ક્રૂઝર : લડાયક જહાજનો એક પ્રકાર. તે ફ્રિગેટ નામથી ઓળખાતા નાના ઝડપી લડાયક જહાજ કરતાં મોટું પણ વિનાશક જહાજ (destroyer) અને વિમાનવાહક લડાયક જહાજ(aircraft carrier)ની વચ્ચેનું કદ ધરાવતું હોય છે. લડાયક જહાજોના કાફલાથી તેને છૂટું કરીને શત્રુપક્ષની શોધ કરવાનું અને દુશ્મન જહાજો દેખાય કે તરત જ પોતાના કાફલાને સાવચેત કરવાનું કામ સોંપાતું હતું. આવી ફરજ માટે લાયક ગણાતા જહાજની ઝડપ શત્રુપક્ષના લડાયક જહાજ કરતાં વધારે હોવી અનિવાર્ય ગણાતી.
ઓગણીસમી સદીની મધ્યમાં વરાળથી ચાલતાં અને બખ્તર જેવું સંરક્ષણાત્મક આવરણ ધરાવતાં લડાયક જહાજો દાખલ થતાં ક્રૂઝર સામાન્ય વર્ગનું (generic) લડાયક જહાજ બન્યું અને જુદા જુદા પ્રકારનાં ક્રૂઝર બનાવવાની શરૂઆત થઈ; દા.ત., બખ્તર ધરાવતાં ક્રૂઝર, હળવા બખ્તરવાળાં ક્રૂઝર, બખ્તર વિનાનાં પણ વધુ ઝડપથી પાણીમાં માર્ગ કાપી શકે તેવાં ક્રૂઝર વગેરે.
ઓગણીસમી સદીમાં પોતાના સામ્રાજ્યના રક્ષણ માટે બ્રિટન પાસે ક્રૂઝરનો મોટો કાફલો હતો. 1900 સુધી ફ્રાન્સ, જર્મની અને રશિયાની નૌકાદળશક્તિમાં વધારો થતાં લડાયક જહાજોના કાફલાઓની પુનર્રચના કરવાની જરૂરિયાત ઊભી થઈ. તેને કારણે યુદ્ધની હરોળમાં મોટી તોપો ધરાવતાં બખ્તરબંધ લડાયક જહાજો દાખલ થયાં. નૌકાયુદ્ધની વ્યૂહાત્મક ગોઠવણો માટે નવા પ્રકારનાં લડાયક જહાજો દાખલ થતાં ગયાં; દા.ત., બખ્તરબંધ ક્રૂઝર, મનવાર ક્રૂઝર (battle cruiser) વગેરે. આ પ્રકારનાં મધ્યમ કક્ષાનાં લડાયક ક્રૂઝરની ઝડપમાં વધારો થયો; પરંતુ તેમ કરવા જતાં તેમનાં બખ્તરબંધ આવરણમાં ઘટાડો કરવામાં આવ્યો જે યુદ્ધનીતિની ર્દષ્ટિએ પાછળથી ભૂલભરેલું સાબિત થયું. પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)માં આ બંને પ્રકારનાં લડાયક જહોજોને મોટી ખુવારી વેઠવી પડી હતી.
1922ની વૉશિંગ્ટન સંધિ દ્વારા મહાસત્તાઓનાં લડાયક જહાજોની સંખ્યા મર્યાદિત કરવાની સાથે નૌકાદળમાં ક્રૂઝર વર્ગનાં લડાયક જહાજો પર ભાર મુકાયો તથા ભારે તથા હળવાં બંને પ્રકારનાં ક્રૂઝરનો વિકાસ કરવામાં આવ્યો; પરંતુ બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન ‘હૂડ’ નામના વિશ્વના તે જમાનાના સૌથી મોટા લડાયક ક્રૂઝરને જર્મનીના ‘બિસ્માર્ક’ લડાયક જહાજે ટક્કર મારતાં તે નાશ પામ્યું તથા ‘રિપલ્સ’ નામના બીજા બ્રિટિશ ક્રૂઝરને જાપાનના હવાઈ હુમલાને કારણે જળસમાધિ લેવી પડી હતી. લડાઈ દરમિયાન દુશ્મનનાં જહાજોની શોધ માટે જ્યારે પણ ક્રૂઝર-જહાજોનો ઉપયોગ થયો છે ત્યારે તેને સામાન્ય રીતે સફળતા મળી છે. જાપાને કાંગો વર્ગનાં ચાર ખૂબ સારાં લડાયક ક્રૂઝર બનાવ્યાં હતાં.
રાત્રિ દરમિયાન સામસામી કે નજીકની લડાયક કામગીરી માટે હળવાં ક્રૂઝર ચડિયાતાં છે તેવું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાબિત થયું છે. 1943 પછી તે યુદ્ધમાં દુશ્મનનાં વિમાનો સામેની કાર્યવહી દરમિયાન પોતાનાં વિમાનવાહકોને તોપો દ્વારા રક્ષણ આપવા જેવી પ્રાથમિક જવાબદારી જ ક્રૂઝરને સોંપવામાં આવતી હતી. વિયેટનામ યુદ્ધમાં કિનારા પરની તોપોને પૂરક કામગીરી સાથોસાથ લડાયક ક્રૂઝર જહાજોએ જળસ્થળ પરના દુશ્મનના ઉતરાણને નાકામયાબ બનાવવાના લક્ષ્ય સાથે દુશ્મનના સૈનિકો પર હુમલા કર્યા હતા.
