ટેલર-પ્રથા : બેરર–ચેકની ચુકવણી માટેની એક પદ્ધતિ. ગ્રાહકોએ પોતાના ચેક વટાવવા માટે બૅંકના કાઉન્ટર ઉપર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તેના વિકલ્પમાં ટેલરપદ્ધતિ શરૂ થઈ છે. પ્રાયોગિક ધોરણે ભારતની કેટલીક વાણિજ્ય–બૅંકોએ ટેલરપદ્ધતિનો વિકાસ શરૂ કરેલ છે. પરંતુ દરેક બૅંકની પદ્ધતિ અલગ અલગ હોય છે. મુખ્ય પદ્ધતિમાં સતત ચાલુ ચુકવણીપદ્ધતિ તથા ત્વરિત (prompt) ચુકવણીપદ્ધતિ જોવા મળે છે. તે પૈકી તત્કાળ (instant) ચુકવણીમાં બૅંકના ચોપડાઓનો આધાર લીધા સિવાય અમુક રકમની મર્યાદા સુધીમાં તુરત જ ચુકવણી કરવામાં આવે છે અથવા નમૂનાની સહી જોઈને જ નિશ્ચિત કરેલા ખાતેદારોને નાણાની ચુકવણી માટેનો શેરો કરવામાં આવે છે. સામાન્ય બૅંકિંગ પ્રણાલિકા અનુસાર ચેકની ચુકવણી વિગતપૂર્ણ ચકાસણી કર્યા પછી થાય છે, પરંતુ ત્વરિત ચુકવણીપદ્ધતિમાં ગ્રાહકની નમૂનાની સહી બે વખત લેવામાં આવે છે અને તરત જ નાણાંની ચુકવણી કર્યા પછી ચેકની રકમ ખાતામાં ઉધારાય છે. બૅંકિંગ કમિશને તેના અહેવાલમાં ભારતની દરેકેદરેક બૅંકને આ પદ્ધતિનો સ્વીકાર કરવાની ભલામણ કરી હતી. અનુભવ અને આત્મવિશ્વાસ વધવાની સાથે બધી બૅંકોની શાખાઓને ટેલર–પ્રથા અપનાવવા માટે ભલામણ કરવામાં આવે છે.
જે બૅંકમાં પગારદાર વર્ગના ગ્રાહકોનાં ખાતાં ઘણાં હોય અને અમુક તારીખો સુધી બચત ખાતાંના વ્યવહારોમાં લેવડદેવડનું પ્રમાણ વિશેષ હોય તેવા દિવસો માટે પણ કેટલીક બૅંકો ટેલર પ્રથાનો ઉપયોગ કરતી જોવા મળે છે. આ પદ્ધતિ વડે અમુક રકમ સુધીની (રૂપિયા 1000 સુધીની) ચુકવણી ઝડપથી કરી શકાય છે અને તે દ્વારા ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવા પૂરી પાડી શકાય છે.
શ્રીકૃષ્ણ ગોપીનાથ દેવભાનકર