ક્લિયર સ્ટોરી : પાશ્ચાત્ય સ્થાપત્યમાં દેવળોમાં અથવા તો ઘરોમાં દીવાલના ઉપરના ભાગમાં મૂકવામાં આવતી બારીઓ. આવી ઉપરના ભાગની બારીઓ દ્વારા દેવળના છાપરા નીચેના ભાગમાં પ્રકાશ રહેતો અને ઇમારતના ઉપલા ભાગો હલકા થતા. રોમનેસ્ક સ્થાપત્યમાં ઉપલા ભાગની દીવાલોને અડીને – વચ્ચેથી પસાર થવા માર્ગ રખાતો અને બારીઓ દીવાલોમાં રખાતી.
1077માં ક્લિયર સ્ટોરી બનાવવાનું શરૂ થયું. દેવળની વચ્ચેનો ભાગ બે માળ ઊંચો અને વિશાળ બનાવાતો. આ ઊંચા ભાગની બાજુની દીવાલમાં ઉપરના ભાગમાં બારીઓ મૂકવામાં આવતી. આ બારીઓમાંથી વચ્ચેના ભાગમાં ઠેઠ ભોંયતળિયા સુધી પ્રકાશ જતો. આ વચ્ચેનો ઊંચો ભાગ બહારની દીવાલોથી દૂર હોવાથી સીધા પ્રકાશથી વંચિત રહે છે. પરંતુ ઊંચાઈએ મૂકેલી આ ક્લિયર સ્ટોરીની બારીઓને લીધે તેમાં આડકતરો પણ અપ્રતિમ પ્રકાશ આવે છે જે દેવળના વાતાવરણને દૈવી બનાવે છે.
આ જ પ્રકારની પ્રકાશની વ્યવસ્થા રાણકપુરના જૈન દેરાસરમાં પણ જોવા મળે છે.
મીનાક્ષી જૈન