ક્ષતિપૂર્તિ (damages) (કાયદો)
January, 2010
ક્ષતિપૂર્તિ (damages) (કાયદો) : નુકસાન પેટે ચૂકવવું પડતું વળતર. ભારતીય કરાર અધિનિયમ, 1872ની કલમ 124 મુજબનો કરાર. ક્ષતિપૂર્તિના કરારમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનાથી અગર અન્ય વ્યક્તિની વર્તણૂકથી થયેલ નુકસાનમાંથી મુક્ત રાખવાનું વચન આપે છે. વીમાનો કરાર એ ક્ષતિપૂર્તિનો કરાર છે. નુકસાનમાંથી મુક્ત રાખવાની ક્ષતિપૂર્તિનો કરાર સ્પષ્ટ કે ગર્ભિત હોઈ શકે. ક્ષતિપૂર્તિની જવાબદારી સ્વીકારનાર વ્યક્તિની વચનગ્રહીતા પ્રત્યે નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી છે તે પ્રમાણે વચનગ્રહીતા ક્ષતિપૂર્તિની જવાબદારી સ્વીકારનાર સામે કેટલાક અધિકારો ધરાવતા હોવા છતાં આવા વચનગ્રહીતાએ પોતાની સત્તાની મર્યાદામાં રહીને વર્તણૂક કરેલી હોવી જોઈએ. ક્ષતિપૂર્તિના કરારમાં વચનગ્રહીતાના અધિકારો ભારતીય કરાર અધિનિયમ 1872ની કલમ 125માં જણાવવામાં આવેલા છે. ભારતીય આયકર અધિનિયમ 1961ની કલમ 293માં એવો પ્રબંધ છે કે શુદ્ધબુદ્ધિથી કરવામાં આવેલા કોઈ કૃત્ય માટે સરકાર કે સરકારી અમલદાર સામે કોઈ દાવો કે કાર્યવહી થઈ શકશે નહિ. કંપની અધિનિયમ, 1956ની કલમ 633માં પણ આવો જ પ્રબંધ છે. ભારતના સંવિધાનના અનુચ્છેદ 34 મુજબ લશ્કરી શાસન દરમિયાન થયેલી કોઈ ગેરકાયદે કાર્યવહી આવરી લેવા અને તે પૂરતો ક્ષતિપૂર્તિનો કાયદો ઘડવા સંસદને સત્તા આપવામાં આવી છે.
ક્ષતિપૂર્તિ અને જામીનગીરી વચ્ચે તફાવત છે. ક્ષતિપૂર્તિના કરારમાં બે પક્ષકારો, વચનદાતા અને વચનગ્રહીતા હોય છે જ્યારે જામીનગીરીના વ્યવહારમાં ત્રણ પક્ષકારો – મૂળ લેણદાર, મૂળ દેણદાર અને જામીનદાર હોય છે. ક્ષતિપૂર્તિના કરારમાં એક જ કરાર હોય છે જ્યારે જામીનગીરીના વ્યવહારમાં ત્રણ કરાર હોય છે. ક્ષતિપૂર્તિના કરારમાં માત્ર નુકસાન ભરપાઈ કરવાનું હોય છે જ્યારે જામીનગીરીના વ્યવહારમાં મૂળ લેણદારને કોઈ કાર્ય કરવાની અગર નુકસાન ભરપાઈ કરવાની જામીનગીરી હોય છે. ક્ષતિપૂર્તિ એ મૂળભૂત કરાર છે અને ક્ષતિપૂર્તિની જવાબદારી સ્વીકારનારની પ્રાથમિક જવાબદારી ઊભી થાય છે જ્યારે જામીનગીરીના વ્યવહારમાં મૂળ કરાર થયા પછી આનુષંગિક કરાર થાય છે અને જામીનદારની જવાબદારી ગૌણ જવાબદારી હોય છે અને મૂળ દેણદારની કોઈ જવાબદારી ઉત્પન્ન ન થતી હોય તો જામીનદાર જવાબદાર થતા નથી.
ઉમાકાન્ત મા. પંડિત