ખાજૂનો પુલ, ઇસ્ફહાન (સત્તરમી સદી) : ઈરાનના નગર ઇસ્ફહાનમાં વહેતી ‘ઝાયન્દા રૂદ’ નદી પર બાંધેલો ચૂના-પથ્થરનો પુલ. તે નગરના ત્રણ મુખ્ય પુલોમાં સૌથી સુંદર છે. આ પુલ કોણે અને ક્યારે બાંધ્યો તે વિશે પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઐતિહાસિક પુસ્તકો અને વિદેશી મુસાફરોએ કરેલાં વર્ણનો પરથી હસન બેગે બંધાવેલા પુલના અવશેષ પર નવેસરથી સત્તરમી સદીના ઉત્તરાર્ધની મધ્યમાં ઈરાનના રાજવી શાહ અબ્બાસ દ્વારા તેનું નિર્માણ થયું હોવાનું ફલિત થાય છે. બંધનું કામ આપતો આશરે 135 મીટર લાંબો અને 12 મીટર પહોળો વિશિષ્ટ ભાતનો આ બે-માળી પુલ ઈરાની સ્થાપત્યનો એક ભવ્ય અને રમણીય નમૂનો છે. તેની મધ્યમાં તેમજ બંને છેડે સુંદર અષ્ટકોણીય બુરજો જેવા કક્ષોવાળી બે-માળી ઇમારતો છે જેમાં શાહો, અમીરો તેમજ સામાન્ય માનવીઓ, અત્યારની જેમ, નદી તેમજ આસપાસના મનોરમ્ય દર્શન કાજે આવી બેસતા. આજે પણ તે ઇસ્ફહાનવાસીઓ માટે ફરવાનું એક મહત્વનું સ્થળ છે.
તેનાં છવ્વીસ જેટલાં ગરનાળાં (shan) તેમજ તેના ઉપરના માળ તેમજ ઉક્ત અષ્ટકોણીય ઇમારતોની કમાનો સુંદર વિવિધરંગી અને ભાતભાતની ડિઝાઇનના ઈરાની નકશીકામથી અલંકૃત છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