ખગોલીય યુગગણના : ખગોલીય પદાર્થોનું વયનિર્ધારણ. પૃથ્વી, ઉલ્કા (meteorite) અને ચંદ્રખડકોના નમૂનાનું પ્રયોગશાળામાં રેડિયો-ઍક્ટિવિટીના અવલોકન ઉપરથી વય નક્કી કરવામાં આવે છે. યુરેનિયમ (અર્ધ-આયુ 5 x 109વર્ષ) પદ્ધતિમાં ખડકના નમૂનામાં રહેલા યુરેનિયમ, હિલિયમ અને સીસાનું પ્રમાણ નક્કી કરીને વયનિર્ધારણ થાય છે. રૂબિડિયમનું સ્ટ્રૉન્શિયમના સમક્રમાંકમાં રૂપાન્તર (અર્ધ-આયુકાળ 61 x 109વર્ષ) થવાનું પ્રમાણ જાણવાથી ખગોલીય નમૂનાની યુગગણના વધારે ચોકસાઈપૂર્વક થઈ શકે છે. 107 વર્ષથી વધારે વયવાળા નમૂના માટે હાલમાં પોટૅશિયમ K40 – આર્ગોન A40 પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે; જ્યારે 109 વર્ષથી વધારે વયવાળા નમૂના માટે પોટૅશિયમ-કૅલ્શિયમ (Ca40) પદ્ધતિ વાપરવી વધારે અનુકૂળ પડે છે. ઉલ્કાનું મહત્તમ વય 7 x 109 વર્ષ, ખડકોનું વય 4 x 109 વર્ષ, પૃથ્વીનું વય લગભગ 5 x 109 વર્ષ અને ચંદ્રનું વય પણ લગભગ તેટલું જ નક્કી થયું છે.

તારાના કેન્દ્રભાગમાં ચાલતી ન્યૂક્લિયર પ્રક્રિયાની સૈદ્ધાન્તિક જાણકારી ઉપરથી તારકવયનો અંદાજ બાંધવામાં આવ્યો છે. નવજાત તારકોનું વય લગભગ 106 વર્ષ જ્યારે વયસ્ક તારકોનું વય 1010 વર્ષ જાણવામાં આવ્યું છે.

તારકગુચ્છોમાંના તારકોના રંગસૂચકાંક (colour index) અને નિરપેક્ષ તેજસ્વિતા ઉપરથી હર્ટ્ઝસ્પ્રંગ-રસેલની આકૃતિમાં તેમનાં સ્થાનનો નિર્ધાર કરીને, તેને આધારે તેમનું વય નક્કી કરી શકાય છે. નાની વયના સભ્યોનાં સ્થાન કરતાં વયસ્ક તારકોનાં સ્થાન H-R આકૃતિમાં ઓછા તાપમાનવાળી લાક્ષણિક સપાટી ધરાવતાં તારકોમાં હોય છે. તારાવિશ્વ ગુચ્છો(galactic clusters)નું વય 106 અને 5 x 109 વર્ષની વચ્ચે જાણવા મળે છે; જ્યારે ગોલક તારાગુચ્છ(globular clusters)નું વય 5 x 109 અને 1010 વર્ષની વચ્ચે અંદાજવામાં આવે છે.

વિશ્વનું વય, રક્ત-વિચલન (red shift) ઉપરથી નક્કી કરી શકાય છે. વિશ્વના વિસ્તરણ-દરને આધારે તેનું વય 1010 અને 2 x 1010 વર્ષની વચ્ચે નક્કી થયું છે. જોકે વિશ્વ ધબકતું હોય, વિસ્તરણ-સંકોચનમાં આવર્તન-ચક્રો દર્શાવતું રહેતું હોય તો તેનું વય આ રીતે નક્કી થઈ શકે નહિ.

પ્ર. દી. અંગ્રેજી