અર્થોપક્ષેપક : ભારતીય નાટ્યશાસ્ત્ર અનુસાર અભિનીત ન કરી શકાય તેવા વસ્તુનું સૂચન કરતી નાટ્યપ્રયુક્તિ (dramatic device). અભિનયના ઔચિત્યની દૃષ્ટિએ નાટક આદિ રૂપકોનું કથાવસ્તુ અભિનેય અને સૂચ્ય એમ બે ભાગમાં વહેંચાય છે. બે ક્રમિક અંકોની ઘટનાઓની વચ્ચે વીતેલા લાંબા સમયગાળા દરમ્યાન બનેલી ઘટનાઓ કે કોઈ અંકમાં અભિનીત કથાવસ્તુ પછી તરતમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ વસ્તુસાતત્ય જાળવવા સારુ કરવો પડે છે. વધ, કોઈને બંધનમાં મૂકવો, હિંસા, યુદ્ધ, કામકેલિ વગેરે અરુચિકર કે અનુચિત હોવાથી અભિનીત ન કરી શકાય, પણ વસ્તુસાતત્યની દૃષ્ટિએ સૂચવવાં પડે. આવા વસ્તુનું સૂચન કરવા સારુ પ્રયોજાતી નાટ્યપ્રયુક્તિ તે અર્થોપક્ષેપક. અર્થનો ઉપક્ષેપ એટલે કે કથાવસ્તુની રજૂઆત કથન દ્વારા થાય તે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓ વિષ્કંભક, પ્રવેશક, ચૂલિકા, અંકાવતાર અને અંકાસ્ય એમ પાંચ અર્થોપક્ષેપકો ગણાવ્યા છે.
કથાવસ્તુની થઈ ગયેલી કે થવાની સૂચ્ય ઘટનાઓ વિષ્કંભક, પ્રવેશક કે ચૂલિકા એ ત્રણ ઉપક્ષેપકો વડે સૂચવાય છે. વસ્તુસૂચન કરનાર એક કે બે મધ્યમ કોટિનાં પાત્રો સંસ્કૃત ભાષાનો વ્યવહાર કરતાં હોય તેવો ઉપક્ષેપક વિષ્કંભક કહેવાય. જો એક પાત્ર મધ્યમ અને બીજું પાત્ર નીચ કોટિનું હોય તથા સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનો મિશ્ર વ્યવહાર થયો હોય તો તે મિશ્ર વિષ્કંભક કહેવાય. વિષ્કંભક નાટ્યની પ્રસ્તાવના પછી પ્રથમ અંક શરૂ થતાં પહેલાં અથવા કોઈ પણ બે અંકોની વચ્ચે આવી શકે. પ્રથમ અંક પહેલાં આવનાર વિષ્કંભકનાં પાત્રોનું સૂચન પ્રસ્તાવનામાં થયું હોવું જોઈએ. જો સૂચન કરનાર એક પાત્ર કે બે પાત્રો પ્રાકૃત ભાષાનો વ્યવહાર કરતાં હોય તો તે પ્રવેશક કહેવાય. પ્રવેશક પ્રથમ અંકના આરંભે ન આવે. બંનેય ઉપક્ષેપકોમાં પાત્રો રંગભૂમિ પર પ્રવેશીને વસ્તુસૂચન કરે. ચૂલિકામાં પાત્ર રંગભૂમિ પર ન પ્રવેશે, પણ નેપથ્યમાંથી જ સંસ્કૃત કે પ્રાકૃતમાં બોલીને વસ્તુસૂચન કરે. કોઈ એક અંક પૂરો થતા પહેલાં, રંગભૂમિ પર પ્રવેશેલાં પાત્રો, ત્યારપછીના અંકમાં આવનારી ઘટનાઓનું સૂચન કરતાં હોય ત્યારે એ સૂચનમાંથી નવો અંક અવિભક્તપણે ઊતરી આવતો હોવાથી તે પ્રયુક્તિ અંકાવતાર કહેવાય. અંક પૂરો થતાં પહેલાં પૂર્વપ્રવિષ્ટ પાત્રો સિવાયનાં નવાં પ્રવેશેલાં પાત્રો તે પછીના અંકમાં આવતી ઘટનાઓનું સૂચન કરે અને સૂચિત પાત્રો તે અંકમાં આવતાં હોય તેથી કથાવસ્તુ સળંગ સૂત્રે જોડાયેલું લાગે તેવી પ્રયુક્તિ તે અંકાસ્ય અથવા આરંભના જ અંકમાં પછીના અંકોની સર્વ ઘટનાઓનો બીજ રૂપે ઉલ્લેખ થાય તે પણ અંકાસ્ય કહેવાય. અંકાસ્ય એટલે અંકનું મુખ, પશ્ચાદવર્તી અંકનો આરંભ.
નટવરલાલ યાજ્ઞિક