ક્વેસ્ટા : ભૂમિ-આકારનો એક લાક્ષણિક પ્રકાર. મૂળ સ્પૅનિશ શબ્દ. ભૂમિ-આકારની બે બાજુઓના ઢોળાવના ઓછાવત્તા પ્રમાણ માટે પ્રયોજાતો ભૂપૃષ્ઠશાસ્ત્રીય એકમ (geomorphological unit). જે ભૂમિ-આકારમાં એક બાજુનો ઢોળાવ આછો ઢળતો હોય અને ખડક સ્તરોની નમનદિશા પણ ઢોળાવતરફી હોય અને બીજી બાજુનો ઢોળાવ સમુત્પ્રપાત(scarp)ની જેમ ઉગ્ર હોય એવા ભૂમિ-આકારના ઢોળાવો માટે આ શબ્દ ઉપયોગમાં લેવાય છે. સખત અને નરમ ખડકસ્તરોની વારાફરતી ગોઠવણીવાળા ખડકોની શ્રેણી ઉપર થતી ઘસારાની ભિન્ન ભિન્ન અસરને કારણે આ લક્ષણ ઉદભવે છે. ઉગ્ર ઢોળાવવાળી બાજુ પર ખડકસ્તરોનો આડછેદ (cross section) સ્પષ્ટપણે વિવૃતિ પામે છે. આને મળતા આવતા ‘‘hog’s back’’ પ્રકારના ઢોળાવોમાં બંને બાજુના – નમનદિશાકીય ઢોળાવ અને સમુત્પ્રપાત ઢોળાવ લગભગ 45°ને ખૂણે હોય છે. અરવલ્લી પર્વતમાળાની ટેકરીઓમાં આ પ્રકારનાં ઢોળાવ-લક્ષણો જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા