ટેબલ-ટેનિસ : પ્રમાણમાં ઓછી જગ્યામાં રમી શકાય એવી લોકપ્રિય રમત. 1881માં આ રમત ઇંગ્લૅન્ડમાં શોધાઈ અને પ્રારંભમાં તે ‘ગાર્સિમા’ તરીકે અને ત્યારબાદ ‘પિંગપાગ’ તરીકે જાણીતી થઈ. આજે ચીનમાં આ રમત ‘પિંગપાગ’ તરીકે જ જાણીતી છે; પરંતુ આ રમત ટેનિસની જેમ ટેબલ પર રમાય છે એટલે તેનું નામ 1921માં ટેબલ-ટેનિસ રાખવામાં આવ્યું.
આ રમતનું સૌપ્રથમ મંડળ 1920માં ઇંગ્લૅન્ડમાં રચાયું હતું. જર્મનીના ડૉ. ઓલ લેહમનના પ્રયત્નોને પરિણામે 1926માં આંતરરાષ્ટ્રીય ટેબલ-ટેનિસ ફેડરેશન(International Table Tennis Federation : I.T.T.F.)ની સ્થાપના કરવામાં આવી. 1927થી પુરુષો માટેના વિશ્વકપ ‘સ્નેથલિંગ કપ’ની અને 1934થી મહિલાઓ માટેના ‘કોરબિલન કપ’ નામના વિશ્વકપની શરૂઆત થઈ.
પ્રારંભમાં યુરોપિયન દેશોનું પ્રભુત્વ હતું અને 1953 સુધી હંગેરી અને ચેકોસ્લોવૅકિયા પુરુષોમાં વિશ્વકપ જીતતા રહ્યા. 1954થી 1958 સુધી જાપાને મોખરાનું સ્થાન જાળવી રાખ્યું, પરંતુ 1959માં ચીનમાં બેજિંગ ખાતે આયોજિત 26મી વિશ્વ ટેબલ-ટેનિસ સ્પર્ધામાં ચીન જાપાનને હરાવીને વિશ્વવિજેતા બન્યું.
ટેબલ-ટેનિસની રમત બંધ ઓરડામાં રમાય છે જેથી પવનની કોઈ અસર દડા ઉપર નથી પડતી. આ રમત માટે ટેબલની લંબાઈ 274 સેમી., પહોળાઈ 152.5 સેમી. અને જમીનથી ઊંચાઈ 76 સેમી. હોય છે. ટેબલની મધ્યમાં નેટ લગાડવામાં આવે છે, જેની લંબાઈ 183 સેમી. અને ઊંચાઈ 15.25 સેમી. હોય છે. ટેબલ-ટેનિસનો દડો સફેદ કચકડાનો હોય છે. એનો ઘેરાવો વધુમાં વધુ 12.06 સેમી અને ઓછામાં ઓછો 11.43 સેમી. હોય છે. તેનું વજન વધુમાં વધુ 2.53 ગ્રામ અને ઓછામાં ઓછું 2.40 ગ્રામ હોય છે. ટેબલ-ટેનિસનું બૅટ કોઈ પણ કદનું, ઘાટનું અને વજનનું હોઈ શકે. તેની સપાટી અપરાવર્તિત ઘેરા રંગની હોવી જોઈએ. આ રમત ‘સિંગલ્સ’ તેમ જ ‘ડબલ્સ’ તરીકે રમી શકાય છે. આ રમત 3 અથવા 5 સેટની હોય છે. દરેક સેટમાં 21 પૉઇન્ટ કરનાર ખેલાડી વિજેતા ગણાય છે. 3 સેટની રમતમાં 2 સેટ અને 5 સેટની રમતમાં 3 સેટ જીતનાર ખેલાડી વિજેતા ગણાય છે. દરેક ખેલાડીને સતત પાંચ સર્વિસ કરવાની તક મળે છે અને પાંચ સર્વિસ પછી સામા પક્ષના ખેલાડીને સર્વિસ મળે છે. આ રીતે બંને ખેલાડીઓના ગુણનો સરવાળો 5, 10, 15, 20, 25 એમ થતાં સર્વિસ બદલાય છે. આ રમતમાં જે ખેલાડી સાચી સર્વિસ ન કરી શકે અથવા દડાને નિયમ પ્રમાણે સાચી રીતે પાછો મોકલી શકે નહિ તે ખેલાડી ગુણ ગુમાવે છે. રમતમાં સારું પ્રદર્શન કરવા માટે ખેલાડીએ ‘ઍટેક’ તેમજ ‘ડિફેન્સ’ બંને ઉપર પ્રભુત્વ મેળવવું જોઈએ. આજે તો આ રમત ખૂબ જ ઝડપી બની ગઈ છે એટલે રમતમાં સારો દેખાવ કરવા માટે ત્વરિત ‘ફૂટવર્ક’ જરૂરી છે.
ભારતમાં પણ આજે આ રમત ખૂબ લોકપ્રિય બની છે અને એશિયા ખંડમાં ભારતના કેટલાક ખેલાડીઓએ સારી નામના મેળવી છે. ભારતમાં ઈ. સ. 1937માં ઑલ ઇન્ડિયા ટેબલ-ટેનિસ ફેડરેશન’ની સ્થાપના થઈ અને 1938માં કૉલકાતામાં સૌપ્રથમ રાષ્ટ્રીય ટેબલ-ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો, જે આજે પણ દર વર્ષે યોજાય છે.
પ્રભુદયાલ શર્મા