ગવૈયા, પૂરણચંદ્ર
January, 2010
ગવૈયા, પૂરણચંદ્ર (જ. 12 જુલાઈ 1929, હરિયાણા; અ. 29 ડિસેમ્બર 1991, અમદાવાદ) : મેવાતી ઘરાનાના શાસ્ત્રીય સંગીતકાર. જન્મ જાણીતા ગાયક કુટુંબમાં. પિતા પંડિત જ્યોતિરામજી મેવાતી ઘરાનાના ઉચ્ચ કોટિના ગાયક હતા. તેથી પૂરણચંદ્રજી પણ તે જ ઘરાનાના ગાયક ગણાતા. બાળપણથી તેમનામાં સારા ગાયક કલાકારનાં લક્ષણો દેખાયાં હતાં. શરૂઆતમાં તેમને શાસ્ત્રીય સંગીતની તાલીમ પિતા પાસેથી મળી હતી; પરંતુ તેમની નાની ઉંમરમાં પિતાનું અવસાન થતાં તેમણે કાકા પંડિત મોતીરામજીના પુત્ર અને વિખ્યાત ગાયક પંડિત મણિરામજી પાસેથી તાલીમ લીધી હતી. આગ્રા ઘરાનાના વિખ્યાત સંગીતકાર ઉસ્તાદ અબ્દુલ કાદિરખાં સાહેબ, જેમને ‘મેહતાબે મૌસુકી’નો ખિતાબ એનાયત થયો હતો, તેમની પાસેથી પણ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક પૂરણચંદ્ર ગવૈયાને મળી હતી. તેથી તેમની ગાયકીમાં મેવાતી ઘરાના તથા આગ્રા ઘરાનાની ગાયકીનું મિશ્રણ જોવા મળતું હતું.
1951માં આકાશવાણીના વડોદરા કેન્દ્ર પર તેમણે શાસ્ત્રીય સંગીતનો તેમનો સર્વપ્રથમ કાર્યક્રમ રજૂ કર્યો અને તે પછી આકાશવાણીનાં અન્ય કેન્દ્રો પરથી અને દેશનાં જુદાં જુદાં સ્થળે યોજાતાં સંગીત સંમેલનોમાં તેમના કાર્યક્રમો થવા લાગ્યા. પંડિત ઓમકારનાથજી, ઉસ્તાદ અમીરખાં સાહેબ, ઉસ્તાદ બડે ગુલામઅલીખાં સાહેબ જેવા ખ્યાતનામ સંગીતકારોએ તેમની ગાયકીની પ્રશંસા કરી હતી. 1987માં દૂરદર્શન દિલ્હીએ તેમને મેવાતી ઘરાનાના ઉચ્ચ કોટિના ગાયક તરીકે બિરદાવ્યા હતા.
પૂરણચંદ્રજી માત્ર સાત વર્ષના હતા ત્યારે એક દિવસ તેમના ગાયનથી પ્રભાવિત થયેલા ઉસ્તાદ ફૈયાઝખાં સાહેબે તેમને આશીર્વાદ આપી આગાહી કરી હતી કે આ બાળક ભવિષ્યમાં સારો ગવૈયો બનશે. ત્યારથી પૂરણચંદ્રના નામ સાથે ‘ગવૈયા’ આ નામાભિધાન કાયમ માટે જોડાઈ ગયું હતું.
તેમની ગાયકીમાં રાગની શુદ્ધતા ઉપરાંત રાગનો વિસ્તાર કરવાની એક આગવી સૂઝ હતી. એટલું જ નહિ; પરંતુ તીવ્ર ગતિવાળી તાનો ગાવાનો તેમનો વિશિષ્ટ કસબ હતો. તેઓ સાણંદ બાપુના દરબારમાં રાજગાયકની પદવી પામ્યા હતા.
નીરજ પરીખ