અય્યર, વી. આર. કૃષ્ણ (જ. 15 નવેમ્બર 1915, વૈદ્યનાથપુરમ, પલક્કડ; અ. 4 ડિસેમ્બર 2014, કોચી, કેરાલા) : ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયમૂર્તિ. વતન વૈદ્યનાથપુરમ્. શાળાકીય શિક્ષણ કુઆલિચાંડી તથા ઉચ્ચ શિક્ષણ (B.A.B.L.) ચેન્નઈ ખાતે. સપ્ટેમ્બર 1938માં વકીલાતનામું પ્રાપ્ત કર્યું અને તેલિયેરી જિલ્લા ન્યાયાલય તથા ઍર્નાકુલમ્ ખાતે કેરળની વડી અદાલતમાં વકીલાત કરી. દીવાની, ફોજદારી, બંધારણીય તથા કરવેરાના કાયદાની વકીલાતમાં ઉચ્ચ નામના પ્રાપ્ત કરી. 1952માં મદ્રાસ રાજ્ય વિધાનસભાના સભ્ય ચૂંટાયા. 1957માં કેરળ વિધાનસભામાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયા અને તે પછી 1957-59 દરમિયાન કેરળ રાજ્યની સામ્યવાદી પક્ષની સરકારમાં ગૃહ, ન્યાય, સિંચાઈ તથા વીજળી અને સામાજિક કલ્યાણ ખાતાના મંત્રીપદે કાર્ય કર્યું. 1959માં આ સરકારનું પતન થતાં તેમણે કેરળના ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત શરૂ કરી. જુલાઈ 1968માં કેરળ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિપદે નિમાયા. 1971-73 દરમિયાન કાયદા પંચના સભ્ય તરીકે સેવાઓ આપી. જુલાઈ ૧૯૭૩માં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિપદે નિમાયા. નવેમ્બર 1980માં તેઓ ન્યાયમૂર્તિપદેથી નિવૃત્ત થયા. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિપદેથી તેમણે આપેલા કેટલાક ચુકાદા શકવર્તી ગણાય છે. દા.ત., 1947ના ઔદ્યોગિક વિવાદ કાયદા(Industrial Disputes Act)માં આપેલ ‘ઉદ્યોગ’ની વ્યાખ્યા અંગે બૅંગલોર વૉટર સપ્લાય સ્યૂએજ બૉર્ડ વિરુદ્ધ એ. રાજપ્પાના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલય વતી ન્યાયમૂર્તિ વી. આર. કૃષ્ણ અય્યરે એવો ચુકાદો આપ્યો હતો કે જે વ્યવસાયો, ક્લબો, સંશોધનસંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ, દાનાર્થે દાનથી ચાલતા પ્રકલ્પો (projects) તથા અન્ય સાહસિક પ્રવૃત્તિઓ જો ત્રણ શરતોનું પરિપાલન કરતી હોય તો તે ‘ઉદ્યોગ’ (industry) ગણાય : (1) ઉપરની પ્રવૃત્તિ સંગઠિત રીતે ચલાવવામાં આવતી હોય, (2) માલિક અને મજૂરોના સહિયારા પ્રયાસનું પરિણામ હોય તથા (3) માનવ-જરૂરિયાતો તથા ઇચ્છાઓ સંતોષે તેવી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અને/અથવા વહેંચણી કરવાનું તેનું લક્ષ્ય હોય. આ ચુકાદાએ ‘ઉદ્યોગ’ની વ્યાખ્યામાં લાભ-નફાના હેતુને અપ્રસ્તુત ગણ્યો છે. એ રીતે ‘ઉદ્યોગ’ની વ્યાખ્યા તેમણે વિસ્તૃત બનાવી. બીજા એક ચુકાદામાં અટકાયતમાં લીધેલાઓને જામીન પર છોડી મૂકવાની બાબતને વધુ ઉદાર બનાવવાની તરફેણ તેમણે કરી હતી. ભારતમાં જાહેર હિતને સ્પર્શતા દાવા(public interest litigation)ને પ્રોત્સાહન આપનાર ન્યાયવિદોમાં તેમની ગણના થાય છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકોને વિનામૂલ્ય કાયદા સંબંધી સહાય (legal aid for the poor) આપવા માટેની વૈજ્ઞાનિક ઢબની સર્વપ્રથમ યોજના તેમણે જ ઘડી કાઢી હતી. લૉ કમિશનના સભ્ય તરીકે તે બાબતને લગતો વિસ્તૃત અહેવાલ ‘processual justice to the people’ તેમણે જ તૈયાર કર્યો હતો. આર્થિક રીતે નબળા વર્ગના લોકોને કાયદાને લગતી સહાય આપવા અંગેનો ખરડો ન્યાયમૂર્તિ પી. એન. ભગવતીની સાથે 1977માં તેમણે તૈયાર કર્યો હતો.
સુવિખ્યાત ધારાશાસ્ત્રી હોવા ઉપરાંત ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ, ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ લૉયર્સ, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કૉન્સ્ટિટ્યૂશનલ ઍન્ડ પાર્લમેન્ટરી સ્ટડિઝ, ઇન્ડોસોવિયેટ કલ્ચરલ સોસાયટી તથા સેન્ટ્રલ સોશિયલ વેલફેર બૉર્ડ, ઇન્ટરનૅશનલ ડેમોક્રૅટિક લૉયર્સ ઍસોસિયેશન વગેરે સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.
વી. આર. કૃષ્ણ અય્યર પ્રગતિશીલ વિચારસરણીના પુરસ્કર્તા છે તેવું તેમનાં જાહેર ઉચ્ચારણોથી અને ન્યાયમૂર્તિ તરીકે તેમણે લીધેલ ન્યાય અંગેના અભિગમ પરથી સ્પષ્ટ થાય છે. કેરળના સામ્યવાદી પક્ષની સરકારમાં તેઓ મંત્રીપદે રહેલા હોવાથી તથા જાહેર હિતને સ્પર્શતી કેટલીક બાબતો અંગે તેમણે વ્યક્ત કરેલા અભિપ્રાયો પરથી રાજકીય વિચારસરણીના સંદર્ભમાં તેઓ ડાબેરી જૂથના ગણાય છે. તેમણે મલયાળમ ભાષામાં કાયદાશાસ્ત્રને લગતાં તેમજ પ્રવાસવર્ણનનાં પુસ્તકો પણ લખેલાં છે. 1999માં તેમને પદ્મવિભૂષણ એનાયત થયો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે