ગીતગોવિન્દ (ઈ. સ. બારમી સદી) : મહાકવિ જયદેવકૃત કાવ્યરચના. સંસ્કૃતના ઊર્મિકાવ્યનો તે ઉત્તમ નમૂનો છે, તેમાં કૃષ્ણની લીલાઓનું અમરગાન પ્રાપ્ત થાય છે. તેનું સ્વરૂપ એકદમ અનોખું છે. તેમાં ઊર્મિગીત અને પદ્યનાટક વચ્ચેનો સુભગ સમન્વય સધાયો જણાય છે, જે તેને અનન્યતા અર્પે છે. રાધા અને કૃષ્ણના અમર પ્રેમના કલાત્મક ગાનરૂપ આ કાવ્યમાં પ્રણય-પરિસ્થિતિઓનાં વર્ણન તથા પ્રણયનાં ઘેરાં ર્દશ્યો નિરૂપતાં શૃંગાર-પ્રધાન કાવ્યોની રચના સાથે એક સંવાદાત્મક અથવા નાટ્યાત્મક આંતરપ્રવાહ વહે છે. એ તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે અને તેથી જ વિલિયમ જોન્સ તેને ‘પ્રાકૃત વાતાવરણના નાનકડા નાટક’ તરીકે ઓળખાવે છે, તો લાસન તેને ‘ઊર્મિપ્રધાન નાટક’ કે ‘સંગીતનાટક’ નામ આપે છે.
ગીતગોવિન્દ બાર સર્ગોમાં વિભાજિત છે તથા તેમાં 24 ગીતો કે અષ્ટપદીઓ છે. સામાન્ય રીતે દરેક ગીતમાં આઠ પદ છે; પણ પહેલા ગીતમાં અગિયાર પદ છે; તો દસમામાં માત્ર પાંચ જ છે. બધા જ સર્ગોનું વિષયવસ્તુ એક જ છે. તેમાં કુલ મળીને 386 શ્લોકો છે. દરેક સર્ગને કોઈ ખાસ નામ આપવામાં આવ્યું છે જેમાં નાયક કૃષ્ણને વિશિષ્ટ વિશેષણથી નવાજ્યા છે; જેમ કે, ‘સામોદ દામોદર’, ‘મુગ્ધ મુકુન્દ’, ‘સાનન્દ ગોવિન્દ’ વગેરે. આ દ્વારા સમગ્ર કૃતિનું શીર્ષક પણ સમજી શકાય છે. ‘ગીતગોવિન્દ’ એટલે ‘ગોવિન્દ કે જેમને વિશે આ કાવ્યમાં ગાવામાં આવ્યું છે’ અથવા ‘ગોવિન્દની પ્રણયકલા ઉપરનાં ગીતો’.
આ ઊર્મિગીતમાં મુખ્ય વિષય છે પ્રેમ. અહીં લૌકિક પ્રેમ દિવ્યપ્રેમમાં ઊર્ધ્વીકૃત થયો છે. તેમાં ઉત્કંઠા, આશા, નિરાશા, રોષ, રિસામણાં, મનામણાં વગેરે ભાવોદ્રેકો પાત્રોનાં વક્તવ્યો રૂપે મૂકીને જયદેવે ઉત્તમ કલાસૂઝ દર્શાવી છે. તેમાં મધુર શબ્દ, રમણીય અર્થ, સુકોમળ ભાવ અને સુમધુર સંગીતનું જે સંવાદમય સાયુજ્ય સધાય છે તે અદભુત છે. ભાવાત્મક તેમજ સાહિત્યિક બંને ર્દષ્ટિએ ગીતગોવિન્દ અતિ ઉત્તમ કૃતિ છે જે વિશિષ્ટ સ્વરૂપે અનુપમ સૌંદર્યને સાકાર કરે છે.
તપસ્વી નાન્દી