ચમનલાલ ‘ચમન’ (જ. 1936, બારામુલ્લા, શ્રીનગર, કાશ્મીર; અ. 1999) : કાશ્મીરી કવિ. તેમનો જન્મ મધ્યમ વર્ગના પંડિત પરિવારમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે બારામુલ્લામાં લીધું અને ઉચ્ચ શિક્ષણ શ્રીનગરમાં લીધું. જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી 1957માં તેમણે બી.એ.ની ડિગ્રી સંસ્કૃત અને કાશ્મીરીમાં પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. સંસ્કૃતનો અભ્યાસ બાળપણમાં તેમની પાસેથી કરેલો.
થોડો વખત તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીના વહીવટી વિભાગમાં કામગીરી કરી. સ્ટેટ કલ્ચરલ અકાદમી ઑવ્ આર્ટ ઍન્ડ લૅંગ્વેજિઝ દ્વારા પ્રકાશિત દ્વૈમાસિક ‘કાશ્મીરી શીરાઝ’ના તેઓ સંપાદક રહ્યા. કૉલેજકાળથી તેમણે લેખનકાર્ય શરૂ કરેલું. 1954–55 દરમિયાન તેઓ કવિ તરીકે ઊભર્યા. તેમનાં કેટલાંક કાવ્યો ‘ક્વાંગ પોશ’ અને ‘તમીર’માં પ્રગટ થયાં હતાં. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શબનામી શાહ’ 1963માં પ્રગટ થયો. આ સંગ્રહ બદલ તેમને 1964માં રાજ્ય સાંસ્કૃતિક અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમનાં કેટલાંક કાવ્યો હિંદી તથા પંજાબીમાં અનૂદિત કરવામાં આવ્યાં છે.
તેમણે સ્ટેટ કલ્ચરલ અકાદમી ઑવ્ આર્ટ ઍન્ડ લૅંગ્વેજિઝના વાર્ષિક સાહિત્યસંગ્રહ ‘સોન અદલે’નું તથા દેશભક્તિનાં ગીતો ‘યી ચૂ સૉન વતન’નું સંપાદન પણ સંભાળ્યું. 1978માં કાશ્મીર યુનિવર્સિટીએ પ્રગટ કરેલ કાશ્મીરી લેખકોના જીવનચરિત્રવિષયક ડિક્શનરી ‘અવલનામા’ના તેઓ સહલેખક રહ્યા. જાણીતા ઉર્દૂ સમાચારપત્ર ‘અતબ’નું સંપાદન શ્રીનગરમાંથી છ વર્ષ સુધી કર્યું. મૂળભૂત રીતે તેઓ ‘નજમ’ના કવિ હતા; પરંતુ તેમણે ગઝલો પણ રચી છે.
1993–97 દરમિયાન તેઓ નવી દિલ્હીમાં સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય રહેલા.
ચન્દ્રકાન્ત મહેતા