જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે ઘોડાને યોગ્ય તાલીમ આપી શકે છે અને તેની પાસેથી ધારેલું કામ પણ લઈ શકે છે. એટલે ઘોડેસવારીમાં જૉકીની ભૂમિકાને પાયાની ગણવામાં આવે છે. વિશ્વ ઑલિમ્પિક રમતોત્સવમાં ઇક્વેસ્ટ્રિયન એટલે કે ઘોડેસવારીની રમતની શરૂઆત 1912માં કરવામાં આવી હતી. સફળ જૉકી બનવા માટે બાળપણથી જ ઘોડા પર તાલીમ લેવાનું જરૂરી છે. યોગ્ય તાલીમ ઉપરાંત ઘોડો કાબેલ અને શીખવનાર અનુભવી હોવો જોઈએ. અમુક અંશે આ રમત જોખમી તેમજ મોંઘી પણ છે. છતાં સતત અને સખત અભ્યાસથી સફળ જૉકી બની શકાય છે.
પ્રભુદયાલ શર્મા