ગજપતિ (Gajapati) : ઓડિસાના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21o 54´ ઉ. અ. અને 84o 15´ પૂ. રે.ની આજુબાજુનો 3,056 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફૂલબની (કંધમાલ); પૂર્વ તરફ ગંજામ; અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં આંધ્રપ્રદેશની સીમા તથા પશ્ચિમ તરફ રાયગઢ જિલ્લા આવેલા છે. જિલ્લામથક પર્લખમુંડી જિલ્લાના દક્ષિણ છેડે આવેલું છે.

ગજપતિ જિલ્લો

ભૂપૃષ્ઠજંગલોજળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ સમતળ શિરોભાગ ધરાવતા ઉચ્ચપ્રદેશોથી બનેલું છે. તે પૂર્વઘાટની ટેકરીઓથી બનેલી હારમાળાનું વિસ્તરણ છે. રાજ્યના કેટલાક ઊંચા પર્વતો અહીં આવેલા છે. ઉત્તર તરફનો ઉચ્ચપ્રદેશીય વિભાગ ઉત્તર તરફ આવેલી બાલીગુડા હારમાળા અને દક્ષિણ તરફ આવેલી ઉદયગિરિની વચ્ચે આવેલો છે. તેમાં આવેલી ટેકરીઓની ઊંચાઈ સ્થાનભેદે 60 મીટરથી માંડીને 1340 મીટર સુધીની છે. ખોંડ લોકોની આ ભૂમિ ગણાય છે. દક્ષિણ તરફનો ઉચ્ચપ્રદેશીય વિભાગ ઉદયગિરિ અને પર્લખમુંડી વચ્ચે આવેલો છે. અહીં સિંગારાજુ (1492 મી.), મહેન્દ્રગિરિ (1477 મી.) અને દેવગિરિ (1360 મી.) પર્વતો આવેલા છે. આ ભૂમિ સૌરડ (Saurar) લોકોની છે.

જિલ્લાની મોટા ભાગની જમીનો પડખાઉ (lateritic) પ્રકારની છે. પર્લખમુંડી વિસ્તારમાં અયનવૃત્તીય અર્ધ-સદાહરિત જંગલો તથા ગુમા વિસ્તારમાં ભેજવાળાં અને પર્ણપાતી અયનવૃત્તીય જંગલો આવેલાં છે. સાલ, આસન અને બિઝનાં વૃક્ષો આ જંગલોમાં જોવા મળે છે.

મહેન્દ્રતનયા, ઋષિકુલ્યા અને ઘોદાહડા અહીંની મુખ્ય નદીઓ છે.

ખેતીપશુપાલન : જિલ્લો કૃષિપ્રધાન ગણાતો હોવા છતાં અહીં ટેકરીઓ અને જંગલો છવાયેલાં હોવાથી, ખેતી સંતોષકારક રીતે થઈ શકતી નથી. આથી ખેતી હેઠળ વધુ વિસ્તાર લઈ શકાય તે માટે સિંચાઈ પ્રકલ્પોના પ્રયાસો થઈ રહ્યા છે. ડાંગર, રાગી, મગ, તલ, મગફળી, કળથી, શેરડી અને મરચાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. નદીઓનાં પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે.

ગાયો, ભેંસો, ઘેટાં, બકરાં અને ડુક્કર અહીંનાં પાલતુ પશુઓ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. પશુ-સ્વાસ્થ્ય માટે જિલ્લામાં પશુ-દવાખાનાં, ચિકિત્સાલયો, પશુ-સંભાળ-કેન્દ્રો તથા કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો આવેલાં છે.

ઉદ્યોગોવેપાર : ઓરિસા રાજ્યમાં પરંપરાગત ચાલ્યા આવતા હુન્નર પૈકી શિંગડાંમાંથી બનાવાતી ચીજવસ્તુઓ, વણાટકામ તેમજ ધાતુકામના એકમો આ જિલ્લામાં પણ ચાલે છે. આ સિવાય જિલ્લામાં મહત્વનો કહી શકાય એવો કોઈ ઉદ્યોગ વિકસ્યો નથી.

પર્લખમુંડી અને કાશીનગર અહીંનાં વેપારી મથકો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઉપભોક્તા ચીજવસ્તુઓનાં ખરીદ-વેચાણ માટે અઠવાડિક હાટ ભરાય છે. કલેક્ટર કચેરીના વહીવટ હેઠળ ઘઉં, કેરોસીન, સિમેન્ટ વગેરે જેવી વસ્તુઓની વાજબી ભાવની દુકાનો જિલ્લાનાં જુદાં જુદાં મથકોમાં ચલાવાય છે. જિલ્લામાં શિંગડાંમાંથી બનાવેલી ચીજો, ખાદીના બગલથેલા, લાકડાનું રાચરચીલું બનાવાય છે. શણ, મગફળી, ચણા, આમલી, હળદર અને સાવરણા-સાવરણીઓની નિકાસ તથા કાપડ, ખાદ્યતેલ, ડાંગર, ઘઉં અને ખાંડની આયાત કરવામાં આવે છે.

વૃંદાવન પ્રાસાદ, ગજપતિ

પરિવહનપ્રવાસન : રાજ્યના પાટનગર ભુવનેશ્વર અને ગંજમ જિલ્લા સાથે જિલ્લામથક સડકમાર્ગોથી જોડાયેલું છે, જોકે જિલ્લામાં ટેકરીઓવાળું ભૂપૃષ્ઠ હોવાથી સડકમાર્ગો સારી રીતે વિકસાવી શકાયા નથી. હાવરા-ચેન્નાઈ રેલમાર્ગ પરનું રેલમથક બરહામપુર આ જિલ્લા માટેનું નજીકનું મથક છે, જ્યાંથી મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, કૉલકાતા અને પુરી તરફ જઈ શકાય છે. જિલ્લામાંથી 45 કિમી. લંબાઈનો નૅરોગેજ રેલમાર્ગ પસાર થાય છે. ભુવનેશ્વર નજીકનું હવાઈ મથક છે.

આ જિલ્લો પર્વતો-ટેકરીઓ, જંગલો, ઉચ્ચપ્રદેશો જેવાં રમણીય સ્થળર્દશ્યો ધરાવતો હોવાથી કુદરતપ્રેમીઓ માટે મનોરંજનનું સ્થળ બની રહેલો છે. જિલ્લામાં તેમજ જિલ્લા નજીકનાં પ્રવાસી સ્થળોમાં ચિલ્કા સરોવર, મહેન્દ્રગિરિ, તપ્તપાણી, નારાયણી, તરતારિણીનો સમાવેશ થાય છે. વર્ષના જુદા જુદા તહેવારો પર અહીં જુદાં જુદાં સ્થળોએ મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

વસ્તીલોકો : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી 5,70,696 જેટલી હતી, તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80% અને 20% જેટલું છે. જિલ્લામાં ઊડિયા, હિન્દી, તેલુગુ અને અંગ્રેજી ભાષાઓ બોલાય છે. અહીંના માત્ર 25% લોકો શિક્ષિત છે. પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. પર્લખમુંડી ખાતે એક કૉલેજ આવેલી છે. પર્લખમુંડી અને કાશીનગર ખાતે દવાખાનાં, ચિકિત્સાલયો અને કુટુંબનિયોજન-કેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક ઉપવિભાગ, તાલુકા, સમાજવિકાસ-ઘટકો, જાતિ-ઘટકો અને ગ્રામપંચાયતોમાં વહેંચેલો છે. જિલ્લામાં નગરો અને ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : 1992-93માં ગંજમ જિલ્લાને વિભાજિત કરીને ગજપતિ જિલ્લો રચવામાં આવેલો છે, તેથી તેનો ઇતિહાસ ગંજમ જિલ્લાના ઇતિહાસ સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા