ક્લિમ્ટ, ગુસ્તાવ (જ. 14 જુલાઈ 1862, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 6 ફેબ્રુઆરી 1918, વિયેના, ઑસ્ટ્રિયા) : આધુનિક પ્રતીકવાદી ચિત્રકાર. પિતા સોની હતા. વિયેના ખાતેની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ્સમાં ક્લિમ્ટે કલા-અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કર્યા પછી 1897માં તેમણે ‘વિયેના સેસેશન’ (sesession) નામ હેઠળ વિયેનાના યુવાન ચિત્રકારોનું જૂથ રચ્યું. ક્લિમ્ટની જેમ જ આ ચિત્રકારો શોભનશૈલીનાં ચિત્રો ચીતરતા હતા, જેમાં વસ્ત્રો અને ઘરેણાંની ભાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવતો હતો. ત્રિપરિમાણી
ઊંડાણના આભાસને બદલે તેમનાં ચિત્રોમાં સપાટ દ્વિપરિમાણી અસર જોવા મળે છે. ભડક રંગો સાથે સોનાના વરખ ચોંટાડી શોભનતત્વને વધુ મુખર કરેલું જોવા મળે છે. 1888માં ક્લિમ્ટે વિયેનાના બર્ગ થિયેટરમાં તેમજ કુન્સ્થિસ્ટોરિસેસ (Kunsthistorisches) મ્યુઝિયમની ભીંતો ઉપર ચિત્રો ચીતર્યાં. ત્યાર બાદ વિયેના યુનિવર્સિટીની ભીંતો ઉપર ત્રણ ચિત્રો ચીતર્યાં : ‘ફિલૉસૉફી’ (1900), ‘મેડિસિન’ (1901) અને ‘જૂરિસ્પ્રૂડન્સ’ (1903). આ ત્રણેય ચિત્રોમાં રહેલી રતિભાવપ્રેરક કામમૂલક પ્રતીકાત્મકતાને કારણે વિવાદ ઊભો થયો. પરિણામે એ ત્રણેય ભીંતચિત્રોને નષ્ટ કરવામાં આવ્યાં. એ પછી ક્લિમ્ટે તેમનાં શ્રેષ્ઠ ચિત્રો ચીતર્યાં, જેમાં પણ રતિભાવ બળૂકો જોવા મળે છે :
(1) ‘બીથોવન ફ્રીઝ’ (1902, ઑસ્ટ્રેરિખીશ ગૅલરી, વિયેના); (2) સ્ટોક્લેટ હાઉસ માટેનાં ભીંતચિત્રો, બ્રસેલ્સ, (1909–11); (3) ‘ધ કીસ’ (1908, ઑસ્ટ્રેરિખીશ ગૅલરી, વિયેના); (4) ફ્રાઉ (શ્રીમતી) ફ્રીટ્ઝા રિડ્લર અને ફ્રાઉ એડીલે બ્લોખ-બોયરનાં વ્યક્તિચિત્રો, 1907).
અમિતાભ મડિયા