ગાલ્ટુંગ, જોહાન
January, 2010
ગાલ્ટુંગ, જોહાન (જ. 24 ઑક્ટોબર 1930, ઑસ્લો, નૉર્વે) : શાંતિ-સંશોધનના વિષયનું આંતરવિદ્યાકીય સ્વરૂપ, તેનો વ્યાપ, અગત્ય અને તેનાં વિવિધ પરિમાણોનું નિરૂપણ કરી તેને કાયમી સ્થાન આપનાર તેમજ તેમાં પહેલ કરી યશસ્વી પ્રદાન કરનાર નૉર્વેના વિદ્વાન. પિતા ડૉક્ટર હતા અને બીજા વિશ્વયુદ્ધ(1939–1945)ના સમયે જર્મનોના નજરકેદી હતા અને તેમની બંને બહેનો સ્વીડનમાં નિર્વાસિત બનીને રહેલી. અંતરાત્માના અવાજને અનુસરીને યુદ્ધનો વિરોધ કરનાર તરીકે તેમણે 6 માસ જેલવાસ વેઠેલો. ફરજિયાત લશ્કરી તાલીમના વિરોધનું કારણ આપતાં પોતે શાંતિનો અભ્યાસ કરવા માગે છે એમ દર્શાવેલું. 1953માં તેમણે રશિયાની મુલાકાત લીધી હતી.
યુદ્ધ પછી જ્યારે નૉર્વેની મજૂર સરકારે કેરળના મત્સ્યઉદ્યોગને સહાય આપવાનું નક્કી કર્યું, ત્યારે ભારત પાસેથી ‘શું મેળવીશું ?’ના જવાબમાં જોહાનના શિક્ષક અર્ને નેસે ગાંધીવિચારથી પરિચિત બનવાનું સૂચન કર્યું. તેને પરિણામે ગાલ્ટુંગે નૉર્વેજિયન ભાષામાં ગાંધીજીના રાજકારણ અને નીતિશાસ્ત્ર ઉપર પુસ્તક પ્રગટ કર્યું. આ પછી તેમણે ગણિત અને સમાજશાસ્ત્ર એમ બંને વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી અને ઑસ્લોમાં આંતરરાષ્ટ્રીય શાંતિસંશોધન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી.
નૉર્વેની બહાર ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટી દ્વારા કામ કરવાનું પહેલું આમંત્રણ તેમને મળ્યું. તેમાં તેમને સમાજશાસ્ત્રના વ્યાખ્યાતાની જગ્યા આપવામાં આવી. ત્યાર બાદ સમાજવિદ્યાઓની સંશોધનપદ્ધતિ વિશે તાલીમ આપવા તેમને ચિલીની સાન્ટિયાગો યુનિવર્સિટીનું આમંત્રણ મળ્યું. શાંતિના અભ્યાસ અંગેના તેમના અભિગમની કદર કરતાં યુનેસ્કોએ તેમને જાપાનમાં ટૅક્નૉલૉજીના આદાનપ્રદાનના અભ્યાસ માટે મોકલ્યા.
શાંતિસંશોધન અને તે અંગેના સમગ્ર કાર્યમાં તે ગાંધીવિચારથી ખૂબ પ્રભાવિત થયા છે. જુલમ અને શોષણને હિંસાની અભિવ્યક્તિ કહીને ગાંધીજીએ હિંસા વિશેની ઊંડી સમજ બતાવી છે. આ માર્ગે આગળ ચાલીને ગાલ્ટુંગે સમાજગત (structural) હિંસાની વિભાવના આપી છે, જે સર્વસ્વીકૃત બની છે. ગાલ્ટુંગને માટે સત્યાગ્રહની પદ્ધતિની હૃદયસ્પર્શી બાજુ એ હતી કે તેમાં શોષક અને જુલમ ગુજારનારને ગાંધીજી પોતાના ભાવિ મિત્ર તરીકે ગણતા. સંઘર્ષના સંચાલનમાં અને તેના ઉકેલમાં સત્યાગ્રહ એક મૌલિક પ્રદાન હતું. એથી પણ વિશેષ ગાંધીજીએ સંઘર્ષની સાથે રચનાત્મક કાર્યને જોડ્યું, તે ગાલ્ટુંગ માટે ભાવિ વિશેની આશાનું દ્યોતક હતું. ટૂંકમાં ગાંધીજીની ર્દષ્ટિ, સમજ અને કાર્યમાં ગાલ્ટુંગે શાંતિસંશોધનનો આદર્શ, શાંતિપ્રિય અને કર્મઠ નાગરિક જોયો.
ગાંધીજીને કેન્દ્રમાં રાખવાની સાથે ગાલ્ટુંગે બીજા બે અભિગમ સ્વીકાર્યા છે : એક, શાંતિ-અશાંતિના ખ્યાલને વૈશ્વિક સંદર્ભમાં તપાસવો, જોવો અને મૂલવવો. બીજું, સમાજના અદનામાં અદના માનવીને કેન્દ્રમાં રાખીને શાંતિસંશોધનનાં વિવિધ પાસાંને તપાસવાં.
ગણિત અને સમાજશાસ્ત્રમાં પ્રાવીણ્ય મેળવેલું હોવાથી ગાલ્ટુંગ તેના સંશોધનકાર્યમાં પૃથક્કરણની સાથે સ્પષ્ટ અને સુરેખ દર્શન કરાવી શકે છે. ઉપરાંત તે યુરોપની લગભગ બધી જ ભાષાઓ જેવી કે નૉર્વેજિયન, અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, સ્પૅનિશ, ઇટાલિયન ઉપરાંત થોડું રશિયન જાણે છે.
