ખનિજીય ઝરા : પૂરતા પ્રમાણમાં ખનિજદ્રવ્ય ધરાવતા વિશિષ્ટ સ્વાદવાળા પાણીના ઝરા. આ પ્રકારના ઝરા ખૂબ જ ઊંડાઈએ જ્યાં ગેડીકરણ પામેલા ખડકો ગરમ બને છે ત્યાં જોવા મળે છે. સક્રિય જ્વાળામુખીવાળા વિસ્તારોમાં કે ભૂસ્તરશાસ્ત્રીય ર્દષ્ટિએ અર્વાચીન જ્વાળામુખી-પ્રક્રિયાવાળા વિસ્તારોમાં આવા ઝરા મોટે ભાગે મળી આવે છે.

ખનિજીય ઝરાની ઉત્પત્તિ અંગે સૂચવવામાં આવ્યું છે કે પૃથ્વીના પોપડાના ઊંડાણવાળા ભાગમાંથી ઉપર તરફ આવતાં વરાળ અને વાયુઓ ભૂગર્ભજળ સાથે મિશ્રિત થવાને કારણે તે ઉદભવે છે. ખનિજીય ઝરાનાં પાણી ઔષધીય ઉપયોગમાં આવે છે. આ પ્રકારના ખનિજીય ઝરા ન્યૂઝીલૅન્ડ, આઇસલૅન્ડ અને યુ.એસ.ના યૅલોસ્ટોન નૅશનલ પાર્કના વિસ્તારોમાં આવેલા છે. ગુજરાતમાં લસુંદ્રા-ટૂવા ખાતે તેમજ મહારાષ્ટ્રમાં મુંબઈ પાસે વજ્રેશ્વરી ખાતે પણ આ પ્રકારના ખનિજીય ઝરા જોવા મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે