અય્યર, ટી. વી. શેષગિરિ (જ. 1860, તીરુચિરાપલ્લી, ચેન્નઇ; અ. ફેબ્રુઆરી 1926, ચેન્નઇ) : ચેન્નઈ(મદ્રાસ)ના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ અને દક્ષિણ ભારતના વિનીતમતવાદી નેતા. પ્રાથમિક શિક્ષણ તિરુચિરાપલ્લી(ત્રિચિનાપલ્લી)માં અને ઉચ્ચ શિક્ષણ ચેન્નઈમાં લીધું હતું. 1886માં તેમણે વકીલાત શરૂ કરી તથા ચેન્નઈમાં લૉ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. તેઓ મદ્રાસ (ચેન્નઈ) યુનિવર્સિટીના ફેલો અને સેનેટ તથા સિન્ડિકેટના સભ્ય ઉપરાંત 1909થી તે જ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ચેન્નઈ લેજિસ્લેટિવ કાઉન્સિલ પર ચૂંટાયા હતા. 1921માં ચેન્નઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિપદે તેઓ નિમાયા હતા.
ડેમોક્રૅટિક પાર્ટીના તેઓ પ્રમુખ હતા. કૉંગ્રેસ પક્ષ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. મવાળ અને ઉદારમતવાદી વિચારસરણીના પુરસ્કર્તા હોવાથી શાંતિ અને અહિંસાના માર્ગથી વિકાસ થવો જોઈએ એવો મત તેઓ ધરાવતા હતા. ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં તેમને ખૂબ રસ હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે