અર્શ (આયુર્વેદ) : ગુદાની વલીઓમાં ઉત્પન્ન થતા માંસાંકુરોને લીધે થતો કષ્ટદાયક રોગ. ગુદમાર્ગનો અવરોધ થતાં અપાનવાયુ અને મળપ્રવૃત્તિની રુકાવટ થાય છે, જે પ્રતિલોમ પામીને વ્યાનવાયુ સાથે ભળી જઈ તે વ્યક્તિનો જઠરાગ્નિ મંદ કરી નાખે છે. મંદાગ્નિ થતાં તેમાંથી આમની વૃદ્ધિ થાય છે અને આહાર રસ દ્વારા ધાતુઓને સમ્યક્ પોષણ મળતું નથી તેથી અર્શ રોગ રોગીને સતત કષ્ટ આપે છે.

મોટા આંતરડાની નીચેના છેડે સાડાચાર અંગુલ ભાગને ગુદા કહે છે, જેમાં ત્રણ વલીઓ આવેલી હોય છે. તે ઉપરથી નીચે તરફ ક્રમથી પ્રવાહિણી 11 અંગુલ, વિસર્જની 11 અંગુલ, સંવરણી 1 અંગુલ અને ગુદૌષ્ઠ 1 અંગુલ માપની હોય છે. આ ગુદવલ-ત્રયમાં અર્શની ઉત્પત્તિ થાય છે.

વિશેષે કરીને મંદાગ્નિવાળા મનુષ્યો દોષનો પ્રકોપ થાય તેવું આચરણ કરે છે. અપથ્ય આહાર, અતિમૈથુન, વેગધારણ આદિ કારણોથી દોષો પૃથક્, સંસર્ગ અથવા ત્રણેય રક્તની સાથે મળીને મુખ્ય ધમનીઓ દ્વારા ગુદાસ્થાને રહીને ત્યાં ગુદાવલીઓ(માંસ, ત્વચા ને મેદ)ને દૂષિત કરી માંસાંકુરો ઉત્પન્ન કરે છે.

(અ) ગુદાને નીચેથી જોતાં મસાનું સ્થાન દર્શાવતી આકૃતિ; (બ) મસા દર્શાવતો મળાશય અને ગુદાનો ઊભો છેદ

અન્ન ઉપર અરુચિ, અમ્લોદગાર, પરિદાહ, અક્ષિશોથ, અંગકુંજન, પાંડુરોગ, ઉદર અને ગ્રહણીની શંકા, શ્ર્વાસ-કાસભ્રમ, તંદ્રા-નિદ્રા, ઇન્દ્રિયદૌર્બલ્ય, કબજિયાત વગેરે અર્શનાં પૂર્વરૂપો છે. આ અર્શના છ પ્રકારો છે : (1) વાતજ, (2) પિત્તજ, (3) કફજ, (4) રક્તજ, (5) સન્નિપાતજ (6) સહજ.

(1) વાતજ : આ પ્રકારના અર્શ શુષ્ક, વિવર્ણ અને વાંકાચૂંકા આકારના હોય છે. મળ કઠિન અને શૂલ-સહિત થાય છે. ગુદા, પૃષ્ઠ અને કમરમાં તેમજ નાભિપ્રદેશમાં પીડા થાય છે.

(2) પિત્તજ : જવના આકારના ક્લેદયુક્ત અર્શ. દાહ અને રક્તયુક્ત મળત્યાગ સાથોસાથ જ્વર, દાહ, તૃષ્ણા અને રોગીની ત્વચા, આંખો, દાંત, મળ-મૂત્ર, પીતવર્ણાં બને છે.

(3) કફજ : ફણસની ગોટલી અને ગાયનાં આંચળના આકારના અર્શ થાય છે. ફાટતા નથી કે તેમાંથી સ્રાવ થતો નથી. ખંજવાળ વધુ આવે છે.

(4) રક્તજ : વટાણાના અંકુર, પ્રવાલ કે ચણોઠીના આકારના અર્શ થાય છે. ફાટતા નથી કે તેમાંથી સ્રાવ થાય છે.

(5) સન્નિપાતજ : ઉપર દર્શાવેલ વાતજ, પિત્તજ અને કફજ દોષોનાં સંયુક્ત લક્ષણો આ પ્રકારના અર્શવ્યાધિમાં જોવા મળે છે.

(6) સહજ : માતાપિતાના દુષ્ટાવર્ત શુક્રના કારણે ઉત્પન્ન થાય છે. આ અર્શ મુખ્યત્વે અંદરની વલીઓમાં હોવાથી જોઈ શકાતા નથી. તે અંતર્મુખી અને વધુ પીડાકારક હોય છે.

બાહ્ય અને મધ્યવલીમાં સ્થિત અર્શ મટી શકે છે. પ્રવાહિણી વલીમાં ઉત્પન્ન થયેલા સહજ અને સન્નિપાતજ અર્શ અસાધ્ય હોય છે.

ચિકિત્સા : અર્શને દૂર કરવા માટે ઔષધ, ક્ષાર, અગ્નિ અને શસ્ત્રકર્મ – આ ચાર પ્રકારના ઉપાયો છે.

એક વર્ષની અંદરના અર્શ, જેમાં દોષો, લક્ષણો અને ઉપદ્રવો અલ્પ હોય તે ઔષધસાધ્ય છે. મૃદુ, ઊંડા અને ઉત્સેચયુક્ત અંકુરવાળા હોય તે ક્ષારસાધ્ય છે. કર્કશ, સ્થિર, વિશાળ અને કઠિન હોય તે અગ્નિસાધ્ય છે. અને તનુમૂળ, ઉત્સેચયુક્ત અને ક્લેદયુક્ત હોય તે શસ્ત્રસાધ્ય છે.

બળવાન વ્યક્તિના અર્શોનું શસ્ત્રકર્મ કરીને દહન કરવામાં આવે છે. જો દોષપૂર્ણ અર્શ ગુદાની બહાર નીકળેલા હોય તો યંત્રનો પ્રયોગ થતો નથી. તેમાં સ્નેહન, અવગાહન, અભ્યંગ, ઉપનાહ, આલેપ, રક્તમોક્ષણ, ક્ષાર, અગ્નિ અને શસ્ત્રથી ચિકિત્સા થાય છે.

ઔષધોપચાર : (1) પ્રતિદિન પ્રાત:કાળે ગોળ અને હરડેનું સેવન. (2) અમૃતભલ્લાતક અવલેહ 1 ચમચી બે વખત દૂધ સાથે લેવાય છે. (3) અર્શઘ્નવટી 3 ગોળી / 3 વાર છાશ સાથે. (4) જાત્યાદિમલમ અને અર્શશામક મલમ અવગાર સ્વેદ લીધા પછી ગુદભાગે લગાવવામાં આવે છે. (5) કઠિન મળ ન આવે તે માટે રાત્રે ઇસબગુલ લેવામાં આવે છે.

ઉપરની ચિકિત્સા ઉપરાંત અર્વાચીન યુગમાં ક્ષારસૂત્ર-ચિકિત્સા ખૂબ જ પ્રચલિત બની છે. તેને માટે અલગ વિભાગવાળી હૉસ્પિટલની સગવડ પણ હવે ઉપલબ્ધ છે.

ક્ષારસૂત્ર : ક્ષારસૂત્ર એટલે ક્ષારની ભાવના આપેલ સૂત્ર, જેની મદદથી મસા, ભગંદર આદિ રોગોની ચિકિત્સા કરવામાં આવે છે.

આયુર્વેદમાં ક્ષારનું મહત્વ વિશેષ ગણાવેલ છે. સુશ્રુતે ચાર પ્રકારની ચિકિત્સા બતાવી છે. ભેષજ, ક્ષાર, અગ્નિ અને શસ્ત્રચિકિત્સા. ચારેમાં ક્ષારકર્મને શ્રેષ્ઠ દર્શાવ્યું છે.

ભેષજ ચિકિત્સા : આભ્યંતર, ક્ષેપન, પાચન અને રેચક ઔષધિઓનો પ્રયોગ તથા સ્થાનીય શોધન, રોપણ ઔષધિઓનો પ્રયોગ તથા ભિન્ન ભિન્ન મલહર લેપાદિનો પ્રયોગ કરવામાં આવે છે.

