ગાંધી, રાજીવ (જ. 10 ઑગસ્ટ 1944, મુંબઈ; અ. 21 મે 1991, શ્રીપેરામ્બદુર, તામિલનાડુ) : ભારતના સૌથી યુવાન વડાપ્રધાન, આર્થિક ઉદારીકરણની નીતિની શરૂઆત કરનાર તથા નવી ટૅક્નૉલૉજીને આવકારીને ભારતને એકવીસમી સદીમાં પ્રવેશ કરાવવાની ઉમેદ રાખનાર નેતા. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંકળાયેલા કુટુંબમાં તેમના વડદાદા મોતીલાલ નહેરુ, તેમના નાના જવાહરલાલ નહેરુ, માતા ઇન્દિરા ગાંધી અને પિતા ફિરોઝ ગાંધી હતા.

રાજીવ ગાંધી

તેમનો પ્રાથમિક અભ્યાસ નવી દિલ્હી અને ઉચ્ચ અભ્યાસ દેહરાદૂનની દૂન સ્કૂલમાં થયો હતો. બ્રિટનમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમનાં લગ્ન 1968માં ઇટાલિયન સોનિયા મેઇનો સાથે થયાં. તેમનાં બે સંતાનોમાં પુત્ર રાહુલ અને પુત્રી પ્રિયંકા છે.

રાજીવ ગાંધી ભારતીય વિમાની દળમાં પાયલટ તરીકે 1968માં જોડાયા અને 1981 સુધી તે કામગીરીમાં વ્યસ્ત રહ્યા. 1980થી સક્રિય રાજકારણમાં આવ્યા અને જીવનના અંત સુધી રહ્યા.

તેઓ વિદ્યાર્થી અવસ્થાથી નમ્ર અને સંવેદનશીલ હતા. શાળામાં અનેક પ્રવૃત્તિઓમાં રસ લેતા. ચિત્રકળા અને ફોટોગ્રાફી તેમના શોખના વિષયો હતા, સંગીતના આશક હતા. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી તેમના પ્રિય વિષયો હતા. શ્રમનો મહિમા તેઓ ફિરોઝ ગાંધી પાસેથી શીખ્યા. ફિરોઝ ગાંધીએ પોતાના નિવાસસ્થાને એક નાનકડી પ્રયોગશાળા બનાવી હતી, જે પાછળથી ‘આનંદભવન’ નહેરુના નિવાસસ્થાને લઈ જવામાં આવી હતી. રાજીવ અને સંજય ગાંધી તેનો ઉપયોગ કરતા. ઇંગ્લૅન્ડમાં મરીન એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન પોતાની આજીવિકા માટે નોકરી કરતા. પાયલટના વ્યવસાય દરમિયાન તેઓ પોતાની જાતને ‘કૅપ્ટન રાજીવ’ તરીકે ઓળખાવતા, નહિ કે વડાપ્રધાનના પુત્ર. તેમના મૃદુ સ્વભાવથી તે લોકપ્રિય રહ્યા. તેમના વર્તનમાં અહમ્ કે તોછડાઈ હતી નહિ.

1980ની લોકસભાની સામાન્ય ચૂંટણીથી તેમણે સક્રિય રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. કૉંગ્રેસ(ઇ.)ના યુવા કાર્યકરો સાથે તેમની માતા ઇન્દિરા ગાંધી તથા નાના ભાઈ સંજયના ચૂંટણી પ્રચારમાં જોડાયા અને વિવિધ મતવિસ્તારોનો સઘન પ્રવાસ કર્યો. 1980માં સંજય ગાંધીનું આકસ્મિક અવસાન થતાં, તેઓ ઇન્દિરા ગાંધીની પડખે રહ્યા અને માતાને મદદરૂપ બન્યા. રાજકારણની કેટલીક બાબતો અંગે તે સૂગ ધરાવતા; પરંતુ 1981માં અમેઠી(ઉ.પ્ર.)માં પેટા ચૂંટણી લડ્યા, જેમાં તેમનો 3,37,000 મતથી વિજય થયો હતો. આ બેઠક તેમના લઘુબંધુ સંજયના અવસાનથી ખાલી પડી હતી. 1983માં તેઓ કૉંગ્રેસ(ઇ.)ના મહામંત્રી બન્યા અને પોતાની છાપ ‘મિ. ક્લીન’ તરીકે ઉપસાવી. તેમની સાથે દૂન-સ્કૂલના થોડાક મિત્રો રાજકારણમાં આવ્યા.

31 ઑક્ટોબરે (1984) ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થતાં તે સાંજે રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન થયા અને કૉંગ્રેસ(ઇ.)ના પ્રમુખનો હોદ્દો સંભાળ્યો. બે મહિનામાં જ ડિસેમ્બર 1984માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી. તેઓ ફરી અમેઠીમાંથી 3.14 લાખ મતથી વિજયી બન્યા. આ ચૂંટણીમાં ‘રાજીવ કરિશ્મા’ના કારણે કૉંગ્રેસ(ઇ.)એ લોકસભાની અગાઉની ચૂંટણીઓ કરતાં સૌથી વધુ બેઠકો (401 બેઠકો) મેળવી.

વડાપ્રધાન તરીકે તેમણે પંજાબ, આસામ, મિઝોરમ, ત્રિપુરા તથા દાર્જિલિંગની સમસ્યાઓ સફળતાપૂર્વક હલ કરી અને દેશનાં અનેક સ્થળોએ પ્રવાસ કર્યો. આ ચૂંટણીમાં તેમણે પક્ષના પ્રમુખના નાતે પિસ્તાલીસ ટકા બેઠકો યુવાન ઉમેદવારોને ફાળવી. કૉંગ્રેસ (ઇ.) પક્ષને ચેતનવંતો રાખવા પ્રયત્ન કર્યા. યુવક કૉંગ્રેસ, મહિલા કૉંગ્રેસ, સેવાદળ, ઇન્દિરા ગાંધીના 20 મુદ્દાના કાર્યક્રમનો અમલ; લઘુમતી, અનુસૂચિત જાતિ અને જનજાતિ, દલિત અને શોષિત વર્ગના કાર્યકરો માટેની શિબિરનું આયોજન, પક્ષની અંદર આંતરિક ચૂંટણીઓ અને નિમ્ન સ્તર સુધી પક્ષની પુન: રચના માટેના પ્રયાસો કર્યા.

રાષ્ટ્રને વિભાજિત કરતાં બાહ્ય અને આંતરિક પરિબળોના સંદર્ભમાં રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકે રાષ્ટ્રજોગ વાયુપ્રવચનમાં જણાવ્યું કે ‘માત્ર એક જ ભારત છે, જે આપણા સૌનું છે.’ તેઓની મહેચ્છા વિશ્વમાં ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉપસાવવાની હતી. તેમના વિચારોમાં એકવીસમી સદીના ભારતનું રેખાંકન હતું.

1985-86માં મંત્રીમંડળના કેટલાક અગત્યના નેતાઓ સાથે મતભેદ થયા. પંજાબ, આસામ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ(ઇ.)ની હાર થઈ. આંધ્ર, કર્ણાટક, કેરળ, હરિયાણા જેવાં રાજ્યોમાં પણ કૉંગ્રેસ(ઇ.)ની પ્રતિભા ઝંખવાતી ગઈ. તેમના નાણાપ્રધાન રાજીવના વિકલ્પ તરીકે ઊપસતા ગયા. તામિલ ઉગ્રવાદીઓ સામે શ્રીલંકામાં શાંતિનું નિર્માણ કરવા ભારતનું લશ્કર મોકલવાનો નિર્ણય અને ત્યાં ઉગ્રવાદીઓ સાથેના સંઘર્ષમાં ભારતના સૈનિકોની ખુવારીના કારણે રાજીવ ગાંધીની નેતાગીરી અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ. વિરોધપક્ષ દ્વારા બૉફોર્સ સોદાના કૌભાંડમાં તેમનું નામ સંડોવવામાં આવ્યું હતું. તેમની સામે પડકારો ઊભા થયા. કૉંગ્રેસ(ઇ.)ના સંસદ સભ્યોમાં મોટું વિભાજન થાય નહિ તે હેતુથી ‘પક્ષપલટા’ વિરોધી બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો.

રાષ્ટ્રમાં મહિલાઓના વિકાસના સંદર્ભમાં તેમણે મહિલાઓ માટે રાષ્ટ્રીય વિકાસ યોજના અને સ્વરોજગારી કરતી મહિલાઓ માટે એક પંચ રચવાની યોજના અપનાવી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તથા ગરીબીનિવારણ યોજનાઓમાં મહિલાઓને ત્રીસ ટકા પ્રતિનિધિત્વ આપવાનો નિર્ધાર કર્યો. હરિજન અને આદિવાસીઓ માટેની નોકરીઓમાં અનામત જગ્યા અંગેની નીતિમાં નોંધપાત્ર સુધારો લાવ્યા. અનામત માટેની સુરક્ષિત જગ્યા બિનઅનામત ન કરવા નિર્ણય લીધો. લખનૌમાં ડૉ. આંબેડકર યુનિવર્સિટીની રચના કરી. અનુસૂચિત જાતિ તથા જનજાતિ માટે રાષ્ટ્રીય નાણાં અને વિકાસ નિગમની સ્થાપના કરી. આ વર્ગો માટે ઇન્દિરા આવાસ યોજના અને કુટિર જ્યોતિ યોજનાનું નિર્માણ કર્યું.

ગ્રામીણ વિસ્તાર માટે પીવાના પાણીના પ્રશ્નને અગ્રતા આપી. ગ્રામીણ વિકાસના કાર્યક્રમને વેગ આપવા માટે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓને આ કાર્યમાં જવાબદારી સોંપવામાં આવી. સરકારી તંત્ર મારફત આ પ્રકારની કામગીરી કરવાની સાથે, સમાજનાં અન્ય સ્વૈચ્છિક અને સામાજિક સંગઠનોને સામેલ કરવામાં આવ્યાં. આ ઉપરાંત ગરીબોને અનાજ, ગ્રામીણ મજૂરોને લઘુતમ વેતન અંગેના ધારાઓ અને બંધવા મજૂરોની મુક્તિ જેવા કાર્યક્રમો અપનાવ્યા.

પંચાયતી રાજ અને નગરપાલિકા ધારામાં પાયાના ફેરફારો કરવામાં આવ્યા. તેમાં લાંબા સમય સુધી અધિકારી શાસનના સ્થાને લોકપ્રતિનિધિઓનું શાસન રહે તેવા ફેરફારો સૂચવ્યા. દર પાંચ વરસે તેની ચૂંટણીઓ થાય તેવા સુધારા દાખલ કર્યા. લોકોના હાથમાં સત્તા રહે તેવો તેમાં ઉદ્દેશ હતો.

તેમના શાસનકાળ દરમિયાન ભારતના રાષ્ટ્રપ્રમુખનું બંધારણીય સ્થાન કેવા પ્રકારનું જોઈએ તે અંગે વિવાદ પેદા થયો, જેમાં તે સમયના રાષ્ટ્રપ્રમુખ અને તેમની વચ્ચેના મતભેદો બહાર આવ્યા.

દેશમાં તેમજ વિદેશ વેપારક્ષેત્રમાં ઉદારીકરણની નીતિની શરૂઆત કરી તેમજ ઔદ્યોગિક નીતિમાં સરકારીકરણની માત્રામાં તેમણે ઘટાડો કર્યો અને ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા યોજનાઓ કરી. રાષ્ટ્રીય કરવેરાના માળખામાં વિકાસલક્ષી પરિવર્તન કર્યું. વિશ્વ બૅંક અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ મારફત રાજીવ ગાંધીની આર્થિક નીતિઓને સમર્થન આપવામાં આવ્યું. વિશ્વ બૅંકના અભિપ્રાય પ્રમાણે ભારતનું સ્થાન ઝડપથી વિકાસ પામતાં આર્થિક રાષ્ટ્રોની હરોળમાં હતું.

દેશમાં શિક્ષણક્ષેત્રે નવી શિક્ષણનીતિ (1986) રજૂ કરી. નવોદિત વિદ્યાલયોની યોજના, સાક્ષરતા અભિયાન કાર્યક્રમ, સાંસ્કૃતિક ક્ષેત્રમાં ‘અપના ઉત્સવ’ અને ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ જેવા કાર્યક્રમોનું આયોજન થયું. ‘ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ’ની સ્થાપના કરી. પર્યાવરણને અનુલક્ષીને ‘રાષ્ટ્રીય પર્યાવરણ અને વનવિભાગ’ની રચના કરી, જે વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થિત પર્યાવરણની જાળવણી સંભાળે એવી યોજના છે. ભારતમાં ‘કમ્પ્યૂટર યુગ’ની શરૂઆત એ રાજીવ ગાંધીની નીતિઓનું એક મહત્વનું પ્રદાન છે. સાતમી પંચવર્ષીય યોજનામાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં કમ્પ્યૂટર ટૅક્નૉલૉજીને સવિશેષ અગત્ય આપવામાં આવી.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા વિશ્વના દેશોમાં ભારતની ભૂમિકા વિશે તેઓ જાગ્રત હતા. ‘બિન-જોડાણવાદી સંગઠન’ રાષ્ટ્રો પૈકી ત્રીજા વિશ્વના દેશોમાં ભારત પ્રથમ પંક્તિમાં રહે તેવા તેઓ પ્રયાસો કરતા. અણુનિ:શસ્ત્રીકરણના કાર્યક્રમને નક્કર સ્વરૂપ આપવા તેમણે નવી દિલ્હીમાં છ રાષ્ટ્રોની બેઠક યોજી, જેમાં સ્વીડન, ગ્રીસ, મેક્સિકો, તાંઝાનિયા, આર્જેન્ટિના અને ભારત હતાં. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને રાષ્ટ્રસમૂહની બેઠકોમાં વિશ્વ જે રીતે લશ્કરી જૂથોમાં આકાર પામ્યું, તે પ્રત્યે તેઓ સંવેદનશીલ રહ્યા હતા. વિશ્વને નવી આર્થિક વ્યવસ્થા તરફ દોરવા, વિજ્ઞાન દ્વારા નવો ઓપ આપવા તેઓ પ્રયત્નશીલ રહ્યા.

દક્ષિણ એશિયામાં પ્રાદેશિક, આર્થિક, સાંસ્કૃતિક તથા ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં સહકારની ભૂમિકા ઊભી કરવા સાત રાષ્ટ્રોનું મંડળ ઊભું કરવામાં આવ્યું. સાર્ક (સાઉથ એશિયન ઍસોસિયેશન ફૉર રીજનલ કૉ-ઑપરેશન–SAARC). આ સભ્ય રાષ્ટ્રો વચ્ચે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી નવી વ્યવસ્થા મારફત સહકાર દ્વારા વિકાસનું માળખું ઊભું કરવાનો તેનો ઉદ્દેશ હતો.

1989ની ચૂંટણીઓના પ્રચાર દરમિયાન તેમનો કરિશ્મા ટક્યો નહિ અને કૉંગ્રેસ(ઇ.)ની હાર થઈ; પરંતુ લોકસભામાં સૌથી વધુ બેઠક કૉંગ્રેસ(ઇ.)ની હતી. તેના નેતા રાજીવ ગાંધીને રાષ્ટ્રપ્રમુખે સરકાર રચવા આમંત્રણ આપ્યું, જેનો તેઓએ અસ્વીકાર કર્યો અને લોકસભામાં વિરોધપક્ષના નેતા બન્યા અને બે વરસ સુધી તે સ્થાને રહ્યા. આ બે વરસમાં વિપક્ષોની બે સરકારો રચાઈ અને તૂટી પડી. પરિણામે 1991માં મધ્યસત્ર ચૂંટણી આવી. તે અગાઉ તેમના ઉપર બે વખત જીવલેણ હુમલાઓ થયા હતા. 1986માં દિલ્હી અને 1987માં શ્રીલંકાની મુલાકાત સમયે. 21 મે 1991, રાત્રે 10–20 વાગ્યે તામિલનાડુમાં લોકસભાની ચૂંટણીની પ્રચારસભામાં તમિળ વ્યાઘ્ર ઉગ્રવાદી મહિલાના માનવબૉમ્બથી તેમની હત્યા કરવામાં આવી. હૈદરાબાદ ખાતેના અદ્યતન આંતરરાષ્ટ્રીય વિમાનમથકને તેમનું નામ આપવામાં આવ્યું છે.

નરેન્દ્ર અ. પુરાણી