ટ્રેમોલાઇટ : એમ્ફિબોલ ખનિજવર્ગનું એક ખનિજ. રાસા. બં. : Ca2Mg5Si8O22(OH)2; સ્ફ.વ. : મૉનોક્લિનિક; સ્ફ.સ્વ. : સ્ફટિકો સામાન્યત: લાંબી પતરીઓ જેવા; ક્યારેક ટૂંકા અને મજબૂત, અન્ય સ્વરૂપોમાં – રેસાદાર કે પાતળા સ્તંભાકાર જૂથમાં, મોટેભાગે વિકેન્દ્રિત જથ્થામય હોય ત્યારે રેસાદાર કે દાણાદાર, પારદર્શકથી પારભાસક. યુગ્મતા (100) ફલક પર સામાન્ય, સાદી, પર્ણવત્.
સંભેદ : (110) સારી, (100) વિભાજનશીલ; ભં. સ. : ખરબચડીથી આછી વલાયાકાર. બરડ, કેટલાક ઘનિષ્ઠ પ્રકારો ર્દઢ; ચ. : કાચમય; રં. : રંગવિહીન, સફેદ, રાખોડી, આછો લીલો, ગુલાબી કથ્થાઈ.
ક. : 5 – 6; વિ. ઘ. : 2.9 – 3.2; પ્રકા. અચ. : α = 1.560, β = 1.613, γ = 1. 624; પ્રકા. સં. : –ve; 2V = 81o.
પ્રા. સ્થિ: સંસર્ગ વિકૃતિ અને પ્રાદેશિક વિકૃતિની અસર હેઠળ આવેલા ડોલોમાઇટ, મૅગ્નેશિયન ચૂનાખડકો અને નિમ્ન કક્ષાના અલ્ટ્રાબેઝિક ખડકોમાં મુખ્યત્વે તે મળે છે.
પ્રા. સ્થા. : યુ.એસ., કૅનેડા, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા. ટ્રેમોલાઇટ રેસાદાર હોઈને તે ઍસ્બેસ્ટૉસની નિમ્ન કક્ષાની જાતનું ખનિજ ગણાય છે. ક્રાઇસોટાઇલ ઍસ્બેસ્ટૉસ સારી કક્ષાનું હોઈને ટ્રેમોલાઇટનો ઍસ્બેસ્ટૉસ તરીકે ખાસ ઉપયોગ થતો નથી. Mg જો Feથી વિસ્થાપિત થાય તો તેને ઍક્ટિનોલાઇટ કહે છે. સારી રેસાદાર જાત ઍસ્બેસ્ટૉસની જગાએ વપરાય છે કારણ કે તે ગરમીનો પ્રતિકાર કરે છે.
ગિરીશભાઈ પંડ્યા