ટામ્પા (ટેમ્પા) : અમેરિકાનું મહત્વનું બંદર, ફ્લૉરિડા રાજ્યનું અગત્યનું ઔદ્યોગિક નગર તથા વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 27° 56´ ઉ. અ. અને 82° 27´ પ. રે.. ટૅમ્પા ઉપસાગરના ઈશાન કિનારા પર, સેન્ટ પીટર્સબર્ગની ઈશાને 40 કિમી.ના અંતરે તે આવેલું છે. હિલ્સબરો પરગણાનું તે મુખ્ય મથક છે. તેની વસ્તી 3.84 લાખ, મહાનગરની વસ્તી 24 લાખ અને મેટ્રોની વસ્તી 30 લાખ (2020) છે. ફ્લૉરિડા રાજ્યનાં મોટાં શહેરોમાં આ નગરનો ત્રીજો ક્રમ છે.

ત્યાં પ્લાસ્ટિકની બનાવટો, ખાદ્ય પદાર્થો તથા સિગારેટનું ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો વિકસ્યા છે ઉપરાંત જથ્થાબંધ અને છૂટક વ્યાપાર તથા બૅંકિંગ અને વીમા જેવી સેવાઓનું તે  અગત્યનું કેન્દ્ર ગણાય છે. 1884માં જૅક્સનવિલ સાથે રેલમાર્ગથી તેનું જોડાણ થતાં નગરના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. ફ્લૉરિડા રાજ્યનાં અન્ય બંદરો કરતાં આ બંદરના માર્ગે દર વર્ષે વધુ માલસામાનની હેરફેર થાય છે. તેમાં ફૉસ્ફેટ ખનિજની નિકાસનું પ્રમાણ 20% જેટલું હોય છે.

નગરમાં ટેમ્પા કૉલેજ (1890), યુનિવર્સિટી ઑવ્ ટેમ્પા (1931), યુનિવર્સિટી ઑવ્ સાઉથ ફ્લૉરિડા (1960) તથા હિલ્સબરો કમ્યુનિટી કૉલેજ(1968)માં જુદી જુદી વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાય છે.

પર્યટનની દૃષ્ટિએ પણ નગરનો નોંધપાત્ર વિકાસ થયો છે. ત્યાં દર વર્ષે ફેબ્રુઆરી માસમાં યોજાતો ગૅસ્પરિલા મહોત્સવ પર્યટકો માટે ખાસ આકર્ષણ ઊભું કરે છે. તે સિવાય નગરમાં ઉદ્યાનો, આફ્રિકાની પાર્શ્વભૂમિ ધરાવતું પ્રાણીસંગ્રહાલય તથા વિશિષ્ટ પ્રકારનું સ્થાપત્ય ધરાવતી ઇમારતો છે. અહીં ઘણા રેત-કંઠાર પટ આવેલા છે.

1819માં તે અમેરિકાનો પ્રદેશ બન્યો. 1823માં ત્યાં કાયમી વસાહતો ઊભી થઈ, 1855માં તેને નગરનો દરજ્જો પ્રાપ્ત થયો તથા 1887માં પ્રવેશ માટેના અધિકૃત બંદર તરીકે તેને માન્યતા આપવામાં આવી. સ્પૅનિશ-અમેરિકન યુદ્ધમાં સૈનિકોની ક્યૂબા તરફની કૂચ માટે આ બંદરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અમેરિકાની વાયુસેનાનું મૅક ડિલ હવાઈ મથક નગરની બાજુમાં વિકસાવવામાં આવ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે