ગ્લૅડિયોલસ (Gladiolus) : એકબીજદલાના કુળ Iridaceae-નો 50–60 સેમી. ઊંચો થતો કન્દિલ છોડ. અં. charming lily. તે કુળના સહસભ્યમાં કેસર (Crocus sativus L) છે.
આ છોડનાં પાન જમીનમાંથી લાંબાં તલવારની માફક નીકળે છે. લૅટિન ભાષામાં gladiolus-નો અર્થ તલવાર થાય છે.
ગ્લૅડિયોલસના કંદ બે બે હાથના અંતરે હાર પ્રમાણે વવાય છે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં રોપવાથી તેને