અય્યર પી. એ. સુન્દરમ્

January, 2001

અય્યર, પી. એ. સુન્દરમ્ (જ. 1891, વિમ્બિલ, કોચીન; અ. 1974) : પ્રસિદ્ધ ભારતીય વાયોલિનવાદક ને સંગીતજ્ઞ. પિતાનું નામ અનંતરામ શાસ્ત્રી. 1901માં ત્રાવણકોરમાં શ્રી રામાસ્વામી ભાગવતાર પાસે વાયોલિનવાદનના શિક્ષણની શરૂઆત કરી અને આઠ વર્ષ સુધી અત્યંત પરિશ્રમ કરી તે કલામાં તેઓ પ્રવીણ થયા હતા.

18 વર્ષની ઉંમરે તેઓ કાલિકટ ગયા. ત્યાં તેમનું વાયોલિનવાદન સાંભળી ત્યાંના એક વેપારીએ તેમને હિન્દુસ્તાની સંગીતના ઉચ્ચ શિક્ષણ માટે છાત્રવૃત્તિના રૂપમાં મદદ કરી. પં. વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસે હિંદુસ્તાની સંગીતનું શિક્ષણ મેળવ્યું. ત્યારપછી ગોવિંદ નાયક નામના કલાકાર પાસે શિક્ષણ મેળવી મુંબઈ ગાંધર્વ મહાવિદ્યાલયમાં ગયા. ત્યાં પોતાના કૌશલ્યને કારણે વાયોલિનના અધ્યાપક તરીકે તેમણે કાર્ય કર્યું હતું.

1916માં પલુસ્કરે તેમને સુવર્ણચંદ્રક વડે સન્માનિત કર્યા હતા. 1932માં મદ્રાસ યુનિવર્સિટીએ તેમની સંગીતના પ્રાધ્યાપક તરીકે નિમણૂક કરી હતી. ત્યાં તેઓ 14 વર્ષ રહ્યા હતા. ચેન્નઈમાં સંગીતનો ઉત્કર્ષ સાધવાનું શ્રેય તેમના ફાળે જાય છે. 1929માં દક્ષિણના સંગીતકારોનું સંગઠન કરીને ‘શ્રી ત્યાગરાજસંગીતવિદ્વત્ સમાજમ્, મલાપુર’ની સ્થાપના કરવામાં તેમનો વિશેષ ફાળો હતો. તેઓ આ સંસ્થાના ઉપાધ્યક્ષ તરીકે રહેલા.

સુન્દરમે દક્ષિણી અને ઉત્તરીય બંને સંગીત-પદ્ધતિઓના અભ્યાસ અને મનન કરી જણાવ્યું કે બંને પદ્ધતિઓ વચ્ચે ભેદ નથી, બંનેના મૂળભૂત સિદ્ધાંત એક છે.

ચન્દ્રકાન્ત મહેતા