ગાલ્ટુંગના મતે શાંતિસંશોધન ઘણા વિષયોના જ્ઞાનની અપેક્ષા રાખે છે અને તેમાં ઇતિહાસ, રાજકારણ, અર્થકારણ અને માનવશાસ્ત્ર તેમજ સમાજકારણની સાથે માનસશાસ્ત્ર અને વિવિધ ધર્મોના મતમતાંતરો પણ જાણવાં આવશ્યક છે એમ તેમનું કહેવું છે. ઉદાહરણ તરીકે, છેલ્લાં 2500 વર્ષોનો ઇતિહાસ તપાસીને જુદી જુદી સભ્યતાઓનો અભ્યાસ કરીને ગાલ્ટુંગે બ્રહ્માંડમીમાંસા(cosmology)ને આધારે શાંતિને મળતા પ્રધાન કે ગૌણ સ્થાનનું અન્વેષણ કરેલું છે.
ગાલ્ટુંગે કરેલાં સંશોધનો અને તેની ભૂમિકા ઉપરથી ઊપસેલાં સૂચનોની અસરો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર થવા પામી છે. જર્મનીની ગ્રીન પાર્ટી અહિંસાને પ્રાધાન્ય આપે છે અને પર્યાવરણના પ્રશ્નો કેન્દ્રમાં રાખે છે. તેમાં ગાલ્ટુંગે અગ્રભાગ ભજવ્યો છે. યુરોપના એકીકરણના પ્રશ્નમાં, યુદ્ધને દેશવટો આપી શાંતિની ખોજ કરવાના વિવિધ પ્રયત્નો ઉપર ગાલ્ટુંગના ચિંતનની અસરો જોવા મળે છે. ઠંડા યુદ્ધની પૂર્ણાહુતિ, ગૉર્બાચૉવે અપનાવેલી નવી નીતિ વગેરેમાં તેમના વિચારો એક યા બીજા સ્વરૂપે અપનાવવામાં આવ્યા છે.
તેમની યશસ્વી કારકિર્દીમાં તે નૉર્વે ઉપરાંત જર્મની, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, ફિનલૅન્ડ, ઇટાલી, સ્પેન, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે દેશોમાં પ્રોફેસરપદે રહ્યા છે. એ ઉપરાંત અમેરિકા, જાપાન અને યુનોની વિવિધ શાખા-પ્રશાખાઓમાં તેમની સેવા લેવામાં આવી છે. 1981–82ની યુનોની નિ:શસ્ત્રીકરણ માટેની ખાસ સામાન્ય સભામાં તેમણે સલાહકાર તરીકે કામગીરી બજાવી હતી. આફ્રિકામાં યુગાન્ડા તથા ઇજિપ્તની કૅરો યુનિવર્સિટીમાં તેમણે કાર્ય કરેલું છે. ભારતની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના શાંતિસંશોધન કેન્દ્ર સાથે પણ તે સંકળાયેલા રહ્યા છે. 1993નો જમનાલાલ બજાજ ઍવૉર્ડ (ગાંધીજી વિશે કાર્ય કરનાર વિદેશી તરીકે) તેમને અપાયો છે; તે સાથે નોબેલ પારિતોષિકના વિકલ્પે અને સમકક્ષ રાઇટ લાઇવલીહુડ ઍવૉર્ડ પણ તેમને આપવામાં આવ્યો છે.
આ વિદ્વાને હજારોની સંખ્યામાં લેખો લખ્યા છે. નૉર્વેના શાંતિસંશોધન કેન્દ્રના તે સ્થાપક છે અને તેના સામયિક તરીકે ‘જર્નલ ઑવ્ પીસ રિસર્ચ’ પણ તેમણે જ શરૂ કરેલું છે. શાંતિના ખ્યાલને બૃહત્ પરિપ્રેક્ષ્યમાં મૂકીને તેમણે માનવજીવનનાં લગભગ બધાં જ પાસાંને આવરી લેતા ગ્રંથો અને લેખો પ્રસિદ્ધ કર્યા છે. રાજકારણ, અર્થકારણ, માનવઅધિકારો, શિક્ષણ, આત્મનિર્ભરતા અને વિકાસને લગતા વિવિધ પ્રશ્નો તેમજ દુનિયાના ભાવિને સ્પર્શતા તેમના લેખો ધ્યાનાકર્ષક બન્યા છે. તેમનાં જાણીતાં પુસ્તકોમાં ‘કૉસ્મોલૉજી ઍન્ડ સિવિલાઇઝેશન થિયરી’, ‘ધ સ્ટ્રગલ ફૉર પીસ’, ‘પીસ રિસર્ચ એજ્યુકેશન’, ‘ધ વે ઇઝ ધ ગોલ – ગાંધી ટુ ડે’ (નવજીવન, 1992), ‘બુદ્ધિઝમ – એ ક્વેસ્ટ ફૉર યુનિટી ઍન્ડ પીસ’, ‘ધ ટ્રુ વર્લ્ડ્ઝ – એ ટ્રાન્સનૅશનલ પર્સ્પેક્ટિવ’ વગેરે નોંધપાત્ર છે.
દેવવ્રત પાઠક