ખગોલીય સારણીઓ : ખગોલીય પદાર્થ અંગે જરૂરી માહિતીને સારણી રૂપે રજૂ કરતો માહિતીસંગ્રહ. આ સારણી અને નકશાઓ ખગોળશાસ્ત્રીઓના રોજબરોજના કાર્ય માટે તથા ઐતિહાસિક દસ્તાવેજ તરીકે પણ બહુ ઉપયોગી બને છે. સારણી મુખ્યત્વે ત્રણ કક્ષાની હોય છે : શોધયાદી (finding list), સ્થાન-સૂચક સારણી અને વિશિષ્ટ સારણી. શોધયાદીમાં, તારક-અભ્યાસીઓને સામાન્ય રીતે જરૂર પડે તેવા બધા જ ખગોલીય પદાર્થોનાં ક્રમ, સ્થાન અને તેજસ્વિતા આપવામાં આવે છે. સ્થાનસૂચક સારણીમાં સ્થાન અંગે ઉત્તરોત્તર વધારે સૂક્ષ્મતાવાળી માહિતી દર્શાવવામાં આવે છે. આ માહિતી-આધારિત નિર્દેશ ફ્રેમ વડે તારકોની એકબીજાને સાપેક્ષ ગતિ માપી શકાય છે. વિશિષ્ટ સારણીમાં જેમની કોઈ ખાસ લાક્ષણિકતા અંગેની માહિતીમાં સતત સુધારોવધારો થતો રહેતો હોય એવા ખગોલીય પદાર્થોની સૂચિ આપવામાં આવે છે.
ઈ. સ. પૂ. 150ના અરસામાં રોડના હિપાર્કસે રચેલી પ્રથમ તારકસારણીમાં 850 તારકોનો સમાવેશ કર્યો હતો. ત્યાર બાદ લગભગ ઈ. સ. 127માં ઍલેક્ઝાન્ડ્રિયાના ટૉલેમીએ 1,022 તારાનાં સ્થાન અને તેજસ્વિતા દર્શાવતી સારણી બનાવી હતી. મધ્યયુગમાં આરબ ખગોળશાસ્ત્રીઓએ અનેક તારકસારણીઓ અને ગ્રહસારણીઓની રચના કરી હતી. આધુનિક પ્રકારના પંચાંગની રચના પંદરમી સદીમાં યુરોપમાં થઈ; જેમાં દિવસ, વાર, વિવિધ ખગોલીય પદાર્થોનાં સ્થાન આપવામાં આવ્યાં હતાં. જ્યારે યુરોપિયન વહાણવટીઓ નવીન ખંડોની શોધમાં સાગર ખેડવા માંડ્યા ત્યારે ચોકસાઈપૂર્વક બનાવેલાં પંચાંગ અને તારક-નકશાની જરૂરત વધી ગઈ.
1603માં યોહાન બેયરે ‘યુરેનૉમેટ્રિયા’માં નક્ષત્રો માટે સંજ્ઞા દર્શાવી અને નક્ષત્રસીમાઓ આંકી. તેની પુરવણીરૂપ નકશા ઇંગ્લૅન્ડના પ્રથમ રાજખગોળશાસ્ત્રી જ્હૉન ફલેમસ્ટીડે 1729માં ‘હિસ્ટૉરિયા સેલેસ્ટિસ’માં આપ્યા. 1771-84માં ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી ચાર્લ્સ મેસિયરે તારકગુચ્છો, તારાવિશ્વ અને તારામેઘ જેવા પ્રસરિત (diffuse) ખગોલીય પદાર્થોની સર્વગ્રાહી સારણી તૈયાર કરી હતી.
1859-62માં ફ્રેડરિક આર્જેલેન્ડરે બૉન ઑબ્ઝર્વેટરીમાંથી લગભગ 3,20,000 તારકોની તેજસ્વિતા અને સ્થાન દર્શાવતી સારણી અને તેના નકશાનો સંપુટ ‘બૉનેર ફાઇન્ડિંગ લિસ્ટ’ (Bonner Durchmusterung – BD) બહાર પાડ્યાં. તેમાં પ્રત્યેક તારકને તેની ર્દશ્ય તેજસ્વિતા અનુસાર દર્શાવવામાં આવેલો છે. BDનું દક્ષિણ વિસ્તરણ શોનફેલ્ડે 1886માં બહાર પાડ્યું, એટલે એ સારણીમાં હવે કુલ 4,57,847 તારકોનો સમાવેશ થાય છે.
આધુનિક સારણી અને નકશામાં ખગોલીય પદાર્થોનાં સ્થાન, અંતર, તેજસ્વિતા, વર્ણપટ, ગતિ, રૂપવિકારિતા તથા અન્ય લાક્ષણિકતા અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે.
‘હેન્રી ડ્રેપર કૅટલૉગ’(HD)માં 3,59,082 તારકોની તેજસ્વિતા, વર્ણપટ અનુસાર વર્ગીકરણ અને સ્થાન દર્શાવવામાં આવેલાં છે. તેનું સંકલન હાર્વર્ડ ઑબ્ઝર્વેટરી, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ ખાતે 1949 સુધી ચાલ્યું હતું. જે.એલ.ઈ. ડ્રેયરે આયર્લૅન્ડની આર્માધ ઑબ્ઝર્વેટરી ખાતે 1888-1908 દરમિયાન ‘ન્યૂ જનરલ કૅટલૉગ ઑવ્ નેબ્યુલી ઍન્ડ ક્લસ્ટર્સ ઑવ્ સ્ટાર્સ’ (NGC) અને બે પુરવણી ‘ઇન્ડેક્સ કૅટલૉગ્ઝ’(IC)નું સંકલન કર્યું હતું જેમાં લગભગ 13,000 કરતાં વધારે તેજસ્વી તારાવિશ્વ અને તારામેઘનો સમાવેશ કરવામાં આવેલો છે.
પ્ર. દી. અંગ્રેજી