ટ્રાયક્લિનિક પ્રણાલી (Triclinic system) : ખનિજસ્ફટિકોના છ સ્ફટિકવર્ગો પૈકીનો એક. આ વર્ગમાં સમાવિષ્ટ તમામ ખનિજસ્ફટિકોને ત્રણ, અસમાન લંબાઈના સ્ફટિક અક્ષ હોય છે. તે પૈકીનો કોઈ પણ એક બીજાને કાટખૂણે કાપતો હોતો નથી. ઊભી સ્થિતિમાં રહેતા અક્ષને ઊર્ધ્વ અક્ષ (vertical axis) કહેવાય છે. બીજો એક અક્ષ નિરીક્ષકના સંદર્ભમાં આગળથી શરૂ થઈ પાછળ તરફ ઉપર અને દૂર જાય છે. બાકી રહેતો અક્ષ સામાન્ય રીતે તો જમણેથી ડાબે જાય છે, પરંતુ આ વર્ગના પ્રત્યેક ખનિજસ્ફટિકમાં તે જમણી કે ડાબી તરફ અમુક પ્રમાણમાં ઢળેલો હોય છે. ઑર્થોરોમ્બિક વર્ગની જેમ જ આ ત્રણેય અક્ષ પણ અસમાન લંબાઈના હોવાથી તેમનાં નામાભિધાન પણ તે જ રીતે અપાયાં છે. આગળ-પાછળ જતો પ્રથમ અક્ષ લંબાઈના એકમ પ્રમાણની અપેક્ષાએ ટૂંકો હોઈ બ્રેકીઅક્ષ કહેવાય છે અને તે a સંજ્ઞાથી ઓળખાય છે; જમણેથી ડાબે જતો દ્વિતીય અક્ષ એકમ લંબાઈવાળો હોય છે તેને મૅક્રોઅક્ષ કહેવાય છે અને b સંજ્ઞાથી ઓળખાય છે, જ્યારે ત્રીજો અક્ષ જે ઊભી સ્થિતિમાં રહે છે તેને ઊર્ધ્વ અક્ષ કહેવાય છે અને c સંજ્ઞાથી ઓળખાય છે. ત્રણે અક્ષ કાટખૂણે છેદતા ન હોવાથી c અને b વચ્ચેનો ખૂણો α, a અને c વચ્ચેનો ખૂણો β અને a અને b વચ્ચેનો ખૂણો γ ગણાય છે (જુઓ આકૃતિ 1) :
આ વર્ગના સ્ફટિકો માટે કોઈ ચોક્કસ પ્રમાણભૂત દિકસ્થિતિ (orientation) નિયત કરી શકાતી નથી. કોઈ પણ એક સ્ફટિક માટે પણ જુદી જુદી ઘણી દિકસ્થિતિ ઉપયોગમાં લેવાતી રહી છે; દા.ત., ઍક્સિનાઇટ સ્ફટિકને બારથી પણ વધુ દિકસ્થિતિમાં ગોઠવી શકાય છે, તે પૈકીની એક, નીચેની અક્ષીય લક્ષણો દર્શાવતી આકૃતિમાં જોઈ શકાશે. ઍક્સિનાઇટનો સંદર્ભ લઈને તેનો અક્ષગુણોત્તર (axial ratio) a : b : c = 0.49 : 1 : 0.48 અને α = 82°54´, β = 91°52° γ = 131° 32´ છે.
સમમિતિ પ્રકારો (symmetry types) : ટ્રાયક્લિનિક પ્રણાલી સ્ફટિકોનું સમતાનાં તત્વો મુજબ કુલ બે સમમિતિ પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે.
(1) એક્સિનાઇટ પ્રકાર : અક્ષીય સ્થિતિના સંદર્ભમાં જોતાં, જે એકમાત્ર સમમિતિ મળી શકે છે તે તેનું સમમિતિ કેન્દ્ર છે. સમમિતિ તલ કે સમમિતિ અક્ષ મળતાં નથી.
