અલ્ટરનેરિયાનો સુકારો (blight) : અલ્ટરનેરિયા દ્વારા જીરું, બટાટા, ટામેટાં અને ઘઉં જેવી વનસ્પતિને લાગુ પડતો રોગ.
જીરુંમાં આ રોગ ફૂગની Alternaria burnsii Uppal, Patel and Kamat નામની જાતિ દ્વારા થાય છે. તેને જીરાનો ‘કાળો ચરમો’ પણ કહે છે.
લક્ષણો : વાવણી બાદ આ ફૂગજન્ય રોગથી પાન અને થડ ઉપર ભૂખરા સફેદ રંગના ડાઘ પડે છે. વ્યાપક ઉપદ્રવમાં આ ભાગો બદામી રંગના થઈ જાય છે, જેની ઉપર ઘેરા કથ્થાઈ કે કાળા રંગની ફૂગનો ઉગાવો જોવા મળે છે. પાન, થડ, ડાળી અને દાણા ઉપર રોગ પ્રસરતાં તે ચીમળાઈ જાય છે.
રોગપ્રેરક બળો : ભેજવાળું ઠંડું વાતાવરણ, કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ, ધુમ્મસ, રોગગ્રાહ્ય જાત અને પ્રતિવર્ષે માત્ર જીરાનો પાક.
ઉપાયો : રોગિષ્ઠ ભાગોનો બાળીને નાશ કરવો. રોગમુક્ત વિસ્તારનું જ અને રોગપ્રતિકારક બી પસંદ કરવું. બીજને ફૂગનાશક દવાનો પટ આપીને વાવવાં. રોગ માટેના સાનુકૂળ સંજોગોમાં 0.25 %ના દરે ઝાયનેબ કે મેન્કોઝેબ 15 દિવસના આંતરે છાંટવું.
અલ્ટરનેરિયાની ઝાળ (ઘઉંના પાનનો સુકારો) : આ રોગ ફૂગની A. triticina નામની જાતિ દ્વારા થાય છે.
લક્ષણો : રોગની શરૂઆતમાં છોડનાં નીચેનાં પાન ઉપર પીળા અનિયમિત આકારના ડાઘ પડે છે, અને વચ્ચેનો ભાગ કથ્થઈ રંગના ફૂગ બીજાણુઓથી ભરાઈ જાય છે, જે બદામી રંગના થઈ સુકાઈ જાય છે. ઉગ્ર સ્વરૂપમાં, પાક દાઝી ગયો હોય તેવો લાગે છે.
રોગપ્રેરક બળો : રોગગ્રાહ્ય જાત, ભેજવાળું વાતાવરણ.
ઉપાયો : રોગપ્રતિકારક જાત, રોગમુક્ત વિસ્તારનું બીજ, વાવેતર કર્યા પછી 45 દિવસે ઝાયનેબ 0.25 %ના દરે 10 દિવસને આંતરે છાંટવું.
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