ખાચાતુરિયન આરામ (Khachaturian, Aram) (જ. 6 જૂન 1903, ત્બિલીસ, જ્યૉર્જિયા, ઇમ્પીરિયલ, રશિયા; અ. 1 મે 1978, મૉસ્કો) : આધુનિક આર્મેનિયન સંગીતકાર અને સંગીત-નિયોજક.
શાલેય અભ્યાસ પૂરો કરી ખાચાતુરિયને મોસ્કોમાં મોસ્કો યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન ખાતામાં જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર તથા ગણિતનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ આ અભ્યાસનો ભાર સહન નહિ થઈ શકતા તેમણે તેનો ત્યાગ કરી નેસિન મ્યુઝિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ચૅલોવાદનનો અભ્યાસ શરૂ કર્યો. આ સમયે તેમની ઉંમર માત્ર 19 વરસની જ હતી. આ જ સંસ્થાના ડિરેક્ટર મિ. નેસિન હેઠળ તેમણે સંગીતનિયોજનનો અભ્યાસ શરૂ કર્યો. એ પૂર્ણ થતાં મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં મ્યાસ્કૉવ્સ્કી હેઠળ તેમણે સંગીતનિયોજનનો અભ્યાસ શરૂ કર્યો જે 1934માં પૂર્ણ થયો. એ વર્ષે તેઓ પૅરિસ ગયા. ત્યાં ‘ટ્રાઇટૉન સોસાયટી ઑવ્ મોડર્ન ચેમ્બર મ્યુઝિકે’ તેમની બે આરંભિક કૃતિઓ ‘ડાન્સ સ્વીટ ફૉર સિમ્ફની ઑર્કેસ્ટ્રા’ તથા ‘ટ્રાયો ફૉર વાયોલિન, ક્લેરિનેટ ઍન્ડ પિયાનો’નું વાદન કર્યું. ખાચાતુરિયનને પશ્ચિમ યુરોપમાં નામના મળી. બીજા વર્ષે 1935માં જર્મન ક્ધડક્ટર યુજિન ઝેન્કારે ખાચાતુરિયનની પહેલી સિમ્ફનીનું સંચાલન કર્યું. તેમાં આર્મેનિયા અને અન્ય પૂર્વ યુરોપાઈ લોક-સૂરાવલિઓનું પ્રશિષ્ટ યુરોપિયન ઘાટમાં ગઠન તરત જ વખણાયું. આધુનિક આર્મેનિયન સંગીતના જનક તરીકે તેમની પ્રતિષ્ઠા થઈ. લાંબી કારકિર્દી દરમિયાન તેમની અનેક કૃતિઓ રચાઈ, જેમાંથી મહત્વની છે :
01. કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા.
02. કન્ચર્ટો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા.
03. કન્ચર્ટો ફૉર ચેલો ઍન્ડ ઑર્કેસ્ટ્રા.
04. સિમ્ફની નં. 2 ‘બેલ’.
05. બૅલે ‘સ્પાર્ટેક્સ’.
06. બૅલે ‘હેપિનેસ’.
07. બૅલે ‘ગાયાને’.
08. લૅર્મોન્તોવના નાટક ‘માસ્કારેડ’ માટે લખેલું સંગીત.
09. રશિયન ફિલ્મ ‘ઑથેલો’ માટે લખેલું ફિલ્મસંગીત.
10. રશિયન ફિલ્મ ‘ધ સ્ટેલિનગ્રાડ બૅટલ’ માટે લખેલું ફિલ્મસંગીત.
11. કૉન્સર્ટ રહૅપ્સૉડી ફૉર વાયોલિન.
12. કૉન્સર્ટ રહૅપ્સૉડી ફૉર ચૅલો.
13. સોનાટા મૉનોલૉગ ફૉર વાયોલિન.
14. સોનાટા ફૅન્ટાસિયા ફૉર ચૅલો.
15. સોનાટા સૉન્ગ ફૉર વાયોલા.
અમિતાભ મડિયા