અન્ય પ્રકારનાં લડાયક જહાજોની કામગીરી સાથે સંકલન સાધી ક્રૂઝર જહાજોનો વ્યૂહાત્મક ઉપયોગ કરવાના પ્રયત્નોને સફળતા મળેલી નથી. ઉપરાંત ક્રૂઝર દ્વારા ભૂતકાળમાં લેવામાં આવતી મોટા ભાગની કામગીરી હવે વિમાનો, મોટાં વિનાશક જહાજો તથા દ્રુતગતિ ધરાવતી ડૂબક નૌકાઓ(submarines)ને સોંપાય છે. તેથી મોટું નૌકાદળ ધરાવતા દેશો હવે ક્રૂઝર બનાવતા નથી. વીસમી સદીના સાતમા દાયકામાં અમેરિકાના નૌકાદળમાં યુદ્ધની કામગીરી માટે તૈયાર એવાં 37, રશિયાના નૌકાદળમાં 20 તથા બ્રિટનના નૌકાદળમાં 5 ક્રૂઝર હતાં. અન્ય 13 દેશો પાસે કુલ 23 ક્રૂઝર હતાં, જેમાંથી મોટા ભાગનાં અમેરિકા અને બ્રિટનના નૌકાદળનાં જૂનાં ક્રૂઝર જહાજો હતાં.
1961માં તૈયાર થયેલું અમેરિકાનું ‘યુ. એસ. લાગ બીચ’ વિશ્વનું પરમાણુઊર્જાથી સજ્જ પ્રથમ લડાયક ક્રૂઝર હતું, જે 10,000 માઈલ સુધીનું અંતર 30 દરિયાઈ માઈલની ઝડપથી અથવા ફરી બળતણ લીધા વિના સાડાત્રણ ગણું અંતર તેની દોડવાની મહત્તમ ક્ષમતાના ⅔ જેટલી ઝડપે દોડવાની ક્ષમતા ધરાવતું હતું. તેને તૈયાર કરવા માટે 3,320 લાખ ડૉલર જેટલો ગંજાવર ખર્ચ કરવો પડ્યો હતો, જેને લીધે આવાં વધારાનાં ક્રૂઝર બનાવવાં લગભગ અશક્ય થઈ પડ્યાં હતાં. ટોલોસ નામનાં સ્વયંસંચાલિત પ્રક્ષેપાસ્ત્રો તેનાં મુખ્ય હથિયાર હતાં જે અંગેની બધી જ પ્રક્રિયાઓ આપમેળે થતી હતી. તે ધ્વનિ જેટલી અથવા તેના કરતાં ઓછી ગતિએ (sonic or subsonic) આકાશમાં ઊડતા (airborne) નિશાન પર 65 દરિયાઈ માઈલની ગતિ(120 કિમી.)એ ભારે વિસ્ફોટકો અથવા પરમાણુ-યુદ્ધસરંજામ ધરાવતાં શસ્ત્રો(war-heads)થી હુમલો કરવાની ક્ષમતા ધરાવતું હતું. ‘લૉંગ બીચ’ ક્રૂઝર ડૂબકનૌકાવિરોધી પ્રક્ષેપાસ્ત્રો, ટૉર્પીડો ટ્યૂબ તથા શૉર્ટ રેન્જ ટેરિયર પ્રક્ષેપાસ્ત્રોથી પણ સજ્જ હતું.
જે ક્રૂઝરનું મુખ્ય શસ્ત્ર 203 મિમી.ની તોપો હોય તેને ભારે ક્રૂઝર તથા 152 મિમી.ની તોપો ધરાવતા ક્રૂઝરને હળવું ક્રૂઝર ભૂતકાળમાં કહેવામાં આવતું હતું. આ વર્ગીકરણને બદલે હવે સંચાલિત પ્રક્ષેપાસ્ત્રો ધરાવતાં ક્રૂઝર, વિમાનવિરોધી ક્રૂઝર તથા અનુરક્ષક ક્રૂઝર જેવું વર્ગીકરણ વધુ પ્રચલિત બન્યું છે. કારણ કે તોપોને બદલે હવે તેમને પ્રક્ષેપાસ્ત્રો તથા નાની વિમાનવિરોધી તોપોથી સજ્જ કરવામાં આવે છે.
ક્રૂઝરની મદદથી ઘણી મહત્વની લડાઈઓ સફળતાથી લડવામાં આવી છે; દા.ત., મનીલા ઉપસાગરની લડાઈ (1898), કૉરોનેલ અને ફૉકલૅન્ડ ટાપુઓની લડાઈ (1914), ડૉજર બૅન્ક (1915), રિવર પ્લેટ (1939), જાવા સામુદ્રધુનીની લડાઈ (1942) તથા સૉલોમન ટાપુઓના જળવિસ્તારની લડાઈ (1942-43). યુદ્ધમાં ક્રૂઝરના સફળ ઉપયોગ અંગે અમેરિકાની સરખામણીમાં ઇંગ્લૅન્ડ તથા જાપાનની સિદ્ધિ વધારે ધ્યાનપાત્ર રહી છે.
પ્રકાશચંદ્ર ચતુર્વેદી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે