ડાંગર : એકદલા (monocot) વર્ગના પોએસી કુળની વનસ્પતિ. સં. व्रीहि; हिं. चावल; મરાઠી तांदुळ; કન્નડ અક્કિ; શાસ્ત્રીય નામ Oryza sativa L. (એશિયા) અને O. glaberrima (આફ્રિકા). અણછડ અને ઉકાળેલ ડાંગરમાંથી બનાવેલ ચોખા ભૂખરા રંગના હોય છે. પૉલિશ કરવાથી છડેલ દાણા સફેદ બને છે.
ડાંગર અતિશય પ્રાચીન કાળનો પાક છે. તેનો સૌથી પહેલો ઉલ્લેખ 5000 વર્ષ જૂનાં ચીની લખાણોમાંથી મળે છે. તેમાંથી એવું જાણવા મળે છે કે ડાંગરનો પાક ચીનના શહેનશાહ માટે અનામત રહેતો. ઇન્ડોનેશિયામાં ડાંગરનો પાક. ઈ. સ. પૂ. 500માં દાખલ થયેલો. શ્રીલંકામાં ડાંગરની ખેતી ઘણી જૂની છે. ઈ. સ. પૂ. 543 પહેલાં ચીનમાં ડાંગરનો પાક સૂકી ખેતીના પાક તરીકે લેવાતો હતો. ફિલિપાઇન્સના લુઝોન બેટમાં પણ ડાંગરની બહુ પુરાણી ક્યારીઓ હોવાનું જણાય છે. ઇજિપ્તની કબરોમાંથી ચોખા મળેલ નથી. બાઇબલમાં પણ ચોખા અંગે કોઈ લખાણ નથી. રોમનોને ઍલેક્ઝાન્ડરે ઈ. સ. પૂ. 340ના અરસામાં ભારત ઉપર હુમલા કર્યા ત્યારે ડાંગરની ખેતી વિશે જાણ થઈ. બ્રાઝિલમાં પોર્ટુગીઝોએ અને મધ્ય તેમજ દક્ષિણ અમેરિકામાં સ્પૅનિયાર્ડોએ ચોખાની ખેતી દાખલ કરેલ. આમ અમેરિકામાં હાલ જે ચોખાની વિવિધ જાતો છે તે એશિયામાંથી અગાઉ ગયેલ જાતોમાંથી પસંદગી કે સંકરણ દ્વારા ઉત્પન્ન કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયામાં 1924થી ડાંગરની ખેતી વ્યાપારી ધોરણે કરવામાં આવી છે.
ભારતમાં અલ્લાહાબાદ પાસે આવેલ કોલ્ડીવારના પુરાતત્વ સંશોધનમાં મળી આવેલ માટીના વાસણના ટુકડા ઉપર ચોખાના દાણાની છાપ અને દાણા મળી આવ્યાં છે, જે ઈ. સ. પૂ. 6000થી 7000 વર્ષ જેટલાં જૂનાં હોવાનું મનાય છે. આ જ પ્રમાણે હસ્તિનાપુરમાં પુરાતત્વના સંશોધન દરમિયાન ડાંગરના દાણા મળી આવેલ. તે કોલસા-સ્વરૂપે હતા અને ઈ. સ. પૂ. 1000થી 250 વર્ષ જૂના હોવાનું અંદાજવામાં આવે છે. આયુર્વેદીય સંદર્ભપુસ્તક ‘સુશ્રુતસંહિતા’માં ભારતમાં તે વખતે એટલે કે ઈ. સ. પૂ. 1000 વર્ષે થતા જુદી જુદી જાતના ચોખાની વિવિધતાનું વર્ણન છે. ઉપરાંત પાકવાના દિવસો, પાણીની આવશ્યકતા અને પોષણની ર્દષ્ટિએ ગુણધર્મો પણ વર્ણવેલ છે. પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં યજ્ઞસામગ્રીની જરૂરિયાતમાં ‘ઓદન’ એટલે કે ભાતનો ઉલ્લેખ છે. જન્મ, લગ્ન અને મરણ વખતે થતી ધાર્મિક વિધિઓમાં હાલ પણ ચોખાનો ઉપયોગ થાય છે તે પુરાણકાળથી થતો હોવાનાં પ્રમાણો છે. જગન્નાથપુરી જેવાં મંદિરોમાં પણ ભાતનો પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.
ડાંગર સ્વપરાગિત (self-pollinated) હોઈ મોટાભાગની જાતો શુદ્ધ સંવર્ધિત સ્વરૂપની હોય છે. વિવિધ જાતો વચ્ચેનો તફાવત જનીન-આધારિત હોય છે. આમ, ચોખાના છોડના ઉદભવ પછી તેના મૂળભૂત આનુવંશિક ગુણોમાં ઘણું પરિવર્તન જોવા મળે છે. આજે દુનિયામાં હજારો જાતો વવાય છે. એકલા ભારતમાં જ 4000થી વધુ જાતો વવાય છે. હવે તો વધુ ઉત્પાદન આપતી, પસંદગી દ્વારા વિકસાવેલી જાતો ઉપરાંત સંકરજાતો પણ મોટા પાયે વવાય છે.
ચોખાના છોડને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય : (1) વાનસ્પતિક વિભાગ; જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણો તથા (2) પ્રજનનવિભાગ, જેમાં પુષ્પવિન્યાસ અથવા કંટીનો સમાવેશ થાય છે.
ડાંગરને વાવાતાં તે ઊગે ત્યારે પ્રથમ મૂળ ફૂટે છે. ત્યારબાદ બે કે વધુ આદિમૂળ નીકળે છે, જે ટૂંકું આયુષ્ય ભોગવી નાશ પામે છે અને તેમનું સ્થાન તંતુમૂળો લે છે, જે જમીનમાં રહેલ પ્રકાંડની ગાંઠોમાંથી ફૂટે છે. જોકે પાછળથી જેમ પ્રકાંડ વધે છે તેમ તેમ અન્ય તંતુમૂળો પ્રકાંડની જમીનની બહાર રહેલી ગાંઠોમાંથી પણ ફૂટે છે. પીલા ફૂટતાં તેમાંથી પણ મૂળ ફૂટવાની ક્રિયા ચાલુ રહે છે. શરૂઆતમાં મૂળ 25થી 30 સેમી. જેટલી લંબાઈ ધરાવતાં હોય છે. ડાંગરના છોડના પ્રકાંડની ઊંચાઈ આંતરગાંઠો અને તેમની વચ્ચેના અંતર ઉપર નિર્ભર હોય છે. કંટી આવે ત્યારે વધુમાં વધુ ઊંચાઈ હોય છે. સામાન્ય ખેડાતી જાતોની ઊંચાઈ 90થી 140 સેમી. જોવા મળે છે.
ડાંગરના છોડના પ્રકાંડની ટોચ ઉપરના પુષ્પવિન્યાસની શાખાઓ ઉપર શુકિકાઓ વિકસે છે. આ શુકિકાઓમાં દાણા વિકાસ પામે છે. જંગલી જાતોમાં દાણો પરિપક્વ થાય ત્યારે પોતાની મેળે ખરી પડે છે, જ્યારે ખેતીની જાતોમાં તેને છૂટા પાડવાની ક્રિયા ઝૂડીને કરવામાં આવે છે. ચોખાના દાણામાં ફલાવરણ અને બીજાવરણ જોડાયેલાં હોય છે અને તેના આકાર અને કદમાં ઘણી વિવિધતા જોવા મળે છે.
ચોખાના વધુ ઉત્પાદન માટે, સારી ગુણવત્તા માટે રોગ અને જીવાત સામે કે ગરમી અને ઠંડી સામે ડાંગરનો પાક વધુ ટક્કર ઝીલે તે માટે સંવર્ધન દ્વારા નવી નવી જાતોનો ઉમેરો થતો જાય છે. દુનિયામાં 1965માં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા આઇ. આર. 8 નામની જાત તૈયાર કર્યા બાદ લગભગ 1800થી વધુ નવી જાતો બહાર પાડવામાં આવેલ છે. ભારતમાં સેન્ટ્રલ વેરાઇટી રિલીઝ કમિટી દ્વારા 1992 સુધીમાં ભલામણ કરેલ કુલ 400થી વધુ જાતો હાલ છે. ગુજરાતમાં પણ 1972 પહેલાંની સુધારેલી 14 જેટલી જાતો હતી જેમાં ત્યારપછી 25 જેટલી વધુ ઉત્પાદન આપતી જાતોનો ઉમેરો થયો છે. ગુજરાતની પ્રચલિત જાતોમાં સાઠી 34-36, સુખવેલ-20, ઝિનિયા-31, કમોદ-118, જીરાસાળ-280, પંખાળીં-203, કોલમ-42, નવાગામ-19, આઇઆર-8, આઇઆર-22, આઇઆર-28, આઇઆર-66, રત્ના, જીઆર-3, જીઆર-4, જીઆર 5, જીઆર-6, જીઆર-11, જીઆર-101 (સુગંધીવાળા), જીઆર-102 (સુંગંધીવાળા), અંબિકા (સુગંધીવાળા) અને ક્ષારપ્રતિકારક જાત એસએલઆર-51214નો સમાવેશ થાય છે. હવે તો સંકર જાતો પણ તૈયાર થવા લાગી છે.
દુનિયામાં 14.8 કરોડ હેક્ટરમાં ચોખાનું વાવેતર થાય છે અને તેમાં ઉત્પન્ન થતી 52 કરોડ ટન ડાંગરમાંથી 37 કરોડ ટન ચોખા મળે છે. હાલની વસ્તી જે રીતે વધી રહી છે તે જોતાં 2025ની સાલમાં લગભગ 76 કરોડ ટન ડાંગરની જરૂરિયાત ઊભી થશે. આમ, અત્યારની હેક્ટર- દીઠ સરેરાશ 3.5 ટનની ઉત્પાદકતા વધારીને 5 ટન સુધી લઈ જવી પડશે. દુનિયામાં સૌથી વધુ ઉત્પાદકતા ઑસ્ટ્રેલિયાની હેક્ટરદીઠ 8 ટન છે.
ભારતમાં લગભગ 4.2 કરોડ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે, તેમાંથી લગભગ 11 કરોડ ટન ઉત્પાદન મળે છે એટલે હેક્ટરે 2.3 ટન જેટલી ઉત્પાદકતા હોઈ દુનિયાની સરેરાશ ઉત્પાદકતા કરતાં ઓછી છે. ભારતમાં સૌથી વધુ ઉત્પાદકતા તમિળનાડુની હેક્ટરે 4.6 ટન છે.
ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં ડાંગર વવાય છે જેમાંથી 16 લાખ ટન જેટલું ઉત્પાદન મળે છે. ગુજરાતમાં ડાંગરની ઉત્પાદકતા 1951–56માં એટલે કે પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન 527 કિગ્રા./હેક્ટર હતી તે 1990મા 115 % વધીને 1136 કિગ્રા./હેક્ટર થવા પામી છે અને 1993માં 2000 કિગ્રા./હેક્ટર હોવા છતાં ભારતમાં અન્ય રાજ્યો કરતાં ઓછી છે. ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદકતા સૂરત જિલ્લાની 3 ટન છે. ક્ષમતાની ર્દષ્ટિએ બારડોલી ફાર્મ ઉપર 8 ટન અને ચોખા સંશોધન કેન્દ્ર, નવાગામ ઉપર 4–5 ટન જેટલું હેક્ટર દીઠ ઉત્પાદન મળેલ છે.
ડાંગરની ખેતી : ડાંગરની ખેતી ધરુવાડિયામાં ધરુ ઉગાડીને તે 35 દિવસનાં થાય ત્યારે ક્યારીમાં રોપીને અથવા બીજને ફણગાવીને સીધા ક્યારીમાં વાવીને કરી શકાય. આ રીતે ધરુની રોપણી કરીને ક્યારીમાં ડાંગર લેવાય તે ‘રોપાણ ડાંગર’ કહેવાય છે, જ્યારે ખેતરમાં વરસાદ આધારિત ડાંગર વાવીને લેવાય તે ‘ઓરાણ ડાંગર’ કહેવાય છે. રોપાણ ડાંગરનું ધરુ વરાપિયું અને વરુડિયું એમ બે રીતે તૈયાર કરવામાં આવે છે. વરાપિયામાં કોરાં બીજ અને વરુડિયામાં બીજ 24 કલાક પાણીમાં પલાળીને વાવવામાં આવે છે. આ ઉપરાંત જ્વારાની માફક પ્લાસ્ટિકના ટુકડા ઉપર પણ ધરુ તૈયાર કરવામાં આવે છે જેને ડેપોગ-પદ્ધતિ કહે છે.
ધરુવાડિયા માટે સપાટ, નિતારવાળી તથા પિયત થઈ શકે તેવી જમીન પસંદ કરવામાં આવે છે. ડાંગર જેટલા વિસ્તારમાં રોપવાની હોય તેના દસમા ભાગનું ધરુવાડિયું હોવું જોઈએ. જમીનને ખેડી, ઢેફાં ભાંગી સપાટ અથવા ગાદી–ક્યારા 10 × 1 મીટરના માપના તૈયાર કરાય છે. 100 ચોમી.ના વિસ્તાર માટે 200 કિગ્રા. સારું કોહવાયેલ છાણિયું ખાતર, 1 કિગ્રા. નાઇટ્રોજન (5 કિગ્રા. એમોનિયમ સલ્ફેટ) અને 0.8 કિગ્રા. ફૉસ્ફરસ(5 કિગ્રા. સિંગલ સુપર ફૉસ્ફેટ)યુક્ત રાસાયણિક ખાતરો જમીનમાં ભેળવી દેવાય છે. રોપાણ ડાંગર માટે હેક્ટરદીઠ 25 થી 30 કિગ્રા. બિયારણની જરૂર પડે છે. ધરુવાડિયામાં બીજ વાવ્યા બાદ ક્યારા ભીના રહે તે માટે હળવું અને નિયમિત પાણી આપવું પડે છે. નીંદણનો બહુ ઉપદ્રવ હોય તો બ્યૂટાક્લૉર 50 ઇસી અથવા બેન્થીઓકાર્બ 50 ઇસી 2 કિગ્રા. સક્રિય તત્વ/હેક્ટરે 500 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ દ્વારા કે 25 કિગ્રા. રેતી સાથે ભેળવીને પૂંખી પણ શકાય. લોહતત્વની ખામીથી ધરુ પીળું પડે ત્યારે 40 ગ્રામ ફેરસ સલ્ફેટ + 20 ગ્રામ ચૂનો 10 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો જોઈએ. ઘણી વખત વધુ ભેજવાળી પરિસ્થિતિમાં કરમોડી (blast) નામનો રોગ આવે છે, જે માટેની રોગની શરૂઆતમાં જ હીનોસાન- 50 ઇસી 10 મીલિ. 10 લિટર પાણીમાં ઓગાળી છાંટવું પડે છે.
રોપણી માટે 30થી 35 દિવસનું 4થી 5 પાનવાળું ચીપદાર ધરુ વાપરવામાં આવે છે. આમ જૂનમાં ધરુ વાવેલ હોય તો 15 જુલાઈ સુધીના સમયમાં રોપાય છે. રોપણી માટેની ક્યારીની જમીનને ખેડીને ઢેફાં ભાંગી હેક્ટરે 20 ગાડી સારું કોહવાયેલું છાણિયું ખાતર આપીને બીજી ખેડ કરાય છે. ચોમાસા પહેલાં લીલા પડવાશ માટે શણ કે ઇકડ નાખેલ હોય તો રોપણી પહેલાં 15 દિવસ અગાઉ જમીનમાં દાબી દઈ કોહવાય તેટલો સમય આપવો પડે છે. રોપણી અગાઉ ક્યારીને બને તો ટ્રૅક્ટર દ્વારા ધાવલ કરી તૈયાર કરાય છે અને 5 સેમી. જેટલું પાણી રાખી 20 × 15 સેમી.ના અંતરે દરેક થામણે ચીપવાળા બે છોડ રોપાય છે.
ડાંગરનો પાક 5 મે. ટન હેક્ટર દીઠ ઉત્પાદન આપે તો તે જમીનમાંથી 92 કિગ્રા. નાઇટ્રોજન, 35 કિગ્રા. ફૉસ્ફરસ અને 98 કિગ્રા. પોટાશ તથા 23 કિગ્રા. કૅલ્શિયમનો ઉપયોગ કરે છે. જમીનમાં ખાતર આપવાનો હેતુ પાક દ્વારા ઉપયોગમાં લેવાયેલ તત્વો ફરીથી ઉમેરવાનો છે. નાઇટ્રોજનયુક્ત ખાતરો હપતાવાર આપવાથી સારું પરિણામ મળે છે. પોષક તત્વો કેટલાં આપવાં તે ડાંગરની જાત અને જમીનના પૃથક્કરણ પરથી નક્કી કરવામાં આવે છે. તેમ છતાં ખાતરનું પ્રમાણ તેના ખર્ચ સામે મળતા આર્થિક વળતર ઉપર આધારિત હોવું જોઈએ. નાઇટ્રોજન માટે એમોનિયમ સલ્ફેટ આપવું વધુ હિતાવહ ગણાય છે કારણ પાણીવાળી ક્યારીમાં યૂરિયા ખાતર જમીનમાં નીચે ઊતરી જવાથી વ્યય થતો હોઈ નુકસાન થાય છે. આમ છતાં, યૂરિયા વાપરવાનું હોય તો એકલા યૂરિયાના બદલે 50 કિગ્રા. યૂરિયા સાથે 10 કિગ્રા. લીંબોળીનો ખોળ મિશ્ર કરી વાપરવાનું સલાહભર્યું ગણાય છે.
ખાતર આપવાના તબક્કા નીચે પ્રમાણે છે :
ક્રમ
નં. |
ખાતર આપવાનો
સમય
|
નાઇટ્રોજન + ફૉસ્ફરસ = કિગ્રા./હે. વહેલી મધ્યમ સમયે મોડી પાકતી પાકતી પાકતી જાતો જાતો જાતો |
||
1. | પાયાના ખાતર તરીકે રોપણી પહેલાં ધાવલ કરતી વખતે | 20 + 40 | 25 + 50 | 30 + 60 |
2. | ફૂટ વખતે | 40 | 25 | 25 |
3. | જીવાત પડતી વખતે | 20 | 25 | 30 |
4. | કંટી નીકળતાં પહેલાં
એક અઠવાડિયે |
00 | 25 | 30 |
કુલ જરૂરિયાત | 80 + 40 | 100 + 50 | 120 + 60 |
પિયત ક્યારે અને કેટલું આપવું : (1) રોપણી માટે ધાવલ કરતી વખતે 10 થી 15 સેમી. પાણી રાખી સારી રીતે બે વખત ધાવલ કરીને રોપણી કરવામાં આવે છે. (2) ફેરરોપણી બાદ 6થી 7 દિવસ પછી 2 થી 3 સેમી. પાણી ક્યારીમાં બધે સરખું રહે તે રીતે રાખવામાં આવે છે. (3) ડાંગરના પાકમાં વધુમાં વધુ ફૂટ (પીલા) ફૂટે એ અવસ્થાએ એટલે કે ફેરરોપણીથી 40થી 45 દિવસ સુધી 4થી 5 સેમી. પાણી જમીનની ઉપર સરખું રહે તે રીતે પાણીનું નિયમન કરાય છે, જેથી ફૂટની સંખ્યા વધુ રહે. (4) વધુમાં વધુ છોડની ફૂટ પછી (એટલે કે 45થી 50 દિવસના ગાળામાં) 3થી 4 દિવસ સુધી ક્યારીમાંથી પાણી નિતારી નાખી ત્યારબાદ ફરી 5 સેમી. પાણી ભરાય છે. આમ નિતાર આપવાથી કંટીવાળા છોડની સંખ્યા વધુ મળે છે અને વધુ ઉત્પાદન મળે છે. (5) કંટી નીકળે છે તે સમયે (55 થી 70 દિવસ સુધી) પાણીની બિલકુલ ખેંચ ન પડે તે ધ્યાનમાં લઈ તે સમયે 5 સેમી. પાણી અપાય છે. (6) કંટીમાં દાણા દૂધે ભરાયા બાદ (70 થી 80 દિવસ સુધી) ફરીથી 4થી 5 સેમી. પાણી રહે તે રીતે ક્યારીમાં પાણી રખાય છે, અને દાણા પાકતાં સુધી પાણીની ખેંચ પડવા દેવી ન જોઈએ. (7) ડાંગરની કાપણીના 8થી 10 દિવસ અગાઉ ક્યારીમાંથી પાણીનો નિતાર કરી કાપણી કરાય છે.
નીંદણ–નિયંત્રણ : રોપણી બાદ ફૂટની અવસ્થા દરમિયાન અને ત્યારબાદ પણ ક્યારી ચોખ્ખી રાખવા હાથથી નીંદણ કરતા રહેવું પડે છે. વધુ નીંદણ હોય ત્યાં નીંદણનાશક દવાઓનો ઉપયોગ થાય છે. આ માટે બ્યૂટાક્લૉર 50 ઇસી અથવા બેન્થીઓકાર્બ 50 ઇસી 1.25થી 1.5 કિગ્રા. સક્રિય તત્વ અથવા પેન્ડીમિથાલીન (30 ઇસી 1.5 થી 2.00 કિગ્રા. સક્રિય તત્વ)વાળું 500 લિટર પાણીમાં બનાવેલ દ્રાવણ હેક્ટર દીઠ રોપણી પછી તરત છંટાય છે અથવા ક્યારીમાંથી પાણી નીતર્યા બાદ રેતી સાથે દવાને ભેળવી ક્યારીમાં વ્યવસ્થિત વેરવું. રોટરી વીડરથી આંતરખેડ કરીને પણ નીંદણનું નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત ક્યારીમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવાથી પણ નીંદણ ઓછું ઊગે છે, પાકને નીંદણથી બચાવવા માટે જમીનમાં પાણીનું યોગ્ય પ્રમાણ હોવું જરૂરી છે.
પાકસંરક્ષણ : ડાંગરના પાકનું રોગ અને જીવાતથી કરવામાં આવતું રક્ષણ. અન્ય કૃષિપાકોની માફક ડાંગરમાં પણ રોગ અને જીવાતને લગતા પ્રશ્નો છે. વળી ખાસ કરીને વધુ ઉત્પાદન આપતી ડાંગરની જાતોમાં જીવાત અને રોગ સામે ટક્કર ઝીલવાની શક્તિ ઓછી થતી હોઈ કેટલીક વાર વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ અને પિયતની સગવડોને લીધે ડાંગરનો પાક ખરીફ અને ઉનાળુ બંને ઋતુમાં લેવાતો હોઈ જીવાત અને રોગના ઉપદ્રવની શક્યતાઓ વધુ રહે છે.
ભારતમાં ડાંગરના પાકમાં કુલ 100 કરતાં પણ વધારે જીવાતો નોંધાયેલી છે. તે પૈકી 20 જેટલી જીવાતો નાનામોટા પ્રમાણમાં જોવા મળે છે; પરંતુ મુખ્ય જીવાતો લગભગ 11 જેટલી છે, જેની વિગત નીચે પ્રમાણે છે :
1. ડાંગરનાં ચૂસિયાં (paddy hoppers) : ચૂસિયાંની મુખ્ય ત્રણ જાતો જોવા મળે છે.
(अ) સફેદ પીઠવાળાં ચૂસિયાં (white back plant hoppers) : આ જીવાતનું તાજું બચ્ચું ભૂખરું સફેદ હોય છે. જ્યારે મોટું થાય ત્યારે પીઠ પર કાળાશ પડતાં ટપકાં હોય છે. પુખ્ત કીટક ફિક્કા સફેદ રંગના અને પીઠના ભાગે કાળું ટપકું ધરાવતા હોય છે. પાંખો પારદર્શક અને ગાઢી નસોવાળી હોય છે.
(ब) બદામી ચૂસિયાં (brown plant hoppers) : આ પ્રકારનાં ચૂસિયાંનું તાજું જન્મેલું બચ્ચું ઝાંખું રતાશ પડતું અને પુખ્ત કીટક ઘેરો બદામી હોય છે.
(क) પાનનાં લીલાં ચૂસિયાં (green leaf hoppers) : આ ચૂસિયાંનાં બચ્ચાં લીલાશ પડતાં પાંખો વગરનાં હોય છે. જ્યારે પુખ્ત કીટક ઘાટા લીલા રંગના અને પાંખોના પાછળના ભાગે કાળાં ધાબાં ધરાવે છે.
નુકસાનનો પ્રકાર : સફેદ પીઠવાળાં અને બદામી ચૂસિયાંનાં બચ્ચાં અને પુખ્ત કીટકો ડાંગરના સાંઠા પાસે રહી તેમાંથી રસ ચૂસે છે. તેની લાળમાં રહેલ ઝેરી રસાયણને લીધે છોડ ઉપર માઠી અસર થાય છે અને છોડ સુકાવા લાગે છે. અસરગ્રસ્ત છોડનાં પાન પીળાશ પડતા બદામી રંગનાં થઈ સુકાઈ જાય છે અને તેથી પાકનો તે વિસ્તાર બળી ગયો હોય તેવો લાગે છે જેને ‘હૉપર બર્ન’ એટલે કે ‘ચૂસિયાંનો ઝાળ’ કહે છે. સફેદ પીઠવાળાં ચૂસિયાંનો ઉપદ્રવ ખેતરની ધાર બાજુથી શરૂ થાય છે, જ્યારે બદામી ચૂસિયાંનો ઉપદ્રવ ખેતરની વચ્ચેથી શરૂ થાય છે. ચૂસિયાંનો ઉપદ્રવ શરૂ થયા પછી ખૂબ જ ઝડપથી ફેલાતો હોઈ કેટલીક વાર ડાંગરના વિસ્તારમાં ઘણું મોટું નુકસાન થતું જોવા મળે છે. આ બંને ચૂસિયાંના કારણે વિષાણુજન્ય રોગનો ફેલાવો પણ થતો હોય છે.
લીલાં ચૂસિયાંનાં બચ્ચાં અને પુખ્ત કીટક પાનનો રસ ચૂસતાં હોઈ પાન પીળાં પડી જાય છે અને જો ઉપદ્રવ વધુ હોય તો છોડ સુકાઈ જાય છે. ઉપદ્રવ થયેલ ખેતરમાં સુકાતાં પાનવાળાં ધાબાં દેખાય છે. આ પ્રકારનાં ચૂસિયાં પણ કેટલાક વિષાણુજન્ય રોગોનો ફેલાવો કરે છે.
2. ડાંગરનો દરજી (rice skipper) : કીટકની ઇયળ-અવસ્થા નુકસાન કરે છે. ઇયળ રંગે લીલાશ પડતી, પીઠની બાજુએ ઝાંખા પટ્ટા અને બાજુ પર સફેદ પટ્ટાવાળી હોય છે. ઇયળના માથા પર અંગ્રેજી ‘V’ આકારનું ચિહન હોય છે.
નુકસાનનો પ્રકાર : આ જીવાતની ઇયળો પાન કાપી નુકસાન કરે છે અને કાપેલાં પાનને એકબીજાં સાથે સાંધે છે તેથી તેને ‘ડાંગરનો દરજી’ કહે છે. કાપેલાં પાનની ભૂંગળી બનાવી તેમાં ભરાઈ રહે છે. ભૂંગળીનો આજુબાજુનો ભાગ પીળો પડી સુકાય છે. આ જીવાતનો ઉપદ્રવ હોય તેવી ક્યારીઓમાં છોડ ઉપર કોશેટા લટકતા જોવા મળે છે.
3. શિંગડાંવાળી ઇયળ (horn catterpiller) : આ કીટકની ઇયળ પોપટી લીલા રંગની, માથે બે કાંટા જેવાં શિંગડાંવાળી હોય છે, તેથી તે શિંગડાંવાળી ઇયળ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તેના પેટના છેડે બે પીળા રંગની પૂંછડી જેવા ભાગો પણ જોવા મળે છે.
નુકસાનનો પ્રકાર : ઈંડામાંથી નીકળ્યા બાદ ઇયળ પાનની ધારેથી કાપવાનું શરૂ કરે છે અને પાનને આ રીતે ખાતી હોઈ નુકસાન કરે છે. પુખ્ત ઇયળ પાનની નીચેની બાજુએ ચણાના પોપટા જેવા આકારના લીલા રંગના કોશેટા બનાવે છે, જે છોડ પર લટકતા જોવા મળે છે.
4. લશ્કરી ઇયળો (army worms) : આ કીટકની ઇયળો 3થી 4 સેમી. લાંબી, મજબૂત, પચરંગી લીલાશ પડતા રંગની, તપખીરિયા ભૂખરા કાળા પટ્ટા ધરાવતી હોય છે, માથું બદામી રંગનું હોય છે.
નુકસાનનો પ્રકાર : કૂણા છોડ, કંટી અને પાન ખાય છે. ધરુવાડિયામાં ઉપદ્રવ હોય તો ઢોર ચરી ગયાં હોય તે રીતે નુકસાન થયેલ જણાય છે. પાન અને કંટી પણ વધુ ઉપદ્રવ હોય ત્યારે ખાવાના કારણે પાકની ઊભી સળીઓ જ દેખાય છે. આ જીવાતનો ઉપદ્રવ ભારે વરસાદ પછી ઉઘાડ નીકળે ત્યારે વધુ તીવ્ર થતો હોય છે. આ ઇયળો દિવસે પાનની કરચલીમાં કે સૂકાં પાનમાં કે શેઢામાં અને જમીનની તિરાડોમાં ભરાઈ રહે છે. રાત્રે ઘણી મોટી સંખ્યામાં નીકળી સામૂહિક રીતે એક ખેતરને નુકસાન પહોંચાડી બીજા ખેતરમાં સ્થળાંતર કરે છે. આમ એક પછી એક ખેતર સાફ કરતી જાય છે તેથી તે ‘લશ્કરી ઇયળ’ કે ‘ઊભરાતી ઇયળ’ તરીકે ઓળખાય છે.
5. ગાભમારાની ઇયળ (stem borer) : આ જાતની ઇયળોમાં ત્રણ પ્રકાર જોવા મળે છે : (अ) ગુલાબી ઇયળ (ब) રેખિત ઇયળ અને (क) પીળાશ પડતી સફેદ રંગની ઇયળ. આ સર્વેમાં પીળાશ પડતી સફેદ રંગની ઇયળનો ઉપદ્રવ વધુ હોય છે. આ ઇયળ સુંવાળી, બદામી માથાવાળી અને આશરે 20થી 22 મિમી. લંબાઈની હોય છે.
નુકસાનનો પ્રકાર : ઈંડામાંથી નીકળેલ નાની ઇયળો શરૂઆતના એકાદ-બે દિવસ પાન ખાય છે અને ત્યારબાદ છોડના થડમાં નાનું કાણું પાડી અંદર દાખલ થાય છે અને અંદરનો ગર્ભ ખાય છે તેથી તેને ‘ગાભમારાની ઇયળ’ તરીકે ઓળખવામાં આવે છે. આમ પ્રથમ છોડનો વચ્ચેનો પીલો સુકાય છે તેથી તેને ‘ડેડ-હાર્ટ’ કહેવામાં આવે છે. આને ચીરતાં ગાભમાં ડાઘ અને મોટે ભાગે એક ઇયળ અને કોઈક વાર 2થી 4 ઇયળો પણ જોવા મળે છે. પાકની પાછલી અવસ્થામાં ઉપદ્રવ હોય ત્યારે કંટીમાં દાણા ભરાતા નથી અને તેથી ધોળી કે સફેદ સુકાયેલ પરિસ્થિતિમાં જોવા મળે છે જે ‘વ્હાઇટ ઇયર હેડ’ કે દેશી ભાષામાં ‘સફેદ પીંછી’ના નામથી ઓળખાય છે.
6. ડાંગરનાં ભૂરાં કાંસિયાં (blue beetle) : પુખ્ત કીટક સમચતુષ્કોણ, નાના અને ઘેરા લીલાશ પડતા ભૂરા, સુંવાળા અને લંબાઈમાં લગભગ 6 મિમી. અને પહોળાઈમાં 3 મિમી. જેટલા હોય છે. આ કીટકની ઇયળો ઘણી નાની હોય છે.
નુકસાનનો પ્રકાર : ઇયળ અને પુખ્ત કીટક ડાંગરના કુમળા છોડનાં પાન ખાઈ પોષણ મેળવે છે. ખાસ કરીને ફૂલ આવતાં પહેલાં આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય છે. નુકસાન થયેલ પાનની નસની બાજુમાં રેસાવાળાં ધાબાં પડી સફેદ પટ્ટીઓ થઈ જવાથી પાન સુકાઈ જાય છે.
7. પાન વાળનારી ઇયળ (paddy leaf roller) : પુખ્ત ઇયળ પીળાશ પડતા લીલા રંગની, પાતળી અને ચપળ હોય છે. તેની લંબાઈ લગભગ 7 મિમી. જેટલી હોય છે. નુકસાન થયેલા પાનમાં જ પીળાશ પડતા રાતા અને સહેજ પાતળા કોશેટા જોવા મળે છે.
નુકસાનનો પ્રકાર : ઈંડામાંથી લીલા રંગની ઇયળ બહાર આવે ત્યારથી જ છોડનાં બે પાનની ધારો જોડી, ગોળ ભૂંગળી બનાવી તેમાં રહી પાનનો લીલો ભાગ ખાય છે. પાન ઉપર સફેદ, પારદર્શક ધાબાં જોવા મળે છે. વધુ ઉપદ્રવમાં છોડનો રંગ બાજરિયો થઈ જઈ નબળો પડે છે અને ઉત્પાદન ઘટે છે.
8. ડાંગરનાં ઢાલપક્ષ ભુંગાં (hispa) : આ કીટક નાનો કાળાશ પડતો લંબચોરસ ઘાટનો 3થી 4 મિમી. લાંબો હોય છે. તેની પાંખ કાળાશ પડતી ભૂરી કાંટાવાળી હોય છે.
નુકસાનનો પ્રકાર : ઇયળો તેમજ પુખ્ત કીટક કંટી આવતાં પહેલાં પાન કોરીને તેની પેશીઓ ખાઈ નુકસાન કરે છે. આથી પાન સફેદ ધાબાં બની સુકાઈ જાય છે. આ કીટકનો ઉપદ્રવ હોય ત્યારે પાન ઉપર સફેદ સમાંતર લીટીઓ દેખાય છે.
9. પાનકોરિયું (leaf miner) : પુખ્ત કીટક ખૂબ જ નાનો, માખી જેવો અને ઇયળો પીળાશ પડતી સફેદ તથા નાની અને કોશેટા બદામી રંગના હોય છે.
નુકસાનનો પ્રકાર : ઇયળો ટોચથી પાન કોરે છે તેથી પાન ટોચથી સુકાવા લાગે છે. ધરુવાડિયામાં અને તાજા રોપાણમાં આ કીટકનો ઉપદ્રવ વધુ જણાય છે.
10. ડાંગરની ડોશી ઇયળ (case worm) પુખ્ત ઇયળ લીલાશ પડતી સફેદ અને લગભગ 12 મિમી. લાંબી હોય છે.
નુકસાનનો પ્રકાર : ઇયળો ડાંગરના પાનની ટોચના નાના ટુકડા કરી તેમાંથી ગોળ ભૂંગળી બનાવી તેમાં રહીને પાન ખાય છે આના ઉપરથી તે ‘ભુંગળિયા ઇયળ’ કે ‘ડાંગરની ડોશી ઇયળ’ તરીકે ઓળખાય છે.
11. મૂળનું ચાંચવું (root beetle) : પુખ્ત કીટક રાખોડી રંગનો 1 સેમી. લાંબો અને તેની ઇયળ સફેદ, પાતળી, ભાતના દાણા જેવી હોય છે. તેનું માથું નાનું રતાશ પડતું હોય છે.
નુકસાનનો પ્રકાર : ઇયળોની સંખ્યા વધુ હોય ત્યારે તાજા રોપેલા છોડના મૂળને નુકસાન થતું જોવા મળે છે. છોડ ફિક્કા પડી જવાથી નબળા રહે છે અને ફૂટ પણ ઓછી થાય છે.
ડાંગરના પાકની જુદી જુદી અવસ્થાએ કેટલીક મુખ્ય જીવાતોનો જે સમયે ઉપદ્રવ જણાય છે તેની માસવાર વિગત નીચે આપવામાં આવે છે :
સારણી–1 : ડાંગરના પાકની જુદી જુદી અવસ્થાએ ચેપ લગાડતી જીવાતો અને ઉપદ્રવ સમય
નં. | જીવાતનું નામ | પાકની અવસ્થા | ઉપદ્રવનો સમય |
1 | મૂળનું ચાંચવું | ધરુવાડિયાથી કંટી અવસ્થા
સુધી |
જુલાઈ-ઑગસ્ટ |
2 | પાનકોરિયું | ધરુવાડિયાથી ફૂટ અવસ્થા
સુધી |
જુલાઈ-ઑગસ્ટ |
3 | શિંગડાવાળી
ઇયળ |
ધરુવાડિયાથી કાપણી સુધી | ઑગસ્ટ-સપ્ટેમ્બર |
4 | ગાભમારાની
ઇયળ |
ધરુવાડિયાથી કાપણી સુધી | ઑગસ્ટ-સપ્ટેમ્બર |
5 | ભૂરાં કાંસિયાં
અને ભુંગાં |
ફૂટ-અવસ્થાએ | જુલાઈ-ઑગસ્ટ |
6 | પાન વાળનારી
ઇયળ |
ધરુવાડિયાથી દાણા ભરાતાં
સુધી |
ઑગસ્ટ-સપ્ટેમ્બર |
7 | બદામી ચૂસિયાં | રોપણીથી પરિપક્વતા સુધી | ઑગસ્ટ-સપ્ટેમ્બર |
8 | લશ્કરી ઇયળો | પાકની બધી જ અવસ્થાએ | સપ્ટેમ્બર-ઑક્ટોબર |
9 | ચૂસિયાં | પાકની બધી જ અવસ્થાએ | ઑગસ્ટ-સપ્ટેમ્બર |
ગુજરાતમાં જીવાણુઓ અને ફૂગ દ્વારા થતા ડાંગરના રોગોમાં પાનનો ઝાળ, કરમોડી અથવા દાહ, ભૂરાં ટપકાં, ગલત આંજિયો, કંટીનો રોગ, અગરબત્તી અને દાણાનાં ટપકાં અથવા દાણાનું વિરંજન(grain discoloration)નો સમાવેશ થાય છે.
1. જીવાણુથી થતો પાનનો ઝાળ અથવા સુકારો : ડાંગરનો આ રોગ Xanthomonas campestris pv oryzaae નામના જીવાણુથી થાય છે. આ રોગ સૌપ્રથમ જાપાનમાં 1884માં જોવા મળેલ હતો અને આપણા દેશમાં સૌપ્રથમ જૂના મુંબઈ રાજ્યમાં 1951થી થતો હતો તેવું ભાપકર અને સાથી વિજ્ઞાનીએ 1960માં નોંધેલ છે અને 1963 પછી દરેક ડાંગર ઉગાડતા પ્રદેશમાં આ રોગથી વધતાઓછા પ્રમાણમાં નુકસાન થાય છે.
લક્ષણો : ધરુવાડિયાની નીચેનાં પાનની ધાર પર નાનાં પાણીપોચાં ધાબાંથી શરૂ થાય છે. તે આગળ ફેલાતાં પાન પીળાં પડી જાય છે અને ચીમળાઈને સુકાઈ જાય છે. ફેર-રોપણી કરેલ ખેતરમાં પાનની કિનારીએ ટોચ પાસે પાણીપોચાં ધાબાં ફરી લંબાઈ અને પહોળાઈમાં વિસ્તાર પામી પાનની ટોચ ઉપર પહોંચી, પાનની નસની બંને બાજુ વાંકીચૂકી ધાર બનાવી, ટોચ ઉપરથી શરૂ થઈ ચીમળાઈને સુકાઈ જાય છે.
ડાંગરની જીવાતોના નિયંત્રણ માટેના ઉપાયો :
જીવાતનું નામ | ઉપદ્રવ અટકાવવાના ઉપાયો | |
(अ) ધરુવાડિયાની જીવાતો |
||
મૂળનું ચાંચવું,
પાનકોરિયું, લશ્કરી ઇયળ |
(अ) | કાર્બારિલ 10 % ભૂકીનો હેક્ટરે 25 કિલો-
ગ્રામ પ્રમાણે છંટકાવ કરવો પડે છે. અથવા |
(ब) | હેક્ટરે 2.5 કિગ્રા. પ્રમાણે કાર્બારિલ 50 %
વેટેબલ પાઉડર 500 લિ. પાણીમાં ઓગાળી છંટકાવ કરવો પડે છે. અથવા |
|
(क) | હેક્ટરદીઠ ફૉસ્ફામીડોન 500 મિલી. 400
લિ. પાણીમાં ઉમેરી છંટકાવ કરવો પડે છે. અથવા |
|
(ड) | ધરુના ક્યારામાં કાર્બાફ્યુરાન 3 G,
18 કિગ્રા. અથવા ફોરેટ 10G દાણાદાર દવા પૂંખવી પડે છે. અથવા |
|
(इ) | ધરુને 12 કલાક સુધી 1 કિગ્રા. કલોર-
પાયરીફૉસ + 500 ગ્રામ યૂરિયા + 100 લિ. પાણીના દ્રાવણમાં બોળીને રોપવાથી રોપણી પછી 1 માસ સુધી જીવાત સામે રક્ષણ મળે છે. |
|
(ब) રોપણીથી ફૂટ થતાં સુધીની જીવાતો |
||
ડાંગરનો દરજી,
પાન વાળનારી ઇયળ, પાનકોરિયું, લીલાં ચૂસિયાં, મૂળનું ચાંચવું, ભુંગાં, ભૂરાં કાંસિયાં અને ગાભમારાની ઇયળ |
(अ) | કાર્બારિલ 10 % ભૂકી હેક્ટર 25 કિગ્રા.
પ્રમાણે છંટાય છે. અથવા |
(ब) | કાર્બારિલ 50 % વે.પા. હેક્ટરે 2.5 કિગ્રા.
400 લિ. પાણીમાં ઓગાળી છંટકાવ કરાય છે. અથવા |
|
(क) | ફૉસ્ફામિડોન 85 ઈસી 500 મિલિ. હેક્ટરે
400 લિ. પાણીમાં ઓગાળી છંટકાવ કરવો પડે છે. અથવા |
|
(ड) | કાર્બોફ્યુરાન 3G 25 કિગ્રા. હેક્ટર અથવા
ફોરેટ 10G 8થી 10 કિગ્રા. હેક્ટર પ્રમાણે ક્યારીમાં રેતી સાથે મિશ્ર કરી પૂંખવામાં આવે છે. અથવા |
|
(इ) | ફેનિદ્રિથીઓન 50 ઈસી. દવા 1 લિ. હેક્ટરે
400 લિ. પાણીમાં ઓગાળી છંટકાવ કરાય છે. |
|
(क) કંટી નીકળ્યાથી પાકતાં સુધીની જીવાતો |
||
ગાભમારાની ઇયળ,
ડાંગરનો દરજી, લશ્કરી ઇયળ તથા ચૂસિયાં |
(अ) | કાર્બારિલ 50 વે.પા. 2.5 કિગ્રા. હે. 400
લિ. પાણીમાં ઓગાળી છંટકાવ કરાય છે. |
(ब) | ફેનિટ્રિથીઓન 1 લિ./હે. 400 લિ. પાણીમાં
ઉમેરી છંટકાવ થાય છે. |
|
(क) | ફેનિટ્રિથીઓન અથવા મોનોફોટોફૉસ
અથવા ઍન્ડો-સલ્ફાન અથવા ક્લોરોપાયરીફૉસ 1 લિ./હે. 400 લિ. પાણીમાં ઉમેરી છંટકાવ કરાય છે |
આ રોગ મુખ્યત્વે ડાંગરના વાનસ્પતિક વૃદ્ધિકાળમાં એટલે કે ફૂટ અવસ્થામાં વિશેષ તીવ્ર જોવા મળે છે અને રોગની શરૂઆત આ અવસ્થામાં થતાં પાક-ઉત્પાદન ખૂબ ઓછું મળે છે. છોડમાં ફૂટ અને કંટીની સંખ્યા ખૂબ ઓછી થઈ જાય છે અથવા તો આવા છોડ કંટી નીકળવા પહેલાં જ સુકાઈ જાય છે.આ રોગને અનુકૂળ વાતાવરણ મળે તો પાનનો 60 %થી 70 % ભાગ થોડા દિવસમાં સુકાઈ જાય છે. તંદુરસ્ત ભાગ અને રોગિષ્ઠ ભાગ પાણીપોચા પીળા આભાસથી અલગ પડે છે. રોગ પાનની એક કે બંને કિનારીથી શરૂ થઈ પાનની ટોચ સુધી પહોંચે છે અને પાન પીળાં પડે છે. સમય જતાં રોગિષ્ઠ પાન ઝાંખાં સફેદ થઈ, મૃતોપજીવી ફૂગનું આક્રમણ થતાં ઝાંખાં ભૂખરાં થઈ જાય છે. રોગગ્રાહ્ય જાતોમાં આક્રમિત પાન આખું સુકાઈ જાય છે અને સુકારો પર્ણદંડ પર આગળ વધે છે.
આ રોગની ‘કેષક’ અવસ્થામાં રોપણી બાદ એક અથવા બે અઠવાડિયાંમાં આક્રમિત છોડનાં પાન મુખ્ય નસની ફરતે વળી ગોળ થઈ, ચીમળાઈ જઈ, સુકાઈને સફેદ થાય છે અને છોડ એકબે અઠવાડિયાંમાં મૃત્યુ પામે છે.
નિયંત્રણ : (1) રોગપ્રતિકારક જાતની વાવણી કરવી. (2) રોગમુક્ત વિસ્તારમાંથી બિયારણ મેળવવું. (3) બીજને જીવાણુનાશક (સ્ટ્રેપ્ટોસાયક્લીન 250 પી.પી.એમ. એમીસાન 0.2 %) દવાના દ્રાવણમાં આઠ કલાક બોળીને વાવણી કરવી. (4) રોપણી બાદ રોગ જણાય કે તરત જ અથવા રોપણીના 20થી 40 દિવસમાં 15 દિવસના આંતરે બે વાર જીવાણુનાશક (સ્ટ્રેપ્ટોસાયક્લીન 1 ગ્રામ કૉપર ઑક્સિક્લોરાઇડ 10 ગ્રામ, 20 લિટર પાણીમાં) દવાનો છંટકાવ કરવો. છોડ પૂરેપૂરો ભીંજાય તેટલું દ્રાવણ વાપરવું. (5) ભલામણ કરેલ નાઇટ્રોજન ખાતર સમજપૂર્વક ત્રણથી ચાર હપતામાં આપવું.
2. ડાંગરનો દાહ અથવા કરમોડી : ડાંગર પાકમાં સૌથી પહેલાં નોંધાયેલો દાહ રોગ છે. ચીનમાં 1637 પહેલાં ‘રાઇસ ફીવર ડિઝીઝ’ તરીકે આ રોગ ઓળખાતો અને ત્યારબાદ તે જાપાનમાં નોંધાયેલો હતો. ભારત દેશમાં સૌપ્રથમ તમિળનાડુ રાજ્યમાં 1913માં નોંધાયેલો, પરંતુ 1919માં આ રોગથી ખૂબ જ નુકસાન થયું હતું. ગુજરાત રાજ્યમાં આ રોગથી દર વર્ષે ડાંગર ઉગાડતા બધા જ વિસ્તારમાં વધતુંઓછું નુકસાન થાય છે. તે પૈકી મધ્ય ગુજરાતમાં પંખાળી 203, કમોદ 118 અને જીરાસાળ 280 ઉગાડતા વિસ્તારમાં વધુ નુકસાન થાય છે. આ રોગથી રોગગ્રાહ્ય જાતોમાં 10 %થી 95 % સુધી નુકસાન થાય છે. રોગિષ્ઠ છોડ બટકો રહે છે તેમજ મૂળની વૃદ્ધિ પણ અટકી જાય છે અને તેમાં ફૂટની સંખ્યા ઘટી જાય છે.
આ રોગ Pyricularia oriyzae નામની ફૂગથી થાય છે; જે છોડનાં પાન, ગાંઠ, કંટી અને દાણા પર ટપકાંનો રોગ કરે છે. તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલ છે : (अ) ડાંગરનાં પાનનો કરમોડી, (आ) ડાંગરની ગાંઠનો કરમોડી, (इ) ડાંગરની કંટી અને દાણાનો કરમોડી.
(अ) ડાંગરનાં પાનનો કરમોડી અથવા દાહ અથવા પાનનાં ટપકાં : ડાંગરનાં પાન પર શરૂઆતમાં ખૂબ જ નાનાં, ગોળ, પાણીપોચાં, ભૂરા રંગનાં ટપકાં થાય છે. આ ટપકાં મોટાં થતાં આંખ આકારનાં લંબગોળ અને બંને બાજુ અણીવાળાં બને છે. તે લગભગ 1થી 1.5 સેમી. લાંબાં અને 0.3થી 0.5 સેમી. પહોળાં હોય છે. ટપકાંનો મધ્યભાગ રાખોડી કે સફેદ રંગનો અને આજુબાજુની ધારો ભૂરી કે લાલ તપખીરિયા રંગની હોય છે. ટપકાંનો રંગ અને કદ વાતાવરણ, ટપકાંની અવસ્થા અને ડાંગરની જાતની રોગ-સંવેદિતા પર આધાર રાખે છે. રોગસંવેદી જાતોમાં ટપકાં એકબીજાં સાથે ભેગાં થઈ આખા પાન પર ફેલાઈ જાય છે તેથી આખું પાન ચીમળાઈ સુકાઈ જાય છે અને સમય જતાં ચિરાઈ જાય છે. આથી છોડનો વિકાસ અટકી જાય છે. રોગપ્રતિકારક જાતોમાં ટાંકણીના માથા જેવડાં ભૂરાં લંબગોળ ટપકાં કરે છે. આ ટપકાંમાં ત્રણ ભાગ જોવા મળે છે : ટપકાંની આજુબાજુનો ઝાંખો પીળો ભાગ, અંદરનો મરણ પામેલ કોષોનો તપખીરિયા રંગવાળો ભાગ અને મધ્યનો નાશ પામેલ કોષોવાળો સફેદ કે ઝાંખો ભૂખરો ભાગ.
(आ) ગાંઠનો કરમોડી : છોડની દાંડી પરની ગાંઠો પર ફૂગનું આક્રમણ થતાં ગાંઠો કોહવાઈ ગયેલી હોય તેવી કાળા કે ભૂખરા રંગની થઈ જાય છે. છોડને ટોચ પરથી પકડીને ખેંચતાં ગાંઠમાંથી સહેલાઈથી તૂટી જાય છે. પવનથી ગાંઠ પાસેથી નમી જાય છે અથવા કંટી પર દાણાનું વજન વધવાથી ગાંઠ પાસેથી નમી પડી ભાંગી જાય છે. તેથી દાણા ભરાતા નથી અને ઉત્પાદન ખૂબ જ ઓછું મળે છે.
(इ) કંટીનો કરમોડી : કંટી નીકળ્યા બાદ ફૂગનું આક્રમણ થતાં કંટીના પહેલા સાંધાનો ભાગ કાળાશ પડતો કે ભૂરા રંગનો થઈ જાય છે તેમજ કંટીની બીજી નાની ડાળીઓના સાંધા પણ કાળા કે ભૂખરા રંગના થઈ જાય છે. આમ, કંટીના દાણાને પોષણ મળતું નથી અને દાણા પોચા રહે છે તેમજ કંટી તેમના સાંધાના ભાગમાંથી તૂટી જાય છે આથી વધુમાં વધુ આર્થિક નુકસાન થાય છે. આ સમયમાં રોગને અનુકૂળ વાતાવરણ મળે તો 90 % જેટલું નુકસાન થાય છે.
નિયંત્રણ : (1) બીજને ધરુ નાખતાં પહેલાં એક કિલો બીજ માટે 2થી 3 ગ્રામ પારાયુક્ત ફૂગનાશક દવાનો પટ આપી ધરુ નાખવું. (2) ધરુ નાખ્યા બાદ 15થી 20 દિવસ પછી 1 લિટર પાણીમાં 1 મિલિ. હીનોસાન અથવા કીટાઝીન કે 1 ગ્રામ કાર્બન-ડાઝીમ દવાનું દ્રાવણ બનાવી છંટકાવ કરવો. છોડ પૂરેપૂરા ભીંજાય તેટલું દ્રાવણ વાપરવું. (3) મધ્ય ગુજરાત જેવા વિસ્તારમાં રોગ-સંવેદી જાતોની વાવણી કરી હોય તો રોપાણ ડાંગરમાં વધુ ફૂટના સમયે, જીવ પડવાના સમયે અને કંટી નીકળવાના સમયે એક લિટર પાણીમાં 1 મિલિ. હીનોસાન અથવા કીટાઝીન અથવા કાર્બન-ડાઝીમ 1 ગ્રામ ભેળવી છંટકાવ કરવો. છોડ પૂરેપૂરા ભીંજાય તેટલું દ્રાવણ વાપરવું. (4) પાકમાં ભલામણ કરેલ નાઇટ્રોજન ખાતરનો હિસ્સો સમજપૂર્વક હપતામાં આપવો.
3. ડાંગરના પાનનાં ભૂરાં ટપકાં : આ રોગ સૌપ્રથમ જાપાનમાં 1900માં નોંધાયેલ હતો પરંતુ અત્યારે ડાંગર ઉગાડતા બધા જ વિસ્તારમાં તે જોવા મળે છે. પોષક તત્વોની અછતવાળી અને ઓછા નિતારવાળી જમીનમાં આ રોગથી વિશેષ નુકસાન થાય છે. રોગની અસર છોડ ઊગવાથી તે કાપણી સુધીની કોઈ પણ અવસ્થાએ થાય છે અને છોડના દરેક ભાગ પર ફૂગ આક્રમણ કરી શકે છે. તે છોડનાં પાન, દાણા અને પર્ણદંડ પર મુખ્યત્વે જોવા મળે છે. બંગાળ રાજ્યમાં 1942ના વર્ષમાં આ રોગની તીવ્ર અસરને લીધે 90 % જેટલું નુકસાન થયેલ હતું. ધરુ-અવસ્થામાં રોગની તીવ્ર અસરને લીધે છોડ મરી જાય છે, જ્યારે રોપણી બાદ રોગ લાગુ પડતાં છોડની વૃદ્ધિ અટકી જાય છે. દક્ષિણ ગુજરાતમાં ઓરાણ ડાંગરમાં ખાસ કરીને તે જોવા મળે છે.
રોગનાં લક્ષણો : આ રોગ Helminthosporium oryzae નામની ફૂગથી થાય છે. રોગનાં ચિહનો છોડના બધા જ ભાગ પર દેખાય છે. રોગની શરૂઆત પાન પર ખૂબ જ નાના ભૂરા રંગનાં ગોળ કે અંડાકાર ટપકાંથી થાય છે. આ ટપકાં મુખ્યત્વે તલ આકારનાં અને તલ જેટલાં મોટાં હોય છે. પાન પર એકસરખાં છૂટાં ફેલાયેલાં હોય છે. ટપકાં શરૂઆતમાં રાતા ભૂરા કે પીળા ભૂરા રંગનાં હોય છે; જે પરિપક્વ થતાં કાળા કે ઘેરા ભૂરા રંગનાં થાય છે. રોગ-સંવેદી જાતોમાં ટપકાં મોટાં અને અસંખ્ય હોય છે. આવાં પાન ચીમળાઈને સુકાઈ જાય છે.
દાણા ઉપર ટપકાં કાળા અથવા ઘેરા ભૂરા રંગનાં જોવા મળે છે. કેટલીક વાર રોગથી દાણો કાળો થઈ જાય છે. તેથી બજાર કિંમત પર ખૂબ ખરાબ અસર થાય છે. આવા દાણા ઉપર ફૂગના બીજાણુઓ પેદા થાય છે. આવા રોગિષ્ઠ દાણાની વાવણી કરવાથી ધરુના મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળે છે.
નિયંત્રણ : (1) આ રોગથી બચવા આગળ જણાવ્યા મુજબ ડાંગરના કરમોડી રોગ માટે સૂચવેલ પગલાં લેવાં. (2) જમીનમાં પૂરતાં પોષક તત્વો તેમજ સૂક્ષ્મ તત્વો ઉમેરવાં અને જમીનની નિતારશક્તિ વધારવા પ્રયત્ન કરવા.
4. ગલત આંજિયો (ગલત અંગારિયો) : ગલત આંજિયો Ustilaginoide virens નામની ફૂગથી ડાંગરના દાણાને થતો રોગ છે. જુદા જુદા પાકોમાં ટીલેરિયા જાતિ કે સ્પેસેલોથીકા જાતિની ફૂગથી આંજિયાનો રોગ થાય છે. જ્યારે ગલત આંજિયો આ સિવાયની યુસ્ટીલાજીનોડિયા ફૂગથી થતો હોવાથી તેનું નામ ગલત આંજિયો આપવામાં આવેલ છે.
લક્ષણો : આ ફૂગનું આક્રમણ કંટીમાં રહેલા છૂટાછવાયા દાણાને લીલા વેલવેટી કાબુલી ચણા જેવા દેખાવમાં ફેરવી નાખે છે. આ આક્રમણવાળા દાણામાંથી શરૂઆતમાં સફેદ રાખોડી રંગની ફૂગ બહાર નીકળતી જોવા મળે છે. તે શરૂઆતમાં સફેદ પાતળા પડથી ઢંકાયેલી રહે છે અને દાણાને ગોળ કે લંબગોળ દડા આકારનો બનાવે છે અને અડધા ઉપરાંત દાણાને ઘેરી લે છે જે આખા દાણાને આવરી લઈ ડાંગરના દાણાની જગ્યાએ પીળા કે લીલાકાળા કાબુલી ચણા જેવો દેખાવ આપે છે. તેની ઉપરનું નાજુક સફેદ પડ તૂટતાં તેમાંથી ફૂગના બીજાણુઓ બહાર આવે છે અને ફૂગની કવક અને દાણાની પેશીઓ એકબીજા સાથે મજબૂત જોડાયેલી હોય છે. આ ફૂગના બીજાણુ પરિપક્વ થતાં બીજાણુદંડો ઘેરા લીલા કે કાળા બને છે.
જીવનચક્ર : ગરમ પ્રદેશમાં રોગની ફૂગ જાલાશ્મો (sclerotia) કે કંચુક-બીજાણુ(chlamydospore)ના સ્વરૂપમાં જીવંત રહે છે. તેનું પ્રાથમિક આક્રમણ એસ્કોસ્પોરથી થતું હોવાનું માનવામાં આવે છે અને ત્યારપછીના આક્રમણમાં કંચુક-બીજાણુઓ અગત્યનો ભાગ ભજવે છે. આક્રમિત કંટી નીકળવાની શરૂઆત ખૂબ વહેલી થતી હોય છે. બીજાશયનો નાશ કરી તેનાં પરાગવાહિની, બોરિયું અને પરાગાશય-(style, stigma and anther)ને તે પાછળથી ફૂગની કવકવૃદ્ધિથી ઢાંકી દે છે. જ્યારે કેટલાકનું માનવું છે કે આ આક્રમણ બીજના ઉગાવાથી શરૂ થઈ સર્વદેહી થઈ કંટીના દાણામાં પરિણામ-સ્વરૂપે જોવા મળે છે, જ્યારે છૂટાછવાયા દાણામાં આક્રમણ થતું હોય તેમાં આક્રમણવાળા દાણાની આજુબાજુના દાણા પરિપક્વ થતા નથી અને પોચા રહી જાય છે.
સાનુકૂળ વાતાવરણ, વધુ ખાતરથી ઉગાડેલ પાક રોગગ્રાહ્ય બને છે. વધુ ભેજ અને સતત વરસાદ કંટી નીકળવાના સમયે રોગને અનુકૂળ હોય છે.
નિયંત્રણ : (1) કંટી નીકળવાના પહેલાં અથવા શરૂઆત થાય કે તરત જ કેપ્ટાફોલ કે ફોલટાફ 15 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જરૂરી છે. બીજો છંટકાવ 15થી 20 દિવસ બાદ કરવો. છોડ પૂરેપૂરા ભીંજાય તેટલા પ્રમાણમાં દ્રાવણ વાપરવું. (2) ભલામણ કરેલ ખાતર બેથી ત્રણ હપતામાં આપવું.
5. કંટીનો અગરબત્તી રોગ : ડાંગરના આ રોગને, આ અગરબત્તી અથવા ઉદબટ્ટા નામ આપવાનું કારણ આ રોગ થવાથી કંટીનો દેખાવ અગરબત્તી જેવો થઈ જાય છે એ છે. આ રોગ સૌપ્રથમ 1914માં ભારતમાંથી નોંધાયેલ છે જે અત્યાર સુધીમાં ભારતના દરેક રાજ્યમાં જોવા મળેલ છે. તેનાથી સૌથી વિશેષ નુકસાન 30 % સુધી ચીનમાં નોંધાયેલ છે. ભારતમાં સામાન્ય રીતે સીધું અથવા આડકતરું 1થી 3.5 % સુધીનું નુકસાન નોંધાયેલ છે. આપણા રાજ્યમાં ફક્ત ડાંગ જિલ્લામાં ત્યાંની દેશી જાતોમાં જ આ રોગ જોવા મળે છે.
લક્ષણો : આ રોગ Ephelis oryzae નામની ફૂગથી થાય છે. આ રોગનાં લક્ષણો કંટી નીકળવાના સમયે જ જોવા મળે છે. કંટી નીકળતાં પહેલાં પર્ણ આવરકની વચ્ચે હોય ત્યારે જ ફૂગની કવકજાળની વૃદ્ધિથી છવાઈ જાય છે અને સમય જતાં તે કઠણ અને કાળા જાલાશ્મોમાં ફેરવાઈ જાય છે જેથી કંટી સફેદ આવરણવાળી લાંબી નળી જેવી બહાર નીકળે છે. આ સફેદ નાજુક આવરણ તૂટી જાય છે. આ દરમિયાન કંટીના કઠણ અને કાળા જાલાશ્મો સીધી અગરબત્તીની સળી જેવાં દેખાય છે. આ રોગને ઉદબત્તીનો રોગ કહે છે. રોગિષ્ઠ છોડ બટકો રહે છે અને આવા છોડમાંથી નીકળતી રોગિષ્ઠ કંટીઓ તંદુરસ્ત કંટીની સરખામણીમાં 2થી 4 દિવસ વહેલી નીકળે છે. આવી રોગિષ્ઠ કંટી સફેદ આવરણવાળી ચળકતી નળી જેવી હોવાથી સહેલાઈથી ઓળખી શકાય છે.
નિયંત્રણ : આ રોગથી વિશેષ નુકસાન થતું નથી તેથી તેના નિયંત્રણ માટે અલગ માવજતની ભલામણ કરાતી નથી. કંટી નીકળવાના સમયે કે તે પછીના ફૂગનાશકના છંટકાવથી રોગનિયંત્રણ થતું નથી.
સર્વદેહી ફૂગનાશક જેવા કે વાઇટાવેક્ષ કે કાર્બન-ડાઝીમનો બીજને પટ આપી વાવણી કરવાથી રોગ કાબૂમાં રહે છે.
6. કાળા દાણા : ડાંગરનો આ રોગ મુખ્યત્વે કરવુલરિયા પ્રજાતિની ફૂગોથી થાય છે. તે ગુજરાત રાજ્યમાં છેલ્લાં દસ વર્ષથી વિશેષ જોવા મળે છે. આ રોગમાં ડાંગરના દાણા અથવા બીજ ફૂગના આક્રમણને લીધે કાળાં થઈ જાય છે, આવા દાણાનો વિકાસ થતો નથી અને તેનું વજન ખૂબ જ ઓછું થાય છે. આવા દાણા છડતી વખતે તૂટી જાય છે. તેથી મિલિંગ દરમિયાન ખૂબ ઓછા ચોખા ઊતરે છે અને પૉલિશ કરવા છતાં દાણા કાળા કે ઝાંખા રહે છે તેથી ચોખાની ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે.
આ રોગની મુખ્ય ફૂગ કરવુલરિયા લુનટા છે, આ સિવાય કરવુલરિયા ગેનીક્યુલટા અને કરવુલરિયા ડિયુબરક્યુલટા સૌથી વિશેષ જોવા મળે છે.
7. ડાંગરના ઝાંખા દાણાનો રોગ : ડાંગરનાં બીજ વાવણી પહેલાં અને પછી ફૂગના આક્રમણને લીધે ઝાંખાં કે ભૂખરાં કાળાં થઈ જાય છે. કાળાં થવાનું પ્રમાણ વિસ્તાર અને ઋતુ પર આધાર રાખે છે. ક્યારેક ફક્ત ઉપરનાં છોતરાં અથવા કુશકીને જ કાળી કરે છે અને કેટલીક ફૂગો કુશકી સાથે તેની અંદરનાં બીજ અથવા ચોખાને પણ કેટલેક અંશે કાળા કરી નુકસાન કરે છે. આ રોગ કરવામાં ઘણી ફૂગો અને બૅક્ટેરિયાનો ફાળો છે. તે પૈકીની કેટલીક મૃતોપજીવી અને પરોપજીવી છે. તેમાંથી કેટલીક ફૂગો લણણી પહેલાંથી જ દાણા સાથે આવે છે. જ્યારે કેટલીક સંગ્રહ કરેલા દાણા ઉપર કે અંદર દાખલ થઈ વૃદ્ધિ કરે છે. આવી ડાંગરમાંથી ચોખાનું મિલિંગ કરતાં દાણા તૂટી જાય અથવા ભૂકો થઈ જતાં ચોખાનો ઉતાર ખૂબ ઓછો મળે છે.
આ રોગ માટે ઘણી ફૂગ અને જીવાણુઓ જવાબદાર છે જે પૈકીની પેનિસિલીયમ, એસ્પરજીલસ, ફોમા, કરવુલરિયા, ફ્યુસેરિયમ અને નિગોસપોરા પ્રજાતિની ફૂગો ચોખાની બહારની છાલ પર વૃદ્ધિ કરે છે જ્યારે કેટલીક ફૂગો અંદરનાં બીજમાં વૃદ્ધિ કરે છે. તેથી આવી ડાંગરનાં બીજનું સ્ફુરણ જલદી નાશ પામે છે અને ગુણવત્તા ઓછી થાય છે. આવાં બીજની વાવણી કરવાથી ધરુના મૃત્યુનું અને અન્ય રોગોનું પ્રમાણ વધે છે જ્યારે સંગ્રહેલા કોઠારની ફૂગોનું આક્રમણ હોય તો આ નુકસાન ઉપરાંત ઝેરી તત્વોનો પણ ઉમેરો ફૂગો કરતી હોવાથી ચોખાનો ઉપયોગ ખોરાક તરીકે થઈ શકતો નથી.
ખેતરમાં ડાંગર ઢળી પડવાથી અથવા દાણા ભરાવાના સમયે હવામાં સતત ભેજ રહે તો આ રોગનું પ્રમાણ વધારે રહે છે. તે જ પ્રમાણે સંગ્રહ દરમિયાન દાણામાં ભેજ વધુ રહે અને અનુકૂળ તાપમાન હોય તો સંગ્રહેલી ફૂગોથી વધારે નુકસાન થાય છે.
નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે ઢળી ન પડે એવી જાતોની વાવણી કરવી પડે છે. કંટી નીકળવાના સમયે વધારે ભેજ કે વરસાદ ન રહે એ પ્રમાણે વાવણી થાય છે. ડાંગરના દાણાને પૂરતા સૂકવીને સંગ્રહ કરવા પડે છે, જેથી કોઠારમાં કે કોથળામાં ભેજ વધી ન જાય. હવાચુસ્ત કોઠીમાં તેનો સંગ્રહ કરવો હિતાવહ છે.
કાપણી : પાક પીળો પડે અને દાણા પરિપકવ થાય ત્યારે કાપણી કરવામાં આવે છે. કંટીમાં બધા દાણા તદ્દન પીળા રંગના દેખાય ત્યારે કાપણી કરાય છે. છોડ ભલે લીલા રંગના દેખાતા હોય પણ કાપણી કરવી પડે છે. તેનાથી ચોખાની ગુણવત્તા સારી રહે છે. કાપેલ છોડના પૂળિયાં બાંધી સૂકવ્યા બાદ લાકડાના પાટિયા સાથે અથડાવીને બળદથી અથવા ટ્રૅક્ટરથી પગર કરીને ઝૂડણી કરાય છે. આ રીતે ઝૂડણી કરવાથી પરાળની ગુણવત્તા બગડે છે; પરંતુ હવે હાર્વેસ્ટરની મદદથી સૂકાં પૂળિયાંમાંથી દાણા સહેલાઈથી જુદા પાડી શકાતા હોઈ પરાળની ગુણવત્તા સારી રીતે જળવાય છે. ડાંગરને સામાન્ય રીતે સૂર્યના તાપમાં સૂકવવાની પ્રથા ખેડૂતો અપનાવે છે. સંગ્રહ વખતે દાણામાં 10 થી 12 ટકા કરતાં વધુ ભેજ ન હોવો જોઈએ. કાપણી- સમય, સૂકવવાની તથા સંગ્રહ કરવાની રીત ઉપર ડાંગરની યાંત્રિક છડાઈ વખતે ભાંગેલા અને આખા ચોખાના પ્રમાણનો આધાર રહે છે.
ભારતમાં ચોખાની વ્યક્તિદીઠ વપરાશ : ભારતમાં લગભગ પોણા ભાગની વસ્તી માટે ચોખા મુખ્ય ખોરાક છે. ખાસ કરીને પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમના વિસ્તારોમાં ચોખા અને તેમાંથી બનાવેલ અન્ય ખાદ્ય બનાવટોનો ખોરાકમાં વધુ ઉપયોગ થાય છે. વ્યક્તિદીઠ વાર્ષિક વપરાશ સૌથી વધુ પશ્ચિમ બંગાળ (150 કિગ્રા.) અને ત્યારબાદ અસમ (140 કિગ્રા.), તમિળનાડુ (120 કિગ્રા.) અને સૌથી ઓછી વપરાશ પંજાબ (30 કિગ્રા.)માં છે. તમિળનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને અસમનાં રાજ્યોનો દેશના કુલ ઉત્પાદનમાં 95 % હિસ્સો છે.
ચોખાનું વર્ગીકરણ : ચોખામાં વિવિધ વાનસ્પતિક જાતો જોવા મળે છે. સુધારેલી જાતો સિવાય સ્થાનિક જાતો જુદા જુદા નામે ઓળખાય છે. વેપારીઓ પણ કેટલીક વાર તેમની રીતે જુદા જુદા નામે ઓળખતા હોય છે. આમ છતાં રામૈયા કમિટીએ (1959–60) સૂચવ્યા પ્રમાણે અને 1966માં તેને ‘એગમાર્ક’ તરીકે સ્વીકાર્યા મુજબ ચોખાનું નીચેની રીતે દાણાના આકાર અને કદ ઉપરથી વર્ગીકરણ કરવામાં આવેલ છે.
ક્રમ | ચોખાનો વર્ગ | ધોરણ |
1. | લાંબા અને પાતળા | 6 મિમી અને તેથી વધુ લાંબા. લંબાઈ ÷
પહોળાઈનું પ્રમાણ 3 અને તેનાથી વધુ. |
2. | ટૂંકા અને પાતળા | લંબાઈ 6 મિમી.થી ઓછી લંબાઈ ÷
પહોળાઈનું પ્રમાણ 3 અને તેનાથી વધુ. |
3. | મધ્યમ અને પાતળા | લંબાઈ 6 મિમી.થી ઓછી. લંબાઈ ÷
પહોળાઈનું પ્રમાણ 2.5થી 3.0 સુધી. |
4. | લાંબા અને જાડા | લંબાઈ 6 મિમી. અને વધુ. લંબાઈ ÷
પહોળાઈનું પ્રમાણ 3થી ઓછું. |
5. | ટૂંકા અને જાડા | લંબાઈ 6 મિમી.થી ઓછી. લંબાઈ ÷
પહોળાઈનું પ્રમાણ 2.5થી ઓછું. |
લાંબા પાતળા અને સુગંધીદાર ચોખાની કક્ષા ઊંચી ગણાય છે.
બાફેલા ચોખા (parboiled rice) અને તેને તૈયાર કરવાની રીતો : બાફેલા ચોખાની માગ વધતી હોઈ કુલ ઉત્પાદનના લગભગ 2/3 ચોખા આ રીતે તૈયાર કરવામાં આવે છે. બાફેલા ચોખા તૈયાર કરવાના પહેલા પ્રકારમાં સામાન્ય રીતે ઠંડા કે ગરમ પાણીમાં પલાળવાની અને વરાળ દ્વારા ગરમી આપીને બાફવાની પ્રક્રિયા થાય છે. આ પ્રકારમાં મુખ્ય 4 રીતો છે :
(1) એક વાર બાફવાની પ્રક્રિયા : આ રીતમાં જરૂરિયાતના પ્રમાણમાં સિમેન્ટની ટાંકીઓ બનાવેલી હોય છે. તેમાં રાખેલ ઠંડા પાણીમાં 3 દિવસ સુધી ડાંગરને રાખવામાં આવે છે, ત્યારબાદ તેને લોખંડની (લગભગ અડધો ટનની) કૂંડીમાં નાખી 2થી 3 મિનિટ વરાળ આપી બાફીને સૂકવવામાં આવે છે અને સુકાયા બાદ યાંત્રિક છડાઈ કરવામાં આવે છે. આ રીતથી ચોખાના રંગ અને દેખાવમાં ખાસ વાંધો આવતો નથી પરંતુ પાણીમાં પલાળતી વખતે તેમાં જીવાણુને કારણે અણગમતી વાસ બેસતી જાય છે.
(2) બે વાર બાફવાની ક્રિયા : આ રીતમાં ડાંગરને પ્રથમ કૂંડીમાં વરાળની માવજત આપી ગરમ ડાંગરને પાણીની ટાંકીઓમાં નાખી લગભગ 36 કલાક રાખવામાં આવે છે. ત્યારબાદ ફરીથી ડાંગરને કૂંડીમાં મૂકી અગાઉની માફક વરાળની માવજત આપી સૂકવવામાં આવે છે. સુકાયેલ ડાંગરની યાંત્રિક છડાઈ કરવામાં આવે છે. આ રીતથી તૈયાર થતા ચોખા એક વાર બાફીને તૈયાર થતા ચોખા જેવા જ હોય છે.
(3) સેન્ટ્રલ ફૂડ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવેલ ગરમ પાણીમાં બોળીને બાફવાની પ્રક્રિયા : આ રીતમાં ઠંડા પાણીના બદલે 70° થી 75° સે. જેટલું તાપમાન ધરાવતા ગરમ પાણીમાં ડાંગરને 4 કલાક જેટલા સમય પૂરતી પલાળી અગાઉની માફક વરાળથી 2થી 3 મિનિટ બાફી ડાંગરને સૂકવવામાં આવે છે અને ત્યારબાદ યાંત્રિક છડાઈ દ્વારા ચોખા તૈયાર કરવામાં આવે છે. ગરમ પાણીમાં પલાળવાના કારણે જીવાણુની પ્રક્રિયા નહિ થવાથી આ પ્રકારના ચોખામાં ખરાબ વાસ આવતી નથી અને ગુણવત્તાની ર્દષ્ટિએ પણ તે વધુ સારા હોય છે. પરંતુ આ રીતમાં ખાસ પ્રકારની લોખંડની ટાંકી બનાવવી પડે છે.
(4) ક્રોમેટયુક્ત પાણીમાં પલાળીને બાફવાની પ્રક્રિયા : ડાંગર પ્રસંસ્કરણ સંશોધન કેન્દ્ર, તીરુવેરુર (તમિળનાડુ) દ્વારા વિકસાવેલ આ રીતમાં ચોખા વાસરહિત થાય તે માટે જીવાણુને દૂર કરવા ઠંડા પાણીની ટાંકીમાં એક ક્વિન્ટલ ડાંગર માટે 50 ગ્રામ પ્રમાણે સોડિયમ ક્રોમેટ નાખી ડાંગરને પલાળવામાં આવે છે. બાકીની બીજી બધી પ્રક્રિયા એક વાર બાફવાની પ્રમાણે જ હોય છે. આ રીતે તૈયાર થયેલ ચોખામાં વાસ નથી આવતી પરંતુ સોડિયમ ક્રોમેટના ઉપયોગના કારણે આરોગ્ય ખાતાએ હજુ તેને માન્યતા આપેલ નથી.
આ ઉપરાંત તીરુવેરુર કેન્દ્રે દબાણયુક્ત બાફવાની પ્રક્રિયા પણ વિકસાવેલ છે, જેમાં ઠંડા કે ગરમ પાણીમાં ડાંગર પલાળવાનો સમય ફક્ત એક કલાક જેટલો જ રાખી ડાંગરને 0.35, 0.7, 1.4, 1.75 અને છેલ્લે 2.18 કિગ્રા./ચોસેમી. ઉપરના દબાણે 25થી 30 મિનિટ સુધી રાખી ત્યારબાદ ડાંગરને કાઢી સૂકવીને યાંત્રિક છડાઈ કરવામાં આવે છે. આ રીતમાં ચોખા કઠણ બને છે અને તેનો રંગ પણ વધુ ઘેરો હોય છે. આ રીતમાં સેન્ટ્રલ ફૂડ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મૈસૂર દ્વારા ફેરફાર કર્યો છે અને ડાંગરને પલાળ્યા વિના જ ઠંડા પાણીથી ધોઈ સીધી જ 1.05 કિગ્રા./ચો.સેમી.ના દાબતાપમાને વરાળ દ્વારા સ્ટીલની ટાંકીમાં 15થી 20 મિનિટ બાફવામાં આવે છે અને ત્યારબાદ તેને સૂકવીને યાંત્રિક છડાઈ કરવામાં આવે છે. આ રીતથી ઓછા સમયમાં વધુ ચોખા તૈયાર કરી શકાય છે અને ચોખાની ગુણવત્તા પણ સારી થતી હોઈ તે રીત અપનાવવી વધુ હિતાવહ છે.
ઉપરની રીતોમાં ડાંગરને વરાળથી બાફવાની પ્રક્રિયા થાય છે જ્યારે વરાળ સિવાય ડાંગરને પલાળી સીધી ગરમી પણ આપી શકાય. આવી રીતો પૈકી ઉત્તરપ્રદેશના પહાડી વિસ્તારમાં ‘સેલા પ્રોસેસ’ નામની રીત જાણીતી છે. આ રીતમાં ડાંગરને હૂંફાળા પાણીમાં એક રાત પલાળીને તવા ઉપર રેતીમાં કે રેતી વિના 2 થી 5 મિનિટ શેકવામાં આવે છે અને જો ચોખા પોચા અને સફેદ તૈયાર કરવા હોય તો તેને સીધા પાથરીને સૂર્યના તાપમાં સૂકવવામાં આવે છે. પરંતુ કઠણ અને રંગીન ચોખા તૈયાર કરવા હોય તો ડાંગરને શેક્યા પછી ઢગલામાં કે થેલીમાં સંગ્રહ કર્યા બાદ સૂકવવામાં આવે છે.
આ રીતે સીધી ગરમી દ્વારા બાફવાની પ્રક્રિયા માટે સેન્ટ્રલ ફૂડ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ સંશોધન ચાલુ છે. પ્રાથમિક ધોરણે ‘ગ્રામ રોસ્ટર’ની રીત વિકસાવેલ છે. તેમાં 70°થી 80° સે. તાપમાન ધરાવતા ગરમ પાણીમાં એક રાત ડાંગરને પલાળી ગૅસ કે ડીઝલના બર્નર વડે ગરમ કરેલ ‘ગ્રામ રોસ્ટર’માંથી રેતી સાથે પસાર કરવામાં આવતાં ડાંગરને 60 સેકન્ડ જેટલો સમય લાગતો હોઈ ડાંગર બફાઈ જાય છે. ત્યારબાદ તેને સૂર્યના પ્રકાશમાં સૂકવીને યાંત્રિક છડાઈ કરવામાં આવે છે. આમ કલાકમાં 500થી 800 કિગ્રા. ડાંગરને બાફી શકાય છે.
સીધી ગરમી આપી ડાંગરને બાફવામાં બૉઇલરની જરૂર રહેતી નથી અને ડાંગર પ્રક્રિયા દરમિયાન ઘણીખરી સુકાઈ જાય છે. ચોખાની ગુણવત્તા પણ વધુ સારી થાય છે. આ રીત વધુ સરળ, સાદી અને સહેલી છે.
