ગિલગૂડ, (આર્થર) જ્હૉન (જ. 14 એપ્રિલ 1904, સાઉથ કોન્સિંટન, લંડન; અ. 21 મે 2000, વૉટન અન્ડરવૂડ, બકિંગહામશાયર, ઇંગ્લૅન્ડ) : જગપ્રસિદ્ધ અંગ્રેજ નટ અને દિગ્દર્શક. એલન ટેરી નામનાં મશહૂર અભિનેત્રીના પ્રપૌત્ર. રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટ અને લેડી બેન્સનની તાલીમ પછી તેમણે 1921થી ઑલ્ડવિક થિયેટરમાં કામ શરૂ કર્યું. શેક્સપિયરના ‘હેન્રી ધ ફિફ્થ’માં ‘હેરોલ્ડ’ના પાત્રમાં કામ કર્યું. પછી પ્રશિષ્ટ નાટ્યકૃતિઓના ઉત્તમ નટ તરીકે તેમની ગણના થવા લાગી. લોકચાહના સાથે ખરી ખ્યાતિ તો 1932માં ‘રિચર્ડ ઑવ્ બોરડો’ની ભૂમિકાની સફળતાથી પ્રાપ્ત થઈ; આ નાટકનું દિગ્દર્શન પણ તેમણે કર્યું હતું. તેમના પ્રશંસાપાત્ર ગુણોમાં પ્રેક્ષકોને ગમી જતી તેમની દેહયષ્ટિ, ખુશખુશાલ મુખાકૃતિ, સહુ કોઈનું ધ્યાન આકર્ષતી તેમની ભાવપ્રદર્શન કરતી અભિનયની શક્તિ વગેરે છે. વાચિક અભિનયની તેમની અદભુત શક્તિ એ એમની અભિનય-મેધા છે. શેક્સપિયરનાં નાટકોનું કાવ્યપઠન એ ગિલગૂડની આગવી શક્તિ ગણાય છે. તેમણે શેક્સપિયરનાં અનેક પાત્રો ભજવ્યાં છે. રોમિયો, મૅક્બેથ, માર્ક ઍન્ટની, રિચાર્ડ ત્રીજો; પરંતુ ‘હૅમ્લેટ’નું તેમનું પાત્રસર્જન એ એમની અભિનયસિદ્ધિનું ચરમબિંદુ ગણાય છે. અભિનય કારકિર્દી દરમિયાન તેમણે હૅમ્લેટનું પાત્ર 500થી વધુ વાર ભજવ્યું છે. કેટલાક વિવેચકો તો તેમને વીસમી સદીના ઉત્તમ નટ ગણે છે. લંડન અને ન્યૂયૉર્કમાં ‘હૅમ્લેટ’ તેમની સુંદર અભિનયકૃતિરૂપે જનતાની પ્રશંસા પામ્યું છે. શેક્સપિયરનાં નાટકો ઉપરાંત તેમણે ‘લવ ફૉર લવ’, ‘થ્રી સિસ્ટર્સ’, ‘ચેરી ઑર્ચર્ડ’, ‘ધ ઇમ્પોર્ટન્સ ઑવ્ બીઇંગ અર્નેસ્ટ’, ‘ધ લેડી ઇઝ નૉટ ફૉર બર્નિંગ’ (1949) વગેરેમાં નોંધપાત્ર અભિનય આપ્યો છે. કરુણાન્ત નાટકોમાંના કારુણ્યસભર પાત્રાલેખનમાં એમણે અપૂર્વ સિદ્ધિ હાંસલ કરી હોવા છતાં, હાસ્યનટ તરીકે પણ તેમણે કાગ્રિવ, શેરિડન, ઑસ્કર વાઇલ્ડ વગેરેનાં નાટકોમાં સફળતા મેળવી છે. 1939માં છપાયેલી ‘અર્લી સ્ટેજીઝ’ આત્મકથામાં તેમણે તત્કાલીન રંગભૂમિ અને પ્રજામાનસનું દર્શન કરાવ્યું છે. ગિલગૂડે રેડિયો તથા ટી.વી. મારફત પણ ઉત્તમ કલાકૃતિઓ ભજવી છે.
જ્હૉન ગિલગૂડની સિને અભિનેતા તરીકેની કારકિર્દીનો આરંભ 1924માં ‘હુ ઇઝ ધ મૅન’થી થયો; પણ એમાંય શેક્સપિયરના ‘જુલિયસ સીઝર’માં ખલનાયક કૅશિયસની ભૂમિકા (1953) અને જુલિયસ સીઝરની ભૂમિકા (1970) ખૂબ નોંધપાત્ર રહી. અન્ય ચિરસ્મરણીય ભૂમિકાઓ તે ‘બેકેટ’ નાટક પરથી તૈયાર થયેલ ફિલ્મ (1964) અને ‘આર્થર’(1981)માંની સહાયક ભૂમિકાઓ; એમાંય ‘આર્થર’માંની ભૂમિકા માટે તો તેમને ઑસ્કાર એકૅડેમી ઍવૉર્ડ એનાયત થયો હતો.
સ્તાનિસ્લાવ્સ્કીના સર્જનાત્મક અભિનય વિશેના પુસ્તકની એક આવૃત્તિ ગિલગૂડની પ્રસ્તાવના સાથે પ્રગટ થઈ છે. તેમાં અભિનયકલા વિશે તેમણે પ્રગટ કરેલાં તારણો તથા સૂચનાઓ અતિ મહત્વનાં છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગિલગૂડ બ્રિટિશ નાટ્યમંડળ (એન્સા) માટે નાટકો ભજવવા વિશ્વપ્રવાસે નીકળેલા અને 1946માં મુંબઈના એક્સેલસિયર થિયેટરમાં ‘હૅમ્લેટ’ ભજવેલું. તે ભારત આવેલા તેનું વર્ણન તેમની આત્મકથામાં લખાયું છે. 1953માં એમને બ્રિટિશ સરકારે સરનો ખિતાબ આપી બહુમાન કર્યું હતું.
જશવંત ઠાકર
ઉષાકાન્ત મહેતા