ડંકલ દરખાસ્તો : આંતરરાષ્ટ્રીય વ્યાપારને મુક્ત અને વધુ સ્પર્ધાત્મક બનાવવાના હેતુથી યોજાયેલી મંત્રણાઓ દરમિયાન સધાયેલી સમજૂતીના સંદર્ભમાં પ્રયોજિત કાર્યવહી અંગે રજૂ થયેલા પ્રસ્તાવોનો ખરડો. બીજા વિશ્વયુદ્ધ પછી ગૅટ(આયાતજકાત અને વેપાર અંગેની સર્વસામાન્ય સમજૂતી)ના આશ્રયે 1979 સુધીમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરનાં આયાતજકાત સહિતનાં નિયંત્રણો ઘટાડવા માટે સાત વાટાઘાટો થઈ ચૂકી હતી. 1986માં ઉરુગ્વે રાઉન્ડના નામે ઓળખાતી આઠમી વાટાઘાટોનો આરંભ થયો હતો. અગાઉની સાત વાટાઘાટોમાં મર્યાદિત મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. તેની તુલનામાં વાટાઘાટોના આઠમા રાઉન્ડમાં ઘણાં વધુ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં; જેમ કે, ખેતપેદાશો, સેવાઓ, બૌદ્ધિક સંપત્તિના અધિકારો, વિદેશી મૂડીરોકાણો પરના અંકુશોની નાબૂદી વગેરે.

આઠમા રાઉન્ડની મંત્રણાઓનું કાર્યક્ષેત્ર ખૂબ વિસ્તારવામાં આવ્યું હોવાથી મતભેદો વ્યાપક હતા અને વાટાઘાટો લંબાયે જતી હતી. 1991માં વિવિધ દેશો વચ્ચે, મુખ્યત્વે ઔદ્યોગિક દેશો વચ્ચે, પ્રવર્તતા મતભેદો અંગે વ્યાપક ચર્ચાઓ થઈ છતાં મતભેદો નિવારી શકાયા નહિ. તેથી ‘ગૅટ’ના એ વખતના ડિરેક્ટર-જનરલ આર્થર ડંકલે સમાધાનકારી  દરખાસ્તો ધરાવતો એક ખરડો 20મી ડિસેમ્બર, 1991ના રોજ રજૂ કર્યો, જે ડંકલ દરખાસ્તો તરીકે ખૂબ ચર્ચાયો. એ ખરડો રજૂ કરતી વખતે તેમણે એ સ્પષ્ટ કર્યું કે સભ્યોએ આ ખરડાનો સમગ્રપણે સ્વીકાર અથવા અસ્વીકાર કરવાનો છે; તેમાં ફેરફારોને અવકાશ નથી. આ એક ઘણો મોટો દસ્તાવેજ છે. તેમાં વેપારને સ્પર્શતાં વિભિન્ન પાસાંને લગતી દરખાસ્તોને વિવિધ વિભાગોમાં વહેંચીને રજૂ કરવામાં આવી છે.

