ક્લિન્ટન, બિલ (વિલિયમ જૅફર્સન) (જ. 19 ઑગસ્ટ 1946, હોપ, આર્કેન્સાસ, યુ.એસ.) : 20 જાન્યુઆરી 1993ના રોજ શપથવિધિ કરી સત્તારૂઢ થયેલા અમેરિકાના બેતાળીસમા પ્રમુખ. ડેમોક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે ક્લિન્ટન ચૂંટાઈ આવતાં આ પહેલાંના રિપબ્લિકન પક્ષના સતત બાર વર્ષના સત્તાકાળ(રોનાલ્ડ રીગન : 1980–84–88 તથા જ્યૉર્જ બુશ : 1988–92)નો અંત આવ્યો છે.
તેમના જન્મના ત્રણ માસ પૂર્વે પિતાનું અવસાન થયું હતું. તેમણે સાવકા પિતાનું નામ સ્વીકારી શાલેય જીવનનો આરંભ કર્યો હતો. જ્યૉર્જ ટાઉન યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા બાદ 1973માં યેલ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક બન્યા. રાજકારણમાં પ્રવેશ પહેલાં તેઓ આર્કેન્સાસ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક રહ્યા.
1974થી રાજકીય જીવનમાં સક્રિય બન્યા. તેનાં બે વર્ષ પછી આર્કેન્સાસના ઍટર્ની જનરલ રહ્યા. 1975માં યેલ યુનિવર્સિટીના સહાધ્યાયી હિલારી રોધામ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1980માં જન્મેલી પુત્રી ચેલ્સિયા તેમનું એક માત્ર સંતાન છે.
કુલ 12 વર્ષની ગવર્નર તરીકેની તેમની કારકિર્દીએ તેમજ તેમના પ્રગતિશીલ કાર્યક્રમોએ તેમને રાષ્ટ્રીય રાજકારણમાં વ્યાપક માન્યતા પૂરી પાડી. આ સમગ્ર કાર્યકાળ દરમિયાન જાહેર શિક્ષણની ગુણવત્તા સુધારવાના તેમના પ્રયાસો કાબિલેદાદ હતા.
1992ની ચૂંટણીની વિશિષ્ટતા એ હતી કે તેમાં પહેલી જ વાર ત્રણ ઉમેદવારોએ ભાગ લીધો. અમેરિકાની ચૂંટણીની વિશિષ્ટ પદ્ધતિ પ્રમાણે દરેક રાજ્યને તેના પ્રદેશ અને વસ્તી અનુસાર ઇલેક્ટોરલ (ચૂંટણીવિષયક) મત આપવામાં આવે છે, જે વિધિપૂર્વક ચૂંટણી પૂરી થયે પડેલા મત પ્રમાણે ઉમેદવારોને ફાળવાય છે. આ પદ્ધતિ અનુસાર ક્લિન્ટનને 370 અને બુશને 168 મત મળ્યા જ્યારે પેરોટને એક પણ મત મળ્યો નહિ. ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 270 જેટલા ઇલેક્ટોરલ મત મળવા જોઈએ. આ ર્દષ્ટિએ જોતાં ક્લિન્ટનને જરૂર કરતાં ઘણા સારા પ્રમાણમાં મત મળ્યા હતા.
રસાકસીભરેલી આ ચૂંટણીમાં 55 % જેટલા લોકોએ મતદાન કર્યું હતું, જે અમેરિકાની તવારીખમાં વિરાટ સંખ્યા ગણાય. ચૂંટણીમાં આમ ક્લિન્ટનને કૉંગ્રેસમાં અનુકૂળ બહુમતી સાંપડી હતી. ઉપરાંત અમેરિકાના મૂળ વતનીઓના કૉલોરાડો રાજ્યમાંથી તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા જે પ્રમુખ તરીકે ચૂંટાયેલા.
આ ચૂંટણીની બીજી વિશિષ્ટતા એ રહી કે તેમાં પહેલી જ વાર બીજા વિશ્વયુદ્ધ પછી જન્મેલી પેઢીના પ્રતિનિધિ તરીકે ક્લિન્ટનની જીત થઈ. તેમના વિજય પહેલાં ક્લિન્ટન પાંચ વખત દક્ષિણના રાજ્ય આર્કેન્સાસના ગવર્નર તરીકે રહી ચૂક્યા હતા. 1978માં 32 વર્ષની યુવાન વયે ગવર્નરનું સ્થાન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ હતા. તે વખતે ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા આલ્બર્ટ ગોર પણ દક્ષિણના રાજ્ય ટેનિસીના નિવાસી છે.
પૂર્વપ્રમુખ જ્યૉર્જ બુશને ક્લિન્ટન હરાવી શક્યા કારણ કે ચૂંટણીમાં ઘરઆંગણાના પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને તેમાં પણ આર્થિક પ્રશ્નોને અગ્રતા મળી. ઠંડું યુદ્ધ ઓસરતાં અને સોવિયેત સંઘનું વિઘટન થતાં વિદેશનીતિના પ્રશ્નો ગૌણ બન્યા હતા. અમેરિકાના અશ્વેત લોકો, મહિલાઓ, યુવાનો અને ગરીબો ઝંખના રાખતા હતા કે નવી પેઢીના ક્લિન્ટન વિધેયાત્મક નેતૃત્વ પૂરું પાડશે. ક્લિન્ટન તેની પ્રતીતિ કરાવી શક્યા. તેમનાં પત્ની હિલેરી કાયદાશાસ્ત્રનાં નિપુણ અગ્રગણ્ય ઍડવોકેટ હોવા ઉપરાંત મહિલાઓના પ્રશ્નો વિશે પ્રગતિશીલ નીતિનાં હિમાયતી હતાં. ક્લિન્ટને તેમની કૅબિનેટમાં અશ્વેત લોકોનો તથા મહિલાઓનો સમાવેશ કરીને નવા યુગનાં એંધાણ આપ્યાં હતાં.
ક્લિન્ટને તેમના 20 જાન્યુઆરી, 1993ના મંગળ પ્રવચનમાં અમેરિકાના નવસર્જન અને નવવિધાનનું ઇજન પ્રજાજનોને આપેલું.
લગભગ 300 અબજ ડૉલરની ખાધ અને ચાર પરાર્ધ (ટ્રિલિયન) ડૉલરનું દેવું હોવાને કારણે અમેરિકા સિત્તેરના દસકામાં સૌથી મોટો દેવાદાર દેશ બન્યો હતો. 1980 પછીનાં વર્ષોમાં તેનું દેવું ચાર ગણું વધ્યું, કહેવાય છે કે છેલ્લાં 200 વર્ષમાં તેનું દેવું જેટલું વધ્યું હતું તેટલું છેલ્લાં 12 વર્ષમાં વધ્યું છે. ક્લિન્ટને અખત્યાર કરેલી નવી નીતિ 1933 પછી ફ્રેન્કલિન રૂઝવેલ્ટે અનુસરેલ ન્યૂ ડીલને મળતી આવતી હતી. 1,00,000 ડૉલરથી વધારે આવક ધરાવતા વર્ગો ઉપર વધુ કરવેરા, સંરક્ષણખર્ચમાં ઘટાડો અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રે 16 અબજ જેટલો ખર્ચ, તેમની નવી આર્થિક નીતિનો અણસાર આપતો હતો. 1996માં તેઓ બીજી વાર પ્રમુખપદના હોદ્દા પર ચૂંટાયા ત્યારે તેઓ રુઝવેલ્ટ પછીની પ્રથમ એવી વ્યક્તિ હતા, જે ડેમૉક્રૅટિક પક્ષમાં રહીને બીજી વાર પ્રમુખ તરીકે ચૂંટાયા હોય.
અમેરિકાની નવી પેઢી સત્તા ગ્રહણ કરે તેની સાથે અમેરિકાની આંતરિક તેમજ વિદેશનીતિમાં નવા ઉન્મેષો પ્રગટે તેવી પૂરી શક્યતા છે. ઠંડા યુદ્ધની વિદાય પછીની દુનિયામાં અમેરિકાની વિદેશનીતિએ નવી દિશાઓ અને નવા આવિષ્કારો બતાવવાનાં રહે છે.
તેઓ 1998માં બીજી વાર પ્રમુખ ચૂંટાયા ત્યારે શિક્ષણ અને કલ્યાણલક્ષી સુધારાઓ તેમના અગ્રતાક્રમમાં હતા. તેઓ અમેરિકાના પહેલા એવા પ્રમુખ હતા જેમણે વિએટનામની મુલાકાત લીધી હતી. આ મુદત દરમિયાન મોનિકા લેવન્સ્કી નામના વ્હાઇટ હાઉસના એક સહાયક મહિલા સાથે તેમને અયોગ્ય સંબંધો હોવાની વાત સ્વીકારવાની તેમને ફરજ પડી હતી. આ કારણસર તેમણે સમગ્ર દેશની અને તેમની પત્નીની જાહેર માફી માંગી હતી. આ બાબતે તેમના ઇમ્પીચમેન્ટ(મહાઅભિયોગ)નો આરોપ હતો; પરંતુ 1999માં અમેરિકાની સેનેટે તેમને આ મહાઅભિયોગના આરોપમાંથી મુક્ત કર્યા હતા. જોકે તેમના પ્રમુખપદના સમયગાળામાં અમેરિકાએ સૌથી ઓછા ફુગાવાનો અને સૌથી ઓછી બેરોજગારીનો અનુભવ કર્યો હતો. પ્રમુખપદના હોદ્દા પરથી નિવૃત્ત થયા બાદ જાહેર સેવાની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય બન્યા. અમેરિકા ઉપરાંત ભારત જેવા દેશમાં તેમના નેતૃત્વ હેઠળનાં સંગઠનો નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. જાન્યુઆરી, 2001ના ગુજરાતના ધરતીકંપમાં કચ્છ વિસ્તારમાં પુનર્વસન અંગેની તેમની ઉદાર સખાવતો તેમના માનવતાવાદી અભિગમને વ્યક્ત કરે છે. મૅનેજમેન્ટ, વિષયો પરનાં તેમનાં વ્યાખ્યાનો અમેરિકામાં પ્રશંસનીય નીવડે છે. નિવૃત્તિ પછી પણ તેમણે તેમનું કરિશ્માતી નેતૃત્વ જાળવી રાખ્યું છે. દેશ-વિદેશમાં જાહેર સેવાની પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા છે.
દેવવ્રત પાઠક