ઝીબ્રા (Equus zebra or Zebra zebra) : સસ્તન વર્ગમાં ખરીધારી (perissodactyla) શ્રેણીના ઇક્વિડી કુળનું પ્રાણી. તે આફ્રિકા અને દક્ષિણ સહરાનું વતની છે. ઝીબ્રા, ઘોડા અને ગધેડાં ઇક્વિડી કુળનાં પ્રાણીઓ છે. આથી તેમનામાં ઘણું સામ્ય જોવા મળે છે. ઝીબ્રાની ઊંચાઈ સામાન્ય રીતે 1થી 1.50 મીટર જેટલી હોય છે. તેના કર્ણપલ્લવ લાંબા, કેશવાળી ટૂંકી અને પૂંછડી ભરાવદાર પ્રકારની હોય છે. તેની ત્વચાનો રંગ મુખ્યત્વે સફેદ કે ઝાંખો બદામી, જેના પર કાળા કે બદામી રંગના આડા તેમજ ઊભા પટ્ટા આવેલા હોય છે. આવા પટ્ટાઓ ઉદર અને જાંઘની અંદરના ભાગમાં નહિવત્ જણાય છે. ખૂંધ પરના પટ્ટા પૃષ્ઠ બાજુના પટ્ટા સાથે જોડાયેલા નથી હોતા. ઝીબ્રાની ત્વચા પરની ભાતને આધારે તેની વિવિધ જાતિઓ, ઉપજાતિઓ બને છે. આ પ્રાણીના આવા બાહ્ય દેખાવને કારણે તેને ‘A horse in tiger’s skin’ તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રાણીની મુખ્યત્વે ચાર જાતિઓ જોવા મળી છે : (1) Mountain zebra (E. zebra) પર્વતીય ઝીબ્રા, (2) Burchell’s zebra (E. burchelli) બર્ચેલ ઝીબ્રા, (3) Grevy’s Zebra (Equus grevyi) ગ્રેવી ઝીબ્રા, (4) Grant’s zebra (Equus quagga boehmi) ગ્રાન્ટ ઝીબ્રા.
આ ચાર જાતિઓની વિવિધ ઉપજાતિઓ પણ મળી આવે છે. ઝામ્બિયા, અગોલા, મોઝામ્બિક જેવા વિસ્તારો ઝીબ્રાની વિપુલ સંખ્યા ધરાવે છે. પૂર્વ આફ્રિકાના સારંગેટી પાર્ક વિસ્તારમાં આશરે 3 લાખ જેટલી સંખ્યા નોંધાયેલી છે.
આ પ્રાણી સામાન્ય રીતે એકાકી જોવા મળતું નથી, તે ટોળામાં વિચરતું હોય છે. તે શાકાહારી છે. તેના દાંતની રચના ઘોડાના દાંતને મળતી આવે છે. ખરી ધરાવતાં, પ્રાણીનાં ઉપાંગોમાં ત્રીજા નંબરની આંગળી કાર્યક્ષમ હોય છે. આ પ્રાણી કલાકના 60 કિમી.ની ઝડપથી દોડી શકે છે; પરંતુ સિંહ તેનો સહેલાઈથી શિકાર કરી શકે છે. સિંહ માટે તે મનગમતું ભોજન છે. ઝીબ્રા, તેની ચામડીની રક્ષણાત્મક ગોપનીયતાને આધારે, તેનાં દુશ્મન પ્રાણીઓથી સામાન્ય રીતે બચી શકે છે.
ઘોડા અને ગધેડાની માફક ઝીબ્રાને પણ ભાર વહન કરવા કે સવારી કરવા માટે કેળવી શકાય છે. અલબત્ત, તે માટે અથાગ પ્રયત્ન જરૂરી છે. ખેતરોમાં ઊભા પાકને ઝીબ્રા પારાવાર નુકસાન પહોંચાડે છે. તેથી તેનો શિકાર કરીને પાકને થતું નુકસાન અટકાવવામાં આવે છે.
આ પ્રાણીની વિવિધ જાતિઓ મેળવવા માટે ઘોડા સાથેના તેના સંકરણપ્રયોગો કરવામાં આવ્યા છે. તેમની વચ્ચે આંતરપ્રજનન દ્વારા ઉદભવેલી સંકર જાત ઉપયોગી સાબિત થઈ શકી નથી. ઘોડા, ખચ્ચર કે ગધેડાની સરખામણીમાં તે નિર્બળ પુરવાર થઈ. આ પ્રાણીમાં સામાજિકતા હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં ઘોડા અને ઝીબ્રાને સાથે રાખતાં તેઓમાં મૈત્રી કેળવાયેલી જોવા મળી. આવી જ રીતે ખુલ્લાં જંગલોમાં તે જિરાફ, ચોશિંગા કે શાહમૃગના ટોળા સાથે સાહજિકતાથી ભળી જાય છે. કોઈક ર્દષ્ટાંતોમાં પાલતુ ઢોર સાથે પણ ઝીબ્રાનું સાહચર્ય અનુભવાયું છે.
આ પ્રાણીમાં ગર્ભાવધિકાળ 11થી 13 માસનો જોવા મળે છે. શરીરના કદના પ્રમાણમાં ઝીબ્રાનો આ ગર્ભાવધિકાળ પ્રમાણમાં ટૂંકો કહી શકાય, તેનું કારણ તેનો ગ્રીષ્મ વસવાટ છે. ઠંડા પ્રદેશમાં વસતાં પ્રાણીઓમાં ગર્ભાવધિકાળ લાંબો જોવા મળે છે.
ઝીબ્રાની ઉપર દર્શાવ્યા પ્રમાણેની કેટલીક જાતિઓ પૈકી ગ્રેવી ઝીબ્રા સૌથી મોટા કદનું પ્રાણી છે. તેની ખભા સુધીની ઊંચાઈ 1.75 મીટર હોય છે. તે ખડકાળ વિસ્તારમાં વધુ જોવા મળે છે.
દિલીપ શુક્લ