અમૃતાર સંતાન (1949) : ગોપીનાથ મહાંતિ(1915 –)ની આદિવાસી જીવન વર્ણવતી ઊડિયા નવલકથા. લેખકે આમાં દર્શાવ્યું છે કે આદિવાસી પૃથ્વીનાં પ્રથમ શિશુ છે, એ અમૃતનાં સંતાન છે; કારણ કે તેઓ અમૃતસમ ગુણોથી વિભૂષિત જીવન જીવે છે. પ્રગતિને નામે આજે માનવ તેનાથી અલગ પડી ગયો છે અને વધુ ને વધુ દૂર જતો જાય છે. સંસ્કૃતિને નામે મનુષ્ય ‘મનુષ્ય’ મટીને ‘વસ્તુ’રૂપ બનતો જાય છે, જ્યારે આદિવાસી આજે પણ અમૃતતત્વની નજીક છે. ઊંચા પર્વત પર આવેલા મણિઆપાય ગામમાં વૃદ્ધ સરબુ સાઉંતા રહે છે. એ ગામનો મુખી છે. કુંભી નામની પ્રાચીન બોલી બોલે છે. એના વાળ તાંબા જેવા છે, લંગોટનો પહેરવેશ છે ને હોઠને ખૂણે તમાકુનો રસ લસરે છે. એનો દીકરો છે દિઉડ સાઉંતા અને એની વહુ છે પીયુ. દિઉડ બીજી પત્ની કરે છે. પીયુ બાળકોને રઝળતાં મૂકી ઘર છોડે છે. સામે નવી દુનિયા છે. મનમાં દ્વન્દ્વ છે. અંતે એ જીવવા ઇચ્છે છે. જીવનમાં આનંદ છે, એની પ્રતીતિ થાય છે. નવલકથા સહજ અને સરળ ભાષામાં લખાઈ છે. વાક્યો નાનાં છે, સંવાદ જીવંત અને માર્મિક છે. 1955માં આ નવલકથાને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
વર્ષા દાસ