ટોકિયો મુકદ્દમો : બીજા વિશ્ર્વયુદ્ધના અંતે જાપાનના યુદ્ધ-ગુનેગારો સામે ચલાવવામાં આવેલો ખટલો. જર્મનીના યુદ્ધ-ગુનેગારો સામે ન્યૂરેમ્બર્ગમાં ચલાવવામાં આવેલા મુકદ્દમાના સિદ્ધાંતોને અનુસરીને આ મુકદ્દમો ચલાવવામાં  આવ્યો હતો. દૂર પૂર્વ માટેની આંતરરાષ્ટ્રીય મિલિટરી ટ્રિબ્યૂનલના ચાર્ટરે યુદ્ધ પરત્વેના ગુનાઓને ત્રણ વિભાગમાં વહેંચ્યા હતા : (1) શાંતિ વિરુદ્ધના ગુનાઓ, (2) રૂઢિગત યુદ્ધના ગુનાઓ અને (3) માનવતા વિરુદ્ધના ગુનાઓ. આ ગુનામાં કાવતરાનો ગુનો પણ સામેલ કરવામાં આવ્યો હતો. આ મુકદ્દમામાં અગિયાર રાજ્યોએ 28 આરોપીઓ વિરુદ્ધ જુદાં જુદાં તહોમતનામાં મૂક્યાં હતાં; દા. ત., પૂર્વ એશિયા, મંચૂરિયા અને ચીન સામેના ગેરકાયદે યુદ્ધમાં અને કાવતરામાં સામેલગીરી, જર્મની અને ઇટાલી સાથે કાવતરામાં સામેલગીરી, ફરિયાદી રાજ્યોની પ્રજાનાં ખૂન, સામાન્ય આંતરરાષ્ટ્રીય કાયદો અને સંધિકરારોની વિરુદ્ધમાં સશસ્ત્ર હુમલાઓ, યુદ્ધના કેદીઓ પ્રત્યે અમાનવીય વર્તન તથા અન્ય રૂઢિગત યુદ્ધ-ગુનાઓ.

તા. 4–6–1946ના રોજ શરૂ થયેલા આ મુકદ્દમાનો ચુકાદો તા. 4–11–1948ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ઉપર્યુક્ત મુકદ્દમાના ન્યાયપંચના એક સભ્ય ભારતના ડૉ. રાધાવિનોદ પાલે અન્ય ન્યાયાધીશો કરતાં વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. તેમણે ઠરાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાને વિધેયાત્મક નિયમ ગણવાની અને યુદ્ધને આંતરરાષ્ટ્રીય ગુનો ગણવાની પૅરિસ સંધિને કોઈ સત્તા ન હતી. તેમણે વધુમાં ઠરાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાવતરું એ ગુનો બનતું નથી અને કાવતરાનો આક્ષેપ સાબિત થતો નથી. જે ગુનાઓ માટે આરોપીઓ વિરુદ્ધ કામ ચલાવવામાં આવ્યું છે તે ગુનાઓ આરોપીઓએ કરેલા નથી એવી મતલબનો ચુકાદો તેમણે આપ્યો હતો.

ન્યૂરેમ્બર્ગ મુકદ્દમા અને આ મુકદ્દમામાં દર્શાવેલા ગુનાઓમાં તાત્વિક રીતે કોઈ ખાસ તફાવત દેખાતો નથી.

રૂઢિગત આંતરરાષ્ટ્રીય કાયદો વિજેતાને આવા યુદ્ધના ગુનેગારો સામે કામ ચલાવવાની તથા તેમને શિક્ષા કરવાની પરવાનગી આપે છે. વિજેતા દેશ પરાજિત દેશના યુદ્ધ-ગુનેગારોને વિજેતા દેશને શરણે મોકલવા ફરજ પાડી શકે છે; એટલું જ નહિ; પરંતુ વિજેતા રાજ્ય પરાજિત રાજ્ય ઉપર તેમની શરતો પણ લાદી શકે છે. પરાજિત રાજ્યને વિજેતા રાજ્યે લાદેલી શરતોનો અમલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

ટોકિયોની મિલિટરી ટ્રિબ્યૂનલ મિત્રરાજ્યોએ નક્કી કરેલા કાયદા પ્રમાણે વ્યક્તિઓ વિરુદ્ધ મુકદ્દમા ચલાવતી હતી, નહિ કે બંધારણીય રીતે રચેલા કાયદા હેઠળ. જે કાયદો પરાજિત  રાજ્ય અને તેના વિવિધ આરોપીઓ વિરુદ્ધ લાદવામાં આવ્યો હતો તે હેઠળ આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો. જ્યારે બીજું વિશ્વયુદ્ધ (1939–45) ફાટી નીકળ્યું ત્યારે 1939ના આંતરરાષ્ટ્રીય કાયદાના ચાર્ટર હેઠળ જે કેટલાક ગુનાઓ વર્ણવાયેલા હતા તે શિક્ષાપાત્ર હતા, પરંતુ કેટલાક એવા ગુનાઓ પણ હતા જે આ ચાર્ટર હેઠળ શિક્ષાપાત્ર ગણવામાં આવ્યા ન હતા.

જેમની સામે આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો તેમણે નૈતિકતાના સ્થાપિત સિદ્ધાંતોની વિરુદ્ધમાં કેટલાંક કૃત્યો કર્યાં હતાં. તેથી આવા ગુનાઓ યોજનાર વ્યક્તિઓને શિક્ષા કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં નૈતિકતાના સિદ્ધાંતો દાખલ કરવાનો વિજેતાઓને હક હતો.

મુકદ્દમો ચલાવનાર ટ્રિબ્યૂનલે જાપાનના પ્રધાનમંત્રી તથા લશ્કરના વડા જનરલ ટોજો (1884–1948) અને અન્ય મુખ્ય યુદ્ધ-ગુનેગારોને ફાંસીની સજા ફરમાવી હતી. જાપાનના તે વખતના સમ્રાટ હિરોહિટો(1901–1989)એ લશ્કરના વડાઓના નિર્ણયો અને કૃત્યો સામે મૌન સેવ્યું હતું અને એ રીતે તેમના પર યુદ્ધમાં પરોક્ષ સંડોવણીનો આક્ષેપ મૂકી શકાયો હોત; પરંતુ 1945માં મિત્રરાષ્ટ્રો સામે જાપાનની શરણાગતિ સ્વીકારવામાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી હતી તે બાબત ધ્યાનમાં લઈને ટોકિયો મુકદ્દમામાં ગુનેગારોની યાદીમાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા હતા.

નલિનકાન્ત નૃસિંહપ્રસાદ બૂચ