ક્વાર્ટ્ઝ (રત્ન તરીકે) : વિવિધ પ્રકારોમાં મળી આવતી ક્વાર્ટ્ઝની સ્ફટિકમય કે દળદાર જાતો. તેમને કાચમણિના સામાન્ય નામે પણ ઓળખવામાં આવે છે. જરૂરિયાત મુજબ તે અર્ધકીમતી રત્નપ્રકારોમાં ખપે છે. તે જ્યારે રંગવિહીન, પારદર્શક અને સ્ફટિકમય હોય ત્યારે રૉક ક્રિસ્ટલ, આછો ગુલાબી હોય તો રોઝી ક્વાર્ટ્ઝ, જાંબલી કે પર્પલ હોય તો ઍમેથિસ્ટ અને કથ્થાઈ, રાખોડી કે ધુમાડિયો હોય તો સ્મોકી ક્વાર્ટ્ઝ અને તદ્દન સફેદ હોય તો દૂધિયો (કે મિલ્કી) ક્વાર્ટ્ઝને નામે ઓળખાય છે. સિટ્રિન એ પીળો, પીળો બદામી, નારંગી-લાલ કે નારંગી બદામી રંગનો પારદર્શક સ્ફટિકમય ક્વાર્ટ્ઝ છે અને ક્યારેક રંગમાં પોખરાજ(topaz)ને આબેહૂબ મળતો આવતો હોઈ પોખરાજનો આભાસ ધરાવે છે. ક્રોસિડોલાઇટ રંગવૈવિધ્ય ધરાવતો એવો પ્રકાર છે, જે વાઘનેત્રમણિ(tiger’s eye)ને નામે પ્રચલિત છે. ‘કૅલ્સિડોની’ પણ રંધ્રગ્રંથિઓવાળો સિલિકાનો જ પ્રકાર છે. ‘કૉર્નેલિયન’ તેની કેસરી-લાલ કે લાલ, પીળી-બદામી જાત છે. સાર્ડ કથ્થાઈ રંગમાં, ‘ક્રાયસોપ્રેઝ’ સફરજન જેવા આછા લીલા રંગમાં, ‘પ્લૅઝમા’ ઘેરા લીલા રંગમાં, ‘હીલિયૉટ્રોપ’ ગાઢા લીલા રંગમાં તો બ્લડસ્ટોન લોહી જેવા લાલ જાસ્પરમાં ટપકાંવાળી લીલી જાતમાં મળે છે.
અકીક એ કૅલ્સેડોનીની વિવિધ પટ્ટાવાળી જાત છે, જે સફેદ, રાખોડી, લીલી, લાલ, કથ્થાઈ કે કાળા રંગમાં મળી રહે છે. મોસ અકીક કે મોચાસ્ટોન તરીકે ઓળખાતી કૅલ્સડોની જાત શેવાળ જેવા આકારમાં જોવા મળે છે. ઑનિક્સ અકીકની જેમ જ સીધા સમાંતર પટ્ટાવાળી જાત છે, જેમાં સફેદ અને કથ્થાઈ પટ્ટા વિશેષત: મળે છે. ઑનિક્સને સુલેમાની પથ્થર પણ કહે છે; જે રત્નકંકણ તરીકે વપરાય છે. ‘મેક્સિકન ઑનિક્સ’ અને ‘ઑનિક્સ માર્બલ’ તરીકે ઓળખાતા પ્રકારો ખરેખર તો પટ્ટીરચનાવાળું કૅલ્સાઇટ હોય છે, જે ઑનિક્સના નામ હેઠળ ખપે છે. સૂર્યકાંતમણિ એ જાસ્પર છે, જે હેમેટાઇટ ભળવાને કારણે લાલ રંગવાળું અશુદ્ધ સિલિકા છે.
દૂધિયા રંગનું ઓપલ જલયુક્ત સિલિકા છે. તેનાં અતિસૂક્ષ્મ આંતરિક છિદ્રોમાં જળ ભરાયેલું હોવાથી એવા નંગને જુદા જુદા ખૂણેથી જોતાં તેના સફેદ, રાખોડી, પીળા, લાલ કે કથ્થાઈ જેવા જુદા જુદા રંગ દેખાય છે. આંતરિક પરાવર્તનને કારણે ઓપલ રંગવૈવિધ્ય અથવા અનેકરંગિતા (opalescence) ઘટના બતાવે છે. આવાં ખનિજો રત્ન તરીકે ખપી જાય છે. તે ઑસ્ટ્રેલિયા અને મેક્સિકોમાંથી મળી રહે છે. ઑસ્ટ્રેલિયન ઓપલ વાદળી રંગવૈવિધ્ય અને મેક્સિકન ઓપલ તેજસ્વી કેસરી રંગવૈવિધ્ય માટે જગવિખ્યાત બનેલાં છે. આવાં ઓપલને ‘ફાયર ઓપલ’ કહે છે. કાષ્ઠ ઓપલ સિલિકામાં વિસ્થાપિત થયેલું કાષ્ઠ છે, જેમાં શાખાઓ સિલિકાથી વિસ્થાપિત થતી હોય છે પરંતુ કોષમય સંરચના અને બાહ્ય દેખાવ યથાવત્ જળવાઈ રહે છે.
ગિરીશભાઈ પંડ્યા