અલિવાણી

January, 2001

અલિવાણી (ઓગણીસમી સદી) : કાશ્મીરી કવિ. એમણે કાશ્મીરની, લોકકથા ‘અકનંદુન’ને કાવ્યરૂપ આપ્યું છે. એ કથાકાવ્યે એમનું કથાકવિ તરીકે કાશ્મીરી સાહિત્યમાં સ્થાન નિશ્ચિત કરી આપ્યું છે. ગુજરાતી સગાળશાની કથાને તે કથા મળતી આવે છે. પોતે અતિથિને જે જોઈએ તે આપવાનું વચન આપેલું ત્યારે અતિથિનું રૂપ લઈને આવેલા ભગવાને એમના પુત્રનું માંસ ખાવા ઇચ્છયું, ત્યારે દંપતીએ સસ્મિત વદને પુત્રની હત્યા કરી. પ્રસન્ન થઈને પ્રભુએ છોકરાને પુન: સજીવન કર્યો. અલિવાણીના ‘અકનંદુન’માં અકનંદુન બાળકનું અત્યંત રોચક ચિત્રણ છે, જેથી તેની હત્યા વખતે ભાવકનું હૃદય દ્રવી ઊઠે છે. કાવ્ય કરુણરસનું હોવા છતાં સુખાન્ત છે. પાત્રોનો મનોવ્યાપાર કુશળતાથી આલેખાયો છે.

ચન્દ્રકાન્ત મહેતા