સામાન્ય ચોખાની સરખામણીએ બાફેલા ચોખાની યાંત્રિક છડાઈમાં ભાંગવાનું પ્રમાણ નહિવત્ હોય છે અને જે કુશકી નીકળે છે તે ગુણવત્તામાં સારી હોઈ ઉદ્યોગમાં તેની વધુ માગના કારણે ભાવ ઊંચા ઊપજે છે. બાફવાની ક્રિયા વખતે જિલેટીનયુક્ત બનવાના કારણે બાફેલા ચોખાનો દાણો જલદીથી ભાંગતો નથી અને તે જ રીતે ભ્રૂણનો ભાગ ભ્રૂણપોષ સાથે ચોંટી જવાના કારણે છૂટો પડી નકામો જતો નથી. આમ, ભ્રૂણ અને સંયુક્તકવચમાં રહેલ અમૂલ્ય પોષકતત્વો અને વિટામિન-બી જળવાઈ રહેતાં હોઈ પોષણની ર્દષ્ટિએ બાફેલા ચોખા વધુ ફાયદાકારક છે. આવા ચોખા કઠણ હોઈ જીવાત દ્વારા જલદી સડતા નથી. આમ છતાં આવા ચોખા રાંધતી વખતે વધુ સમય લેતા હોઈ સમય અને ઊર્જાનો થોડો વધુ વ્યય થાય છે.
ચોખાનાં પોષક તત્વો : ચોખામાં જાતવાર પોષક તત્વોમાં થોડો ફેર હોય છે. આમ છતાં, સામાન્ય ચોખામાં રહેલ પોષક તત્વો નીચે પ્રમાણે છે :
અ. નં. | પોષક તત્વ | પ્રમાણ (ટકામાં) | કૅલરી |
1. | પ્રોટીન | 6.8 | 100 ગ્રામ |
2. | ચરબી | 0.5 | દીઠ 345 |
3. | કાર્બોદિત | 78.2 | |
4. | રેસા | 0.2 | |
5. | ક્ષાર | 0.6 |
ચોખામાં કાર્બોદિત ખાસ કરીને સ્ટાર્ચનું પ્રમાણ વિશેષ અને પ્રોટીન તથા ચરબી ઓછાં હોય છે. ચોખાની ગુણવત્તા રાંધ્યા પછી તેની મુલાયમતા, છૂટાપણું અને આખો દાણો રહે તેના ઉપર નિર્ભર છે. સ્ટાર્ચમાં જો ઍમાઇલોપૅક્ટિનનું પ્રમાણ વધારે હોય તો ભાત ચીકણો અને મીણિયો થાય છે. ઍમાઇલોઝનું પ્રમાણ વધે તો ભાત મુલાયમ, છૂટો અને આખા દાણાવાળો થાય છે. આમ, ભાતની ગુણવત્તા સ્ટાર્ચના ઍમાઇલોપૅક્ટિન અને ઍમાઇલોઝના ગુણોત્તર ઉપર આધારિત છે. ઍમાઇલોઝ 20 %થી ઓછું હોય તો ઓછું, 20થી 25 % હોય તો મધ્યમ અને 25 %થી વધુ હોય તો વધુ પ્રમાણ ગણવામાં આવે છે. સંગ્રહ દરમિયાન ઍમાઇલોઝનું પ્રમાણ વધતું જવાથી જૂના ચોખા રાંધવામાં વધુ સારા ગણાય છે. આ જ રીતે ચોખામાં રહેલ સુગંધ બાષ્પશીલ બાર્બોનીલ ઘટકના મુખ્ય તત્વ 2 ઍસિટીલ-1 પાયરૉલીનના પ્રમાણ ઉપર આધારિત છે.
ચોખાની મિલોનો વિકાસ અને આડપેદાશો : ડાંગરમાંથી ચોખા તૈયાર કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ ઉદ્યોગોને ડાંગર છડવાના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. તે દેશનો અન્નપ્રસંસ્કરણને લગતો સૌથી મોટો ઉદ્યોગ છે. માનવસભ્યતાના વિકાસ સાથે ડાંગરમાંથી ચોખા તૈયાર કરવાની રીતોનો પણ વિકાસ થયો અને હાથથી મસળીને ચોખાને જુદા પાડવાની શરૂઆતથી હાથછડ, હલર, એમરી સેલર, હલર કમ સેલર, સેલર અને ક્રોન પૉલિશર, રબર રોલ સેલર, ક્લીનર, સૅપરેટર અને પૉલિશરવાળી કૉમ્પેક્ટ મિની રાઇસ મિલ અને સંયુક્ત પ્રકારની વિવિધલક્ષી સ્વયંસંચાલિત રાઇસ મિલો કે જેમાં હવે ડીસ્ટોનર, કલર-સૅપરેટર, શાઇનિંગ મશીન જેવા વિવિધ ઘટકો દ્વારા ઉત્તમ ગુણવત્તાનાં ધોરણો ધરાવતા ચોખા તૈયાર થાય તેવા પ્લાન્ટ નંખાવા લાગ્યા છે. ચોખાની ગુણવત્તા ઉપરાંત તેની આડપેદાશો પણ ઉત્તમ કક્ષાની મળતી હોઈ તેનો પણ ઉદ્યોગ વિકસવા લાગ્યો છે અને તેથી આર્થિક રીતે આવા આધુનિક પ્લાન્ટ વધુ ફાયદાકારક બને છે.
એક ટન ડાંગર હલર અને આધુનિક મિની રાઇસ મિલમાં છડવામાં આવે તો નીચે પ્રમાણે ચોખા અને તેની ઉપપેદાશો મળે છે :
અ.
નં. |
મુખ્ય અને
ઉપપેદાશો |
હલર દ્વારા
દ્વારા (કિગ્રા.) |
1 ટન ડાંગરમાંથી
મિની રાઇસ મિલ (કિગ્રા.) |
1. | આખા ચોખા | 302 | 550 |
2. | વાટલા (પોણિયા) | 75 | 50 |
3. | કણકી | 270 | 100 |
4. | કુશકી | – | 80 |
5. | ફોતરી | 350 | 220 |
(કુશકી-ફોતરી મિશ્રણ) |
હલર દ્વારા ડાંગર છડવાથી આખા ચોખાનું પ્રમાણ ઓછું (60 %થી 62 %) અને ભાંગેલા ચોખાનું પ્રમાણ ઘણું વધું (30 %થી 35 %) હોય છે અને કુશકી તથા ફોતરી ભેગી પડતી હોઈ કુશકીનો તેલ કાઢવા માટે ઉપયોગ થઈ શકતો નથી. આની સરખામણીએ આધુનિક રબર રોલરવાળી મિલોમાંથી આખા ચોખા 70 %થી 72 % અને કણકી ફક્ત 5 %થી 7 % જેટલી જ તથા ફોતરી અને કુશકી જુદી જુદી મળે છે. કુશકીનો તેલ માટે ઉપયોગ થતો હોઈ તેના ભાવ સારા મળે છે અને તેલની ખોટ પૂરી કરવામાં મદદરૂપ થાય છે, તેથી હવે આધુનિક રબર રોલરવાળી રાઇસ મિલો જ નાખવાનો સરકાર આગ્રહ રાખે છે. ગુજરાતમાં કુલ 2981 પૈકી 1853 સિંગલ હલર, 320 હલર-કમ રોલર અને 808 જેટલી આધુનિક રાઇસ મિલો છે.
ચોખા–ઉદ્યોગની આડપેદાશો : આધુનિક રાઇસ મિલોમાંથી આખા ચોખા (70 %થી 72 %) અને કણકી (5 %થી 7 %) ઉપરાંત ફોતરી (20 %થી 22 %), કુશકી (4 %) અને ભૂસું (2 %) જેવી ઉપ-પેદાશો મળે છે, તે 26 %થી 28 % જેટલો હિસ્સો ધરાવતી હોઈ ચોખાના ઉદ્યોગમાં તેની અગત્ય ઘણી છે. આ ઉપ-પેદાશોનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી મળતી આવક ચોખા-ઉદ્યોગ માટે અર્થવ્યવસ્થાનું એક અગત્યનું પાસું બની રહે. ફોતરીનો મહત્તમ ઉપયોગ બળતણ તરીકે થાય છે. જોકે તેની તાપમાનક્ષમતા 3000થી 3500 કિ. કૅલરી/કિગ્રા. જેટલી હોઈ અન્ય બળતણ–સામગ્રીની સરખામણીએ ઓછી ગણી શકાય, છતાં કિંમતમાં સસ્તી હોઈ ‘પાર-બૉઇલ્ડ’ પ્લાન્ટમાં વરાળ ઉત્પન્ન કરવા, ઈંટોના ભઠ્ઠામાં અને અન્ય જગ્યાએ ભઠ્ઠીઓ અને બૉઇલરોમાં અને ઘરગથ્થુ વપરાશમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કાગળઉદ્યોગમાં પ્રેસવુડનાં પાટિયાં બનાવવામાં, ફોતરીમાં સિલિકા હોવાના કારણે જંતુનાશક દવાઓમાં તથા મશીન સાફ કરવા, કોલ્ડ સ્ટોરમાં ઉષ્ણતા- અવરોધક તરીકે થરમૉસ્ટેટ બ્રિક્સ બનાવવામાં, ઍક્ટિવેટેડ કાર્બન અને સોડિયમ સિલિકેટ બનાવવામાં, અતિ કીમતી શુદ્ધ સિલિકોનનાં સંયોજનો (જેવાં કે સિલિકોન કાર્બાઇડ, સિલિકોન નાઇટ્રાઇડ વગેરે) અને એસેટિક ઍસિડ, પ્રોપિયોનિક ઍસિડ જેવાં રસાયણો બનાવવામાં પણ તે કામ આવે છે.
કુશકી જો ચોખ્ખી હોય તો તેમાંથી તેલ કાઢી શકાય છે. આ તેલનું પ્રમાણ 15 %થી 25 % જેટલું હોય છે. કુશકીને 2 થી 3 અઠવાડિયાંમાં તેલ કાઢવાના ઉપયોગમાં લેવાય તો ખાદ્ય તેલ મેળવી શકાય છે, પરંતુ પડી રહે તો ‘ફ્રી–ફૅટી ઍસિડ’ 8 %થી વધી જતો હોઈ જે તેલ મળે તે ઉદ્યોગ માટે જ ઉપયોગી થાય છે. ખાદ્ય તેલ ખોરાક ઉપરાંત દવા અને પ્રસાધનો તૈયાર કરવામાં પણ વપરાય છે. 8 %થી વધુ ‘ફ્રી-ફૅટી ઍસિડ’વાળું કુશકીનું તેલ ચાલુ ઉદ્યોગમાં, પેઇન્ટ્સ અને વાર્નિશ બનાવવામાં, ડિટરજન્ટ અને પાયસીકારકો (emulsifiers) બનાવવામાં, પ્લાસ્ટિક અને રબર–ઉદ્યોગમાં, સિન્થેટિક ફાયબર વગેરેમાં વપરાય છે. તેલ કાઢી લીધા બાદ કુશકીનો ઢોર અને મરઘાં-બતકાંના ખોરાકમાં ઘણા મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. હલરમાંથી ફોતરી સાથેની કુશકી ઢોરના ખાણ-દાણમાં વપરાય છે. પરંતુ તેમાં સિલિકાનું પ્રમાણ વધુ હોઈ ઢોર માટે તે હાનિકારક ગણાય છે.
ચોખાનો વેપાર અને નિકાસક્ષમતા : ભારતમાં ચોખાનું ઉત્પાદન ઓછું હોવાને કારણે 1970 સુધી ચોખાની આયાત થતી હતી, પરંતુ ત્યારબાદ ઉત્પાદન વધતાં હવે 1991ની માહિતી પ્રમાણે ભારત 450 હજાર ટન ચોખાની નિકાસ કરે છે, જેમાં પંજાબના બાસમતી ચોખાનું પ્રમાણ વિશેષ છે. આમ, હાલ (1994) લગભગ 125 કરોડ રૂપિયાનું હૂંડિયામણ ભારતને ચોખાની નિકાસ દ્વારા મળે છે.
કાંતિલાલ ગોવિંદલાલ મહેતા
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