ગર્ત (થાળું) (depression) : સામાન્યત: ભૂપૃષ્ઠના સમતલ સપાટ વિસ્તાર કે પર્વતોના ઊંચાણવાળા વિસ્તારની વચ્ચે તૈયાર થયેલો છીછરો કે ઊંડો તેમજ નાનામોટા કદવાળો નીચાણવાળો ભાગ. મોટે ભાગે આવા નિચાણવાળા ભાગ પાણીથી ભરાયેલા હોય છે, તેમ છતાં પૃથ્વીના પટ પર એવા ઘણા ગર્ત છે જે નદીજન્ય કાંપથી ભરાઈ જવાથી મેદાનો બની ગયાં છે, તો કેટલાક માત્ર ખાડા જ છે. ઉત્પત્તિના સંદર્ભમાં ગર્તના નીચે મુજબના પ્રકારો વર્ણવી શકાય :

નદીઓના ત્રિકોણપ્રદેશના સમુદ્રકિનારા નજીક થતી વધુ પડતી કાંપજમાવટ નદીના પોતાના જ ફાંટા દ્વારા અથવા દરિયાઈ ખાડીઓના જળપ્રવેશ દ્વારા ધોવાઈ જવાથી ખાડા તૈયાર થાય છે, જે પાણીથી ભરાયેલા રહે છે. આવા ગર્ત ત્રિકોણપ્રદેશીય ગર્ત તરીકે ઓળખાય છે. નાઈલ નદીના જગવિખ્યાત ત્રિકોણપ્રદેશીય સમુદ્રકિનારાથી અંદર તરફ ઍલેક્ઝાન્ડ્રિયા અને પૉર્ટ સૈયદ નજીક તેમજ મિસિસિપીના ત્રિકોણપ્રદેશ પર આવા ગર્ત તૈયાર થયેલા છે. આ ઉપરાંત વેનિસની આસપાસ પો નદીના મુખ પર પણ તે જોવા મળે છે.

ઇજિપ્તના રણપ્રદેશમાં કૅરોથી પશ્ચિમે જારાબુબ જતાં રણમાં ફૂંકાતા પવનોના મારાથી રેતી ઊડવાથી વચ્ચે વચ્ચે શ્રેણીબદ્ધ ગર્ત તૈયાર થયેલાં છે. આ પૈકી કતારા, ફાયૂમ, મેલ્ફા, સીવા અને વાડીના ગર્ત જાણીતા છે. કેટલાકનાં તળ સમુદ્રસપાટીથી પણ નીચાં છે. કતારાનો વિશાળ ગર્ત સમુદ્રસપાટીથી 140 મીટર નીચાણવાળો છે.

ક્યારેક હિમનદીઓના તળભાગ વધારે પડતા ઘસાઈ જાય અને તેમની સાથે ખેંચાઈ આવતો ખડકટુકડાનો જથ્થો (till) કે હિમઅશ્માવલિ (moraine) હિમનદીમાર્ગની આજુબાજુ એકત્રિત થાય અને સંજોગવશાત્ બરફ ઓગળે તો ત્યાં પાણી ભરાઈ રહે છે. આ પ્રકારના ગર્તને ‘કીટલ’ કહેવાય છે. અલાસ્કાના યૅકટૅટ (Yakutat) જિલ્લામાં આવેલી હિડેન હિમનદીના મુખભાગ તેમજ ક્વિબેક(કૅનેડા)ની મૅટાપીડિયા ખીણમાં આ રીતે તૈયાર થયેલા ગર્ત જોવા મળે છે. એ જ રીતે મોટા પાયા પર થતું હિમીભવન (glaciation) પણ ક્યારેક આવા ગર્ત રચે છે. પ્લાયસ્ટોસીન કાળમાં ઉત્તર ગોળાર્ધમાં થયેલી હિમક્રિયાઓ પૈકીની છેલ્લી એટલે કે ચોથી હિમક્રિયાથી ઉત્તર અમેરિકા અને કૅનેડાની સરહદે લેક સુપીરિયર અને લેક મિશિગન માટેના ગર્ત તૈયાર થયેલા; તેમની કિનારીઓ અંશત: હિમઅશ્માવલિવાળી છે.

હિમાલય, આલ્પ્સ, ઍપેલેશિયન, ઍન્ડીઝ, રૉકિઝ વગેરે જેવી વિશાળ પર્વતમાળાઓ મૂળભૂત રીતે તો જળકૃત ખડકસ્તરોથી બનેલી છે; તેની જમાવટ હજારો ચોકિમી.ના વિસ્તારને આવરી લેતા ક્રમશ: દબાતાં જતાં વિરાટ થાળાંમાં જ થયેલી છે. આ પ્રકારના ગર્ત ભૂસંનતિ (geosyncline) તરીકે ઓળખાય છે. દા. ત., ટેથિયન ભૂસંનતિ, ઍપેલેશિયન ભૂસંનતિ વગેરે.

વિરૂપક બળોની આત્યંતિક અસરથી વિશાળ પાયા પર ખડકસ્તરોનું ગેડીકરણ થતું હોય છે, જેને પરિણામે સ્તરો ક્ષિતિજ સમાંતર ગેડ, ઊર્ધ્વવાંક, અધોવાંક જેવી ગેડરચનાઓમાં ફેરવાઈ જાય છે. કાળાંતરે ક્ષિતિજસમાંતર ગેડના સ્તરોનો કેટલોક ભાગ જો નદીના ઘસારાથી ખાડાઓમાં ફેરવાઈ જાય તોપણ ગર્ત અસ્તિત્વમાં આવે છે. એ જ રીતે બે નજીકના ઊર્ધ્વવાંક વચ્ચેનો અધોવાંક નીચાણવાળો હોવાથી થાળાસ્વરૂપ ભૂમિઆકાર રચે છે. પાકિસ્તાનની ઉત્તરે આવેલો પોટવારનો ઉચ્ચપ્રદેશ મૂળભૂત રીતે તો અધોવાંકમય થાળું જ હતો, જે કાંપના જથ્થાથી સંપૂર્ણપણે ભરાઈ ગયેલો છે. સિંધુ-ગંગાનું મેદાન પણ મૂળે તો એક એવા પ્રકારનું અગ્રઊંડાણ (foredeep) છે, જેની ઉત્પત્તિ હિમાલયના ઉત્થાનની સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલી છે. આજે તે નદીઓના કાંપ દ્વારા ભરાઈને મેદાન બની ગયેલું છે. સંરચનાત્મક ર્દષ્ટિએ તેને સિંધુ-ગંગાના ગર્ત તરીકે ઓળખાવાય છે.

ભૂસંચલજન્ય બળોને કારણે પોપડામાં સ્તરભંગ પડે છે. બે સમાંતર સ્તરભંગો વચ્ચેનો ભાગ જો નીચે બેસી જાય તો ફાટખીણ અસ્તિત્વમાં આવે છે. ટુકડે ટુકડે પડેલી ફાટખીણોના ઊંડાણવાળા ભાગ ગર્ત તરીકે ઓળખાય છે. આફ્રિકાની ફાટખીણના સમગ્ર વિસ્તારમાં તૈયાર થયેલા ગર્ત આજે પાણીથી ભરેલાં સરોવરો રૂપે જોવા મળે છે. રાતો સમુદ્ર પણ આ જ ક્રિયાનું પરિણામ છે. દક્ષિણ ભારતની નદીઓનાં થાળાં માટેનું જવાબદાર પરિબળ પણ સ્તરભંગો જ છે (જુઓ ગ્રૅબન). રાઇન નદીનું થાળું ‘ગ્રૅબન’ પ્રકારનો ગર્ત છે.

જ્વાળામુખી કંઠમાંથી લાવા પ્રસ્ફુટનો પૂરાં થયાં બાદ કંઠનો મુખભાગ ખાડા સ્વરૂપે ઘણી વાર રહી જતો હોય છે. તેમાં તૈયાર થતાં સરોવર જ્વાળામુખ સરોવર (crater lake) કહેવાય છે. દા.ત., ભારતમાં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું લોનાર સરોવર. આ રીતે તૈયાર થયેલા જ્વાળામુખીજન્ય ગર્ત યેલોસ્ટોન નૅશનલ પાર્ક ઉદ્યાનમાં મળે છે. નાનામાં નાનો ગર્ત 37 x 29 કિમી.ના કદવાળો તો મોટામાં મોટો 80 x 64 કિમી.ના કદવાળો છે. આ પ્રકારના ગર્ત જ્વાળામુખીય ભૂસંચલજન્ય ગર્ત (volcano-tectonic depressions) કહેવાય છે.

નળ સરોવર, સાંભર સરોવર, દાલ સરોવર, વુલર સરોવર, નૈનિતાલ વગેરે પણ ગર્તના જુદા જુદા પ્રકાર જ છે.

ગિરીશભાઈ પંડ્યા