જે વિવિધ વિભાગોમાં દરખાસ્તોને વહેંચવામાં આવી છે તેમાંના કેટલાક મહત્વના વિભાગો આ પ્રમાણે છે : (1) બજારની પ્રાપ્યતા : તેમાં આયાતો પરની જકાતો ઘટાડવા માટેની તથા અન્ય કેટલાંક નિયંત્રણોને હળવાં કરવા માટેની દરખાસ્તો છે. (2) ખેતી : ખેતપેદાશોના આંતરરાષ્ટ્રીય વેપારમાં બે પ્રકારની વિકૃતિઓ છે : ઔદ્યોગિક દેશો ખેતપેદાશોના ઉત્પાદન પર તેમજ નિકાસો પર સબસિડી આપે છે; તેથી વિકાસશીલ દેશોના કાર્યક્ષમ ઉત્પાદકો આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી શકતા નથી. આ વિકૃતિઓ દૂર કરીને  ખેતપેદાશોના વેપારમાં વધારો થાય તે માટે વિવિધ દરખાસ્તો કરવામાં આવી છે. (3) કાપડ : ‘ગૅટ’ના આશ્રયે અન્ય ઔદ્યોગિક ચીજોની બાબતમાં સમજૂતી સાધવામાં આવી છે, પરંતુ તેમાં કાપડનો અપવાદ રાખવામાં આવ્યો છે. કાપડ અંગેની સમજૂતી ‘મલ્ટીફાયબર ઍરેન્જમેન્ટ’ તરીકે ઓળખાય છે. આ વ્યવસ્થા નીચે કાપડની નિકાસ કરતા વિકાસશીલ દેશોની નિકાસો સામે ઔદ્યોગિક દેશોની ભેદભાવ ભરેલી આયાત ક્વોટાની નીતિ અમલમાં છે. કાપડ-ઉદ્યોગને દસ વર્ષમાં ક્વોટાની નાબૂદી દ્વારા ‘ગૅટ’ના સર્વસામાન્ય માળખામાં લઈ આવવા માટેની દરખાસ્તો કરવામાં આવી છે. (4) વેપાર સાથે સંબંધિત બૌદ્ધિક સંપત્તિના અધિકારો (trade related intellectual property rights – TRIPS) : આમાં કૉપી-રાઇટ, પેટન્ટના અધિકારો વગેરેનો સમાવેશ થાય છે. આજે પેટન્ટ અંગેના અધિકારો બાબતમાં વિવિધ દેશો વચ્ચે એકવાક્યતા જોવા મળતી નથી. આ સ્થિતિ નિવારવાના ઉદ્દેશથી, એટલે કે વિશ્વસ્તરે એકસરખા પેટન્ટ-અધિકારો સર્જવા માટેની દરખાસ્તો કરવામાં આવી છે. (5) વેપાર સંબંધી મૂડીરોકાણને સ્પર્શતાં પગલાં : આ પગલાંનો ઉદ્દેશ વિકસિત દેશોની પેઢીઓને વિકાસશીલ દેશોમાં સમાનતાને ધોરણે મૂડીરોકાણ કરવા માટે અવકાશ આપવાનો છે. દેશની પેઢીઓ પર જે નિયંત્રણો હોય તેના કરતાં કોઈ વધારે નિયંત્રણો વિદેશની પેઢી પર ન હોવાં જોઈએ; દા.ત., વિદેશી પેઢી કે નાગરિકો કંપનીમાં વધુમાં વધુ કેટલા ટકા શૅર ધરાવી શકે તે અંગે કોઈ નિયંત્રણ ન હોવું જોઈએ. (6) સેવાઓના આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સમજૂતી : આ સેવાઓમાં વીમા-ઉદ્યોગ, બૅંકો વગેરેનો સમાવેશ થાય છે. આ સેવાઓ પૂરી પાડતી બધા દેશોની પેઢીઓને સમાન ધોરણે પ્રવેશ આપવાની દરખાસ્તો નથી; પરંતુ વ્યક્તિગત દેશ સાથે પારસ્પરિક ધોરણે વાટાઘાટો કરીને જે તે દેશની પેઢીઓને પ્રવેશ આપવાનો છે. (7) વેપાર અંગેનું બહુપક્ષી સંગઠન (Multilateral Trading Organization) : આ સંગઠનનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વેપારને સ્પર્શતી વિવિધ સમજૂતીઓ અંગે સભ્ય દેશો વચ્ચે વાટાઘાટો કરવા માટેનું સંસ્થાકીય માળખું રચવાનો છે, જે હાલ અસ્તિત્વમાં નથી.

ડંકલ દરખાસ્તોના સંદર્ભમાં સમજૂતી સધાઈ તેના પરિણામ રૂપે વિશ્વ વ્યાપાર સંગઠન World Trade Organization(WTO)ની રચના થઈ જે જાન્યુઆરી, 1995થી કાર્યરત થયું છે. આ સંગઠને ‘ગૅટ’નું સ્થાન લીધું છે.

રમેશ ભા. શાહ