ઝિયા, મોહિયુદ્દીન (જ. 14 માર્ચ 1929 ઉદયપુર, રાજસ્થાન; અ. 28 સપ્ટેમ્બર 1990) : સુપ્રસિદ્ધ બીનકાર તથા વીસમી સદીના પ્રથમ દસકામાં થઈ ગયેલ ડાગુર બાનીના ઉત્કૃષ્ટ પુરસ્કર્તા સંગીતકાર. તેઓ ઉસ્તાદ ઝાકરુદ્દીનખાનના પૌત્ર તથા ઝિયાઉદ્દીન ડાગરના પુત્ર છે. તેઓ ડાગર પરિવારના અગ્રણી શાસ્ત્રીય સંગીતકાર ગણાય છે. તેમણે સંગીતની શિક્ષા સુપ્રસિદ્ધ ધ્રુપદ ગાયક તથા વીણાવાદક ઉસ્તાદ ઝિયાઉદ્દીન ડાગર પાસેથી પ્રાપ્ત કરી હતી.
તેમણે આત્મસાત્ કરેલ રાગાલાપની મેરુખંડની પ્રણાલી બીનની સુર્દઢ તકનીક પર આધારિત છે. બીનની રચનામાં તેમણે પાયાના સુધારા કર્યા છે, જેને લીધે રુદ્રબીનનો પુનરુદ્ધાર કરવામાં તેમનો મુખ્ય ફાળો ગણાયો છે. ધ્રુપદ ધમારના આલાપ અને ગાયનની રજૂઆત બીન ઉપર કરવામાં તેમણે સફળતા મેળવી છે. બીન એ આલાપ ક્ષેત્રનું ઉત્તમ વાજિંત્ર છે. તેમનો બીન પરનો આલાપ ઉત્તમ કોટિનો ગણાય છે. અદભુત લયકારી દ્વારા જ્યારે તેઓ બીન પર શાસ્ત્રીય રાગોની રજૂઆત કરે છે ત્યારે શ્રોતાઓને વિવિધ રસોથી ભરપૂર એવી અનોખી સંગીતસૃષ્ટિની રચના થવાની અનુભૂતિ થાય છે.
દેશવિદેશમાં કાર્યક્રમો ઉપરાંત તે 1986થી યુરોપ, કૅનેડા તથા અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપતા હતા.
મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના પલાપ્સે ખાતે ધ્રુપદ શૈલીના પ્રોત્સાહન માટે તેમણે એક આશ્રમની સ્થાપના કરી છે. 1990માં તેઓ કાલિદાસ સન્માનથી સન્માનિત થયા હતા તેમ જ સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, રાજસ્થાન સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, મહારાણા કુંભા ઍવૉર્ડથી સન્માનિત થયા હતા.
હ્રષિકેશ પાઠક