ડિથિરૅમ્બ : ગ્રીક પરંપરાના સ્તોત્રનું સમૂહગાન. તેનો ઉદભવ ઈ. સ. પૂ. આશરે સાતમી સદીમાં થયો મનાય છે અને પછી તેમાં ત્રણસોએક વર્ષ સુધી ઉત્તરોત્તર ફેરફાર થતા રહ્યા. જનસમાજના શ્રમિક વર્ગો ખાસ કરીને કૃષિકારો લણણીના સમય દરમિયાન ડાયોનિસસનું આરાધન કરતા. દેવ ડાયોનિસસની યજ્ઞવેદીની પ્રદક્ષિણા કરતું નર્તકવૃંદ જનસમાજના હર્ષોલ્લાસ અને રંગરાગના દેવનું સ્તુતિગાન કરતું. ડિથિરૅમ્બનો રૂઢ અર્થ છે સ્તુતિગાન. ભક્તિ, આર્જવ, આશા, એષણા આદિ ભાવોને ગૂંથતાં ગીતોની સાથોસાથ મદિરાગાન પણ રચાયાં. ગ્રીક ટ્રૅજેડીનો ઉદભવ ડિથિરૅમ્બમાંથી થયો. ગ્રીક ઊર્મિકવિતાના સ્વરૂપનું ડિથિરૅમ્બ એક મહત્વનું અંગ છે. આ સ્વરૂપનો પ્રથમ કવિ એહિઓન. સમૂહગાન કરતી વેળાએ 50 જેટલા ગાયકો ગીત, નર્તન અને સંગીત સાથે કાવ્યભાવ પ્રકટ કરતા. ડિથિરૅમ્બમાંથી જ ક્રમે ક્રમે વૃંદગાન(કોરસ)નું સ્વરૂપ બંધાયું. આ વૃંદગાનમાંથી પિન્ડર(ઈ.સ.પૂ. 518થી 438)ના હાથે સ્ટ્રૉફી- ઍન્ટિસ્ટ્રૉફી-એપોડમાં વિભક્ત થયેલું ગ્રીક ઓડનું સ્વરૂપ બંધાયું.
થેસ્પિસે (ઈ.સ.પૂ. 534) ગ્રીક ટ્રૅજેડીના સ્વરૂપ-બંધારણની આરંભિક ભૂમિકા ઊભી કરી આપી. સમૂહગાનમાંથી વૃંદગાન અને વૃંદગાનમાંથી પહેલો અવાજ એટલે કે પ્રથમ નટ થેસ્પિસે દાખલ કર્યો. એકિલસે બીજો અવાજ –બીજો નટ દાખલ કર્યો અને ગ્રીક ટ્રૅજેડીના સમર્થ નાટ્યકાર સૉફક્લીઝે ત્રીજો નટ દાખલ કરી કાવ્યપંક્તિમાંથી નાટ્યાત્મક ઉક્તિ રૂપે ટ્રૅજેડીનું સંપૂર્ણ સ્વરૂપ સિદ્ધ કર્યું. ગ્રીક ટ્રૅજેડીના આંતરમાળખામાં ડિથિરૅમ્બ એકરૂપ થયું પણ વૃંદગાનનું આગવું મહત્વ જળવાઈ રહ્યું. ગ્રીક ટ્રેજેડીમાં વૃંદગાન આખીય પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે. જનસમાજની આશા, આકાંક્ષા, શંકા આદિનો પડઘો વૃંદગાન-કોરસનાં પાત્રો દ્વારા પડે છે.
આધુનિક સાહિત્યમાં ડિથિરૅમ્બ ભાગ્યે જ લખાયાં છે. તેનો કાવ્યપ્રયોગ કરનારા જૂજ કવિઓ પૈકી ડ્રાયડને ‘અલેક્ઝાન્ડર્સ ફીસ્ટ’માં તેનો અત્યંત સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. એલિયટની નાટ્યકૃતિ ‘મર્ડર ઇન ધ કેથીડ્રલ’માં કોરસનો સબળ વિનિયોગ થયો છે.
નલિન રાવળ