સ્વરૂપો (Forms) : આ પ્રકારમાં સમમિતિ કેન્દ્ર એકમાત્ર ઉપલબ્ધ સમમિતિ હોઈને કોઈ પણ સ્વરૂપમાં બે જ ફલક હોઈ શકે છે, કારણ કે સમમિતિ કેન્દ્ર હોવા માટે ઓછામાં ઓછા બે સામસામે સમાંતર ફલકોની જરૂરિયાત આવશ્યક બની રહે છે. બે ફલકોથી બનેલાં સ્વરૂપ પિનેકૉઇડ કહેવાય છે, તેથી આ પ્રકારમાં સમાવિષ્ટ પ્રત્યેક સ્વરૂપને પિનેકૉઇડ તરીકે ઓળખાવી–ઘટાવી શકાય. જોકે આ વર્ગનાં સ્વરૂપોનાં નામ ઑર્થોરૉમ્બિક સ્વરૂપો પ્રમાણે અપાયેલાં હોવા છતાં ‘પિનેકોઇડલ’ ના નામાભિધાનને પણ મહત્વ અપાય છે. ભિન્ન ભિન્ન સ્વરૂપોનાં નામ આ પ્રમાણે છે :
1. બેઝ કે બેઝલ પિનેકૉઇડ (001) : c અક્ષને આ સ્વરૂપનાં ફલકો કાપતાં હોવાથી તેને c-પિનેકૉઇડ કહેવાય છે.
2. બ્રૅકીપિનેકૉઇડ (010) : b અક્ષ ફલકોને છેદતી હોવાથી તે b-પિનેકૉઇડ અથવા પાર્શ્વ પિનેકૉઇડ (side pinacoid) પણ કહેવાય છે.
3. મૅક્રોપિનેકૉઇડ (100) : a અક્ષ કાપતો હોવાથી તે a-પિનેકૉઇડ અથવા અગ્ર (front) પિનેકૉઇડ પણ કહેવાય છે.
4. હેમિ-પ્રિઝમ (110) અને (110) : ત્રીજા અક્ષ c ને સમાંતર રહેતા હોવાથી તેમને તૃતીય ક્રમ(third order)ના પિનેકૉઇડ કહી શકાય.
5. હેમિમેક્રોડોમ (101) : બીજા અક્ષ b ને સમાંતર રહેતા હોવાથી તેમને દ્વિતીય ક્રમ(second order)ના પિનેકૉઇડ તરીકે ઓળખાવી શકાય.
6. હેમિબ્રેકીડોમ (011) : પહેલા અક્ષ a ને સમાંતર રહેતા હોવાથી તેમને પ્રથમ ક્રમ(first order)ના પિનેકૉઇડ તરીકે ઓળખાવી શકાય.
7. ક્વાર્ટર પિરામિડ (111) વગેરે : એક પણ અક્ષને સમાંતર ન હોવાથી અથવા ત્રણે અક્ષને કાપતાં હોવાથી તેમને ચતુર્થ ક્રમ(fourth order)ના પિનેકૉઇડ કહી શકાય.
ઍક્સિનાઇટ, રૉડોનાઇટ, આલ્બાઇટ, એનોર્થાઇટ આ પ્રકારમાં મુકાતાં ઉદાહરણો છે.
(2) અસમમિતિ પ્રકાર (Asymmetric type) અથવા કૅલ્શિયમ થાયૉસલ્ફેટ પ્રકાર : ટ્રાયક્લિનિક વર્ગના સામાન્ય પ્રકાર ઉપરાંત એક વધુ સંભવિત પ્રકાર એવો ગણાવાય છે, જેમાં કોઈ પણ પ્રકારની સમમિતિ હોતી નથી. તેમાં જે કોઈ સ્વરૂપ હોય તેને માત્ર એક જ ફલક હોય છે. કૃત્રિમ ક્ષારોનાં અસંખ્ય ઉદાહરણો અહીં લઈ શકાય, જે પૈકીનું એક કૅલ્શિયમ થાયૉસલ્ફેટ (CaS2O3, 6H2O) છે, જેના પરથી આ પ્રકારનું નામ અપાયું છે. હજી સુધી કોઈ ખનિજસ્ફટિક આ પ્રકારમાં સમાવેશ પામ્યાનું જાણી શકાયું નથી. 32 સમમિતિ પ્રકારોમાં આ પ્રકાર જુદો પડી આવે છે.
ગિરીશભાઈ પંડ્યા