અય્યર, સી. પી. રામસ્વામી, સર (જ. 13 નવેમ્બર 1879, ચેન્નઈ; અ. 26 સપ્ટેમ્બર 1966, લંડન) : પ્રથમ કક્ષાના પ્રશાસક તથા રાજનીતિજ્ઞ. પિતા સી. આર. પટ્ટાભિરામ અય્યર સરકારી નોકરીમાં હતા. શાળાકીય તથા ઉચ્ચ શિક્ષણ ચેન્નઈ ખાતે લીધેલું. ચેન્નઈની લૉ કૉલેજમાંથી કાયદાની પદવી મેળવ્યા પછી વી. કૃષ્ણસ્વામી અય્યરના માર્ગદર્શન હેઠળ ચેન્નઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી અને નામના મેળવી. શ્રીમતી ઍની બેસન્ટના નેતૃત્વ હેઠળની હોમરૂલ લીગથી પ્રભાવિત થઈ તેઓ રાજકારણમાં જોડાયા. 1912માં ચેન્નઈ કૉર્પોરેશન કાઉન્સિલમાં ચૂંટાયા. 1918ના ભારત સરકારના ખરડા પર વિચારણા કરતી સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ રજૂઆત કરવા માટે હોમરૂલ લીગના પ્રતિનિધિમંડળનું તેમણે નેતૃત્વ કરેલું. 1935ના ભારત સરકારના ખરડા પર વિચારણા કરતી ઘણી સમિતિઓમાં તેમની નિયુક્તિ થયેલી. 1917-18 દરમિયાન તેઓ કૉંગ્રેસ પક્ષના મહામંત્રી હતા, પરંતુ 1919ના કાયદાની જોગવાઈઓનો કૉંગ્રેસ પક્ષે અસ્વીકાર કરેલો તેના વિરોધમાં કૉંગ્રેસ પક્ષમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું.
કાયદાશાસ્ત્ર અને તેની વિશિષ્ટ શાખા તબીબી ન્યાયશાસ્ત્રમાં સી. પી. રામસ્વામી અય્યરે હાંસલ કરેલી પ્રતિષ્ઠાને લીધે 1920માં તેઓ ચેન્નઈની વડી અદાલતમાં ઍડવોકેટ જનરલ નિમાયેલા. તેમની પ્રખર બુદ્ધિમત્તા તથા રાજકીય કુનેહથી પ્રભાવિત થવાથી લૉર્ડ વેલિંગ્ડને તેમને દ્વિમુખી રાજ્યવ્યવસ્થા (dyarchy) હેઠળ ગવર્નરની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સામેલ કર્યા હતા. 1919માં તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા, જ્યાં ઉત્તમ કોટિના સાંસદ તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. 1930-31માં તેમણે ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. 1933માં આયોજિત વિશ્વ અર્થશાસ્ત્ર પરિષદમાં પણ તેઓ હાજર રહ્યા હતા. 1931માં તેઓ કેન્દ્ર સરકારમાં ન્યાયખાતાના સભ્ય તરીકે જોડાયેલા. 1932માં તેમને વાણિજ્ય તથા ઉદ્યોગખાતું સોંપવામાં આવ્યું. દરમિયાન કાઉન્સિલ ઑવ્ સ્ટેટ્સના સભ્ય રહેલા. 1936થી 1947 દરમિયાન તેઓ ત્રાવણકોર રાજ્યના દીવાનપદે હતા. તે રાજ્યના આર્થિક અને ખાસ કરીને ઔદ્યોગિક વિકાસમાં તેમનો ફાળો નોંધપાત્ર ગણાય છે. 1936માં ત્રાવણકોર રાજ્યનાં મંદિરોમાં હરિજનોને પ્રવેશ આપવાની બાબતમાં તેમણે કરેલ પહેલ તથા દાખવેલ સાહસ સમગ્ર દેશ માટે નમૂનારૂપ સિદ્ધ થયાં હતાં.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય રસ ધરાવનાર તે જમાનાના ગણ્યાગાંઠ્યા રાજકારણીઓમાં તેમની ગણના થતી હતી. 1926-28માં તેઓ લીગ ઑવ્ નૅશન્સમાં મોકલવામાં આવેલ ભારતીય પ્રતિનિધિ- મંડળના સભ્ય હતા. 1942માં ગવર્નર જનરલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં માહિતી ખાતાના સભ્ય તરીકે તેઓ જોડાયા હતા. ભારતને સ્વતંત્રતા આપવા અંગે ભારતીય રાજકીય પક્ષો અને નેતાઓ સાથે વાટાઘાટો કરવા માટે બ્રિટિશ સરકારે મોકલેલ સંસદીય પ્રતિનિધિ-મંડળ તથા કૅબિનેટ મિશન (1946) સમક્ષ ભારતનાં દેશી રાજ્યો વતી રજૂઆત કરવા માટેના પ્રતિનિધિમંડળના તેઓ સભ્ય હતા.
ભારતમાંથી બ્રિટિશ શાસનનો અંત (1947) આવ્યા પછી ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર જાહેર કરવાની બાબતમાં તેઓ દેશમાં ખૂબ વિવાદાસ્પદ બન્યા હતા. તેમ છતાં આઝાદી પછીના ગાળામાં પણ તેમણે ઘણા મહત્વના હોદ્દા પર નોંધપાત્ર કાર્ય કર્યું હતું. દા.ત., હિંદુ રિલિજસ એન્ડાઉમેન્ટ્સ કમિશન (1960), તથા પ્રેસ કમિશન(1953-54)ના ચૅરમૅન તરીકે તેમણે રજૂ કરેલ અહેવાલને આધારે કેન્દ્ર તથા રાજ્યોમાં જે તે બાબતમાં કાયદાઓ ઘડવામાં આવ્યા હતા. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (1955) તથા સ્ટૅન્ડિંગ કમિટી ઑન યુનિવર્સિટી એજ્યુકેશન(1962)ના સભ્ય, કૉમનવેલ્થ યુનિવર્સિટિઝ કૉન્ફરન્સ(1963)માં પ્રતિનિધિ તથા ઇન્ટરયુનિવર્સિટી બૉર્ડ(1965)ના અધ્યક્ષ તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી.
વ્યવસાયની દૃષ્ટિએ તેઓ ન્યાયવિદ હોવા છતાં નાની ઉંમરથી જ તેમણે સાહિત્યમાં રસ કેળવ્યો હતો. રાજકારણ તથા જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા પછી ભારતીય તથા પાશ્ચાત્ય દર્શનનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો અને દેશવિદેશમાં તેના પર પ્રવચનો આપ્યાં હતાં. ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિના તેઓ પ્રખર પ્રશંસક હતા.
તેમણે મદ્રાસ યુનિવર્સિટીના સેનેટના સભ્ય, ઉપરાંત ત્રાવણકોર, અન્નામલાઈ તથા બનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિપદે પણ નોંધપાત્ર કામગીરી કરી હતી.
રાજકારણમાં તેઓ ગોપાળ કૃષ્ણ ગોખલે તથા શ્રીનિવાસ શાસ્ત્રીની જેમ ઉદારમતવાદી હતા. પોતાના પ્રયોજિત પુસ્તક ‘History of My Times’ માટે વિગતો ભેગી કરવાના હેતુથી ઇંગ્લૅન્ડના ખાસ પ્રવાસે ગયેલા.
તેમનાં પ્રવચનો તથા લેખોના બે સંગ્રહો ‘Pen Portraits’ અને ‘Mysticism’ પ્રકાશિત થયા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે