ખંડીય પ્રવહન

January, 2010

ખંડીય પ્રવહન : ખંડોની ખસવાની ક્રિયા. પૃથ્વીની ઉત્પત્તિ પછીના કોઈ કાળમાં મૂળ ભૂમિજથ્થાઓની ખંડન તેમજ સ્થાનાંતરની ક્રિયાને કારણે અસ્તિત્વમાં આવેલી ભૂમિખંડો અને મહાસાગરોની આજે જોવા મળતી ગોઠવણી. ખંડોના આકારો પર ર્દષ્ટિ કરતાં માલૂમ પડે છે કે સમુદ્રો અને મહાસાગરોને કારણે ખંડો એકમેકથી જુદા પડી ગયેલા દેખાય છે. ખંડો-મહાસાગરોની આ પ્રકારની ગોઠવણી પૃથ્વીની ઉત્પત્તિ પછીના ઘણા લાંબા કાળગાળે ઉદભવેલી છે. ખંડીય પ્રવહન સંકલ્પનાના સમર્થકોએ તે માટે નીચે મુજબના પુરાવા રજૂ કર્યા છે :

(1) ભૂપૃષ્ઠવિષયક : સામસામા દરિયાકિનારામાં જોવા મળતી સમાનતા. આ લક્ષણ દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારા અને આફ્રિકાના પશ્ચિમ કિનારા વચ્ચે સ્પષ્ટપણે જોઈ શકાય છે.

(2) સ્તરવિદ્યાત્મક : સામસામા દરિયાકિનારા પરના વિસ્તારોમાં સમાન ભિન્નતા સાથે મળી આવતી સમકક્ષ ખડકરચનાઓ, જે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ભારત અને માડાગાસ્કરમાં જોઈ શકાય છે.

(3) રચનાત્મક : ખંડીય ભંગાણ દર્શાવતી તુલનાત્મક ભૂસંનતિઓ અને ફાટખીણો.

(4) આગ્નેય પ્રક્રિયાના સમકાલીન બહિ:સ્ફુટિત તેમજ અંતર્ભેદિત તબક્કા. ઍન્ટાર્ક્ટિકા, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા, ભારત, માડાગાસ્કર અને આફ્રિકાના અવિચલિત ખંડ (shields) વિસ્તારો તેનાં ઉદાહરણ છે.

(5) પ્રાચીન ભૌગોલિક સંજોગો : દુનિયાના કેટલાક ભાગોમાં વિશિષ્ટ પરિસ્થિતિ અને વિષમ આબોહવાત્મક સંજોગોનો નિર્દેશ કરતી ખડકરચનાઓ જેવી કે ટિલાઇટ, હિમનદી-નિક્ષેપો, લૅટેરાઇટ, બાષ્પાયનો અને કોલસો વગેરે મળી આવે છે. આ મુદ્દાના સમર્થનમાં ભારતની ગોંડવાના રચના તરીકે ઓળખાતી ખડકરચના ઉપયોગી નીવડે છે. ભૂસ્તરવિદો જાણે છે કે ગોંડવાના રચનાનો કાળગાળો ઊર્ધ્વ કાર્બોનિફેરસથી માંડીને જુરાસિકના અંતભાગ સુધીનો છે. આ ખડકરચનાના તળભાગમાં ઊર્ધ્વ કાર્બોનિફેરસ કાળ દરમિયાન પ્રવર્તમાન હિમયુગની ઠંડી આબોહવાનો નિર્દેશ કરતો ગુરુગોળાશ્મ સ્તર (boulder bed) મળી આવે છે, જેમાં હિમનદીની ઘસારાની ક્રિયા દર્શાવતા લિસોટાવાળા અને પાસાદાર ખડકટુકડા રહેલા છે. હિમયુગની આ પ્રકારની ઠંડી આબોહવાના પુરાવા ભૂસ્તરીય કાળના ખડકોમાં દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દુનિયાના અન્ય ભાગોમાંથી મળી રહે છે.

(6) જીવાવશેષ શાસ્ત્રને લગતા પુરાવા : જીવાવશેષને લગતા પુરાવા પણ ખંડીય પ્રવહનને સમર્થન આપે છે. ભારત, દક્ષિણ આફ્રિકા અને માડાગાસ્કરના જુરાસિક તેમજ ક્રિટેશિયસ કાળના ખડકોમાં જીવાવશેષનું અદભુત સામ્ય જોવા મળે છે. જો આ દેશો પૃથ્વીના ઉત્પત્તિકાળથી જ અલગ પડી ગયેલા હોત તો આ પ્રકારનું જીવાવશેષસામ્ય સંભવી શકે નહિ.

(7) પ્રાચીન ભૂચુંબકત્વ : પૃથ્વીના જુદા જુદા ખંડોની પ્રાચીન ભૂચુંબકત્વની માપણી દ્વારા જાણવા મળ્યું છે કે એક જ ભૂસ્તરીય કાળના ખડકોમાં ધ્રુવો ભિન્ન સ્થાનો તરફ રહેલાં હોય છે. આ હકીકત પણ ખંડીય પ્રવહન સંકલ્પનાનો સબળ પુરાવો છે.

સર ફ્રાન્સિસ બૅકને ખંડીય પ્રવહન સંકલ્પના માટેની વિચારણાની શરૂઆત કરી. 1620માં બૅકને દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારા અને આફ્રિકાના પશ્ચિમ કિનારા એકમેક સાથે બંધ બેસતા આવતા હોવાની બાબતનો ઉલ્લેખ કર્યો અને સૂચવ્યું કે બંને ખંડોના કિનારાનું આ લક્ષણ આકસ્મિક હોઈ શકે નહિ. 1659માં ફ્રાંસ્વા પ્લેસેટ નામના ફ્રાન્સના નાગરિકે સૂચવ્યું કે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના ખંડો એક સમયે જોડાયેલા હતા અને જણાવ્યું કે બાઇબલમાં નિર્દેશ કરેલા વિનાશકારી પૂરને કારણે તે જુદા પડી ગયેલા. ત્યાર બાદ જર્મનીના ઍલેક્ઝાન્ડર ફૉન હમ્બોલ્ટે સૂચન કર્યું કે ઍટલાન્ટિક મહાસાગર સ્વયં મોટા પ્રલયકારી પૂર દરમિયાન ઉદભવેલું એક ઘસારાજન્ય લક્ષણ હોઈ શકે. 1859માં ઍન્ટોનિયો સ્નાઇડરે આખાયે ઉત્તર ગોળાર્ધમાંના કોલસાના સ્તરોમાંના વનસ્પતિ જીવાવશેષોનું સામ્ય સમજાવવા માટે એક નકશો તૈયાર કર્યો; જેમાં અમેરિકા, યુરેશિયા અને આફ્રિકા એક મહાખંડ (supercontinent) સ્વરૂપે જોડાયેલા હતા. પૃથ્વીની સપાટીની પર્વતમાળાઓનું વિતરણ સમજાવવા માટે 1908માં ફૅ્રન્ક બી. ટેલરે સૂચવ્યું કે એક સમયે બધા જ ખંડો એક ભૂમિજથ્થા રૂપે હતા અને પછીથી તેમની અલગ પડવાની ક્રિયા બની. દક્ષિણ આફ્રિકાના ભૂસ્તરશાસ્ત્રી ઍલેક્ઝાન્ડર ડ્યુટોઇટ ખંડીય પ્રવહન સિદ્ધાંતના મહાસમર્થક હતા; પરંતુ 1910માં જર્મન હવામાનશાસ્ત્રી આલ્ફ્રેડ વૅજનરે (1880–1930) ખંડીય પ્રવહનનો સિદ્ધાંત રજૂ કર્યો અને તેને પુરવાર કરવા માટે અથાગ પ્રયત્ન કર્યો.

આકૃતિ 1 : મહાખંડ પેંગિયા

વૅજનરનો ખંડીય પ્રવહન સિદ્ધાંત : 1915માં વૅજનરે ‘ધી ઓરિજિન ઑવ્ કૉન્ટિનન્ટ્સ ઍન્ડ ઓશન્સ’ નામનું પુસ્તક પ્રગટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે ખંડોનું સ્થાનાંતર થયેલું હોવું જોઈએ; દક્ષિણ અમેરિકા આફ્રિકાની બાજુમાં લગોલગ રહેલો હોવો જોઈએ. આ બંને ભૂમિભાગ લાખો વર્ષના કાળગાળા દરમિયાન એકબીજાથી વધુ ને વધુ છૂટા પડતા ગયા હોવા જોઈએ. વધુમાં તેમણે એ પણ સૂચવ્યું કે ખંડો ઓછી ઘનતાવાળા ગ્રૅનાઇટ ખડકનાં વિરાટ ગચ્ચાં છે, તેમની વધુ ઘનતાવાળા સમુદ્રતળના બેસાલ્ટમાં ગમે તે પ્રકારે ખસવાની ક્રિયા બનેલી હોવી જોઈએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આ ક્રિયા પૃથ્વીના ભ્રમણને લીધે ઉદભવતાં બળોને કારણે થીજી ગયેલા સમુદ્રમાં ખસતાં વિશાળ વહાણો જેવી છે. 1930માં વૅજનરનું મૃત્યુ થયું ત્યાં સુધી તેમણે પોતાનાં મંતવ્યોમાં વખતોવખત જરૂરી સુધારાવધારા કર્યા, પણ રૂઢિચુસ્ત ભૂસ્તરશાસ્ત્રીઓ તે સાથે સહમત થયા નહિ.

વૅજનર અને તેમના સમર્થકો માનતા હતા કે પૃથ્વી મહાખંડો અને સર્વવ્યાપક મહાસાગરની બનેલી હતી. વૅજનરના પ્રવહન સિદ્ધાંતમાં જણાવ્યું છે કે 20 કરોડ વર્ષ અગાઉ એક મહાખંડ જ હતો કે જેને હાલમાં ભૂસ્તરશાસ્ત્રીઓ ‘પેંગિયા’ તરીકે ઓળખે છે. ઉપરની આકૃતિ-1માં દર્શાવ્યા પ્રમાણે પેંગિયા ‘પેન્થાલસા’ નામના મહાસાગરથી વીંટળાયેલો હતો. આશરે 13.5 કરોડ વર્ષ અગાઉ નીચેની આકૃતિ-2માં દર્શાવ્યા પ્રમાણે આ મહાખંડની બે ભાગોમાં ખંડનક્રિયા બની. આ બે ભાગ પૈકી ઉત્તરનો ભાગ લોરેશિયા તરીકે ઓળખાયો, જે ઉત્તર અમેરિકા, યુરોપ, તેમજ એશિયાના જૂના ભૂમિવિસ્તારોનો બનેલો હતો; જ્યારે દક્ષિણના ભાગને ગોંડવાના નામ આપવામાં આવેલું, તે આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઍન્ટાર્ક્ટિકા, ઑસ્ટ્રેલિયા અને ભારતના ભૂમિવિસ્તારોનો બનેલો હતો. આ પ્રકારની ગોઠવણી મુજબ દક્ષિણ આફ્રિકા દક્ષિણ ધ્રુવ પાસે હતો. પેન્થાલસા મહાસાગરના પૂર્વ-પશ્ચિમ જતા એક ફાંટાને કારણે લોરેશિયા અને ગોંડવાના ભૂમિખંડો જુદા પડી ગયેલા. લોરેશિયા–ગોંડવાનાને અલગ પાડતા પેન્થાલસા મહાસાગરના આ ફાંટાને ‘ટેથિસ’ તરીકે ઓળખવામાં આવે છે.

વૅજનરના મત પ્રમાણે કાર્બોનિફેરસ કાળ સુધી બધા જ ખંડો જોડાયેલા હતા. જુરાસિક કાળમાં પેંગિયાની ખંડન તેમજ પ્રવહનક્રિયા શરૂ થઈ. વૅજનરે સૂચવ્યું કે ખંડોનું સામાન્ય પ્રવહન પશ્ચિમતરફી હતું. આફ્રિકાથી ઉત્તર અમેરિકાની છૂટા પડવાની ક્રિયા 18થી 20 કરોડ વર્ષ અગાઉ બની. આજથી આશરે 8 કરોડ વર્ષ અગાઉ ઉત્તર અમેરિકા યુરોપથી અલગ થયો. હાલના સ્થાન પર પહોંચવા માટે ભારતનું 8,000 કિમી. ઉત્તર તરફ પ્રવહન થયું, જેને કારણે ભારતની એશિયા સાથે અથડાવાની ક્રિયાને પરિણામે તિબેટના ઉચ્ચ સપાટ પ્રદેશ તેમજ હિમાલય હારમાળાની ઊર્ધ્વગમનની ક્રિયા બની. પ્રવહનને કારણે ઉત્તર તેમજ દક્ષિણ અમેરિકા અને આફ્રિકા તેમજ યુરેશિયા વચ્ચે અસ્તિત્વમાં આવેલી ખાલી જગામાં ઍટલાન્ટિક મહાસાગર બન્યો. ઍન્ટાર્ક્ટિકા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને એશિયાના પ્રવહન પામતા ભૂમિભાગો વચ્ચે ધીમે ધીમે હિન્દી મહાસાગર અસ્તિત્વમાં આવતો ગયો. ઉત્તર-દક્ષિણ અમેરિકાની પશ્ચિમે આવેલી કૉર્ડિલેરન પર્વતમાળાઓ પ્રવહન પામતા ખંડીય જથ્થાના અગ્રભાગોમાં દબાણની અસર નીચે આવેલી ભૂસંનતિઓમાંથી ઉદભવી હતી.

આકૃતિ 2 : પેંગિયાની ખંડનક્રિયા

ખંડીય પ્રવહનની ઘટના સમજાવવા માટે વૅજનરે સૂચવ્યું કે પૃથ્વીના અક્ષભ્રમણથી ઉદભવતા બળને કારણે ઓછી ઘનતાવાળા ખંડીય જથ્થાઓની મહાસાગરતળના વધુ ઘનતાવાળા ખડકોમાં વિષુવવૃત્ત તરફ પ્રવહનક્રિયા બની. વધુમાં એમ પણ સૂચવવામાં આવેલું કે ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પશ્ચિમ તરફના ખેંચાણ માટે સૂર્ય-ચંદ્રનું આકર્ષણબળ કારણભૂત હતું, પરંતુ ખંડીય પ્રવહન માટે આ બળો અપૂરતાં હતાં.

આકૃતિ 3 : ખંડીય પ્રવહનનો વૅજનરનો ખ્યાલ

પછીના સમયગાળામાં વૅજનરને ખંડીય પ્રવહન માટે પૃથ્વીના જ ભૂમધ્યાવરણ વિભાગમાં કાર્યરત ઉષ્ણતાનયનના પ્રવાહો કારણભૂત હોવાની શક્યતા જણાઈ. વૅજનરના મૃત્યુ બાદ કેટલાક સમય માટે ખંડીય પ્રવહન સિદ્ધાંતનું મહત્વ ગૌણ બન્યું; પરંતુ 1950થી 1960ના ગાળામાં ભૂવૈજ્ઞાનિકોમાં ખંડીય પ્રવહનની પ્રક્રિયાએ ફરી વાર મહત્વ પ્રાપ્ત કર્યું. 1960ના વર્ષમાં હેસ નામના વૈજ્ઞાનિકે વૅજનરના ખંડીય પ્રવહન સિદ્ધાંતને સમર્થન આપતો સિદ્ધાંત (plate tectonics) રજૂ કર્યો.

વ્રિજવિહારી દીનાનાથ દવે