવાળો હોય છે.
મોટાભાગના અલ્ટ્રાબેઝિક ખડકો જાડાઈવાળા લોપોલિથ, સિલ કે લાવાપ્રવાહોના નીચેના થરમાં એકત્ર થયેલા જોવા મળે છે, જ્યાંથી ઉપર તરફ આવતા બેઝિક ખડકના થરોમાં રૂપાંતરિત થતા જાય છે.
સર્વસામાન્ય અલ્ટ્રાબેઝિક ખડકો બહુધા અંત:કૃત પ્રકારના (મોટી દાણાદાર કણરચનાવાળા) અને પ્રમાણમાં ઓછા જ્વાળામુખી-પ્રકારના હોય છે; તેમ છતાં કેટલાક, ડાઇક કે સિલસ જેવાં અંતર્ભેદનોમાં અને જૂજ પ્રકારો પૉર્ફિરિટિક કણરચનાવાળા પણ મળી આવે છે. ઉલ્કાઓનાં બંધારણ પણ મહદંશે અલ્ટ્રાબેઝિક હોય છે. ખડક-પ્રકારોનાં ઉદાહરણો તરીકે ડ્યુનાઇટ, પેરિડોટાઇટ, કિમ્બરલાઇટ, પિક્રાઇટ, ઓશિયેનાઇટ, એન્કરમાઇટ, પર્કનાઇટ, કોર્ટલેન્ડાઇટ, લ્હેરઝોલાઇટ, હોર્ન બ્લેન્ડાઇટ, પાયરૉક્સિનાઇટ, સર્પેન્ટિનાઇટ, ઑલિવિનાઇટ વગેરેનો સમાવેશ કરી શકાય. માત્ર ક્રોમાઇટ કે ઇલ્મેનાઇટના બનેલા તેમજ પ્લૅટિનમ જૂથનાં તત્વોથી બનેલા ખનિજ-બંધારણવાળા ખડકોને પણ અલ્ટ્રાબેઝિક પ્રકારની કક્ષામાં મૂકી શકાય.
ગિરીશભાઈ પંડ્યા
મોહનભાઈ પુરુસોત્તમદાસ પટેલ