ક્વાલાલુમ્પુર : મલેશિયાની રાજધાની. તે 3°.09´ ઉત્તર અક્ષાંશ, 101°. 43´ પૂર્વ રેખાંશ ઉપર આવેલી છે. તે મલાયા દ્વીપકલ્પના સમુદ્રકિનારાથી 40. કિમી. દૂર તથા કેલંગ અને ગોમ્બાક નદીઓના સંગમ ઉપર આવેલું છે. વાર્ષિક સરેરાશ તાપમાન 21°થી 32° સે. રહે છે. ભેજનું પ્રમાણ વિશેષ રહે છે. આ શહેરની સ્થાપના 1857માં થઈ હતી. નજીકમાં મલાક્કાની સામુદ્રધુની ઉપરનું એકમાત્ર બંદર સ્વીટનહામ છે. શહેરનો વિસ્તાર આશરે 243 ચોકિમી. છે.
ક્વાલાલુમ્પુરનો અર્થ પંકયુક્ત સંગમ (muddy confluence) થાય છે. સર ફ્રેન્ક સ્વીટનહામ નામના બ્રિટિશરે 1888માં સૌપ્રથમ વાર કેલંગ અને ક્વાલાલુમ્પુર વચ્ચે રેલવેનું નિર્માણ કર્યું હતું. અહીં બાટુ કોલસાનું મહત્વનું ક્ષેત્ર છે. કેલંગ પાસે મહત્વનું વિદ્યુતમથક છે. આ શહેર મલેશિયાના કેન્દ્રમાં આવેલું હોવાથી વાણિજ્ય અને વાહનવ્યવહાર માટે ઉપયોગી છે. લોખંડ-પોલાદનાં, કલાઈ શુદ્ધ કરવાનાં, રબર અને ખાદ્ય પદાર્થોના પ્રક્રમણનાં કારખાનાં છે. અહીં બે મહાવિદ્યાલયો છે. રાષ્ટ્રીય મસ્જિદ, ચીની મંદિરો અને વિવિધ યુરોપિયન અને મુસ્લિમ સ્થાપત્યની ડિઝાઇનોવાળાં મકાનો ઊભાં કરવામાં આવ્યાં છે. 1962માં અહીં મલાયા યુનિવર્સિટીની સ્થપાઈ છે. 1880માં સેલાન્ગુર પાટનગર હતું. સુબાંગ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. અહીંનો રન-વે અગ્નિ એશિયામાં સૌથી લાંબો છે. મુખ્ય ધોરી માર્ગ ક્વાલાલુમ્પુરથી સેરેમ્બાનનો છે. આ શહેર મલેશિયન ઍરલાઇન્સનું મુખ્ય હવાઈમથક છે.
યાપ-આહ-લૉયે ચીની પ્રજાનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમનો જન્મ 14 માર્ચ 1837ના રોજ ચીનના ક્વાટુંગ પ્રાંતમાં થયો હતો અને મૃત્યુ 15 એપ્રિલ 1885માં ક્વાલાલુમ્પુરમાં થયું હતું. આ શહેરના વિકાસ અને ખાણ-ઉદ્યોગમાં તેમનો ફાળો મુખ્ય હતો. 1896માં તે બ્રિટિશ કૉલોની ઑવ્ ધ મલાયા સ્ટેટનું, 1957માં સ્વતંત્ર મલાયાનું અને 1963માં મલેશિયાનું પાટનગર બન્યું. 1969માં મુસ્લિમ અને ચીની લોકો વચ્ચે હુલ્લડ થયું હતું. આજે મલાયામાં ચીની રાજકીય વિચારસરણીનું વર્ચસ્ વધતું જતું જોવા મળે છે.
ખૂબ ગીચ વસ્તી ધરાવતું આ શહેર મનોરંજન, બૅંકિંગ, વીમા અને વ્યાપારનું મુખ્ય મથક છે. 2005 પ્રમાણે તેની વસ્તી 15,56,200 હતી.
નીતિન કોઠારી