ક્ષારચિકિત્સામાં કેટલાંક વિશિષ્ટ પ્રકારનાં દ્રવ્યોને ભસ્મીકૃત કરી વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા ચૂર્ણિત રૂપમાં પ્રાપ્ત સત્વના બાહ્ય અથવા આભ્યંતર રૂપનો પ્રયોગ કરાય છે.

અગ્નિચિકિત્સા એવી પ્રક્રિયા છે, જેમાં અગ્નિદગ્ધ શલાકા યા તંતુ યા ઇતર દ્રવ્યનો પ્રયોગ કરાય છે.

ચતુર્થ પ્રકારની ચિકિત્સામાં તીક્ષ્ણાળુ શસ્ત્ર દ્વારા અર્શ અને ભગંદર જેવા રોગોને મટાડવામાં આવે છે.

ક્ષારકર્મનું પ્રાધાન્ય : આચાર્ય સુશ્રુતે લખ્યું છે કે શસ્ત્રાનુશાસ્ત્રોમાં ક્ષાર પ્રધાનતમ હોય છે. કારણ કે ક્ષારથી છેદ્ય, ભેદ્ય, લેખ્ય આદિ કર્મોનું સંપાદન થાય છે.

શાસ્ત્રસંમત ક્ષારનિર્માણ-પ્રક્રિયાના આધાર પર સ્નુહી, અપામર્ણ, અર્ક, ચિંચા, ભલ્લાતક આદિ વિવિધ ઔષધિઓના ક્ષાર બનાવી પ્રયોગમાં લાવી શકાય છે અને એની દ્વારા ક્ષારસૂત્રનું નિર્માણ કરી અર્શ, ભગંદર આદિ રોગો મટાડી શકાય છે.

ક્ષારસૂત્રની નિર્માણવિધિ : બૃહદ્ત્રયીમાં ક્ષારસૂત્રનો ઉલ્લેખ મળે છે. ઉપર કહેલ ઔષધિમાંથી કોઈ પણ દ્રવ્યનો ક્ષાર લઈ સ્નુહી ક્ષીર યા અર્કક્ષીર મેળવવામાં આવે છે. હરિદ્રા પણ સાથે લેવામાં આવે છે.

પ્રથમ, સૂતરના તારને રાજહસ્ત માત્રામાં કાપીને એક સ્ટૅન્ડ પર લગાડાય. ત્યારબાદ સ્નુહી ક્ષીરની 9 (નવ) ભાવના આપવામાં આવે છે. મતલબ સૂતરના તાર પર એક વાર ક્ષીર લગાવ્યા પછી 6 કલાક સુધી તેને છાયા-શુષ્ક કરાય છે. એમ નવ વાર કરાય છે. ત્યારપછી તેમાં ક્ષાર મેળવીને 6 વાર ભાવના આપાય છે. ત્યારબાદ હળદર મેળવીને ફરીથી 6 વાર એમ કુલ 21 વાર ભાવના આપ્યા બાદ એ સૂત્રોને પૃથક્ પૃથક્ પરિશુષ્ક કરી ક્ષારસૂત્રાગારમાં રાખી બંધ કરવામાં આવે છે. આ રીતે ક્ષારસૂત્રનું નિર્માણ કર્યા બાદ તેનો પ્રયોગ અર્શ, ભગંદર આદિમાં બાંધવામાં આવે છે. આ પ્રયોગ અર્શના રોગનો અકસીર ઉપચાર ગણાય છે.

ક્ષારસૂત્રના ફાયદા : (1) ક્ષારસૂત્રનો પ્રયોગ કર્યા પછી દર્દીને હૉસ્પિટલમાં રહેવું પડતું નથી.

(2) મળત્યાગ ઉપરની પકડ ગુમાવવી પડે (incontinence) એવું થતું નથી.

(3) ગુદમાર્ગ સાંકડો (stricture) થતો નથી.

(4) પાણી અથવા પરુ ઝમ્યા કરતું (oozing) નથી.

આ રીતે ક્ષારસૂત્ર-ચિકિત્સા શલ્યકર્મ-ચિકિત્સા કરતાં વધારે ઉપયોગી અને અસરકારક પુરવાર થઈ છે.

ઈન્દુભાઈ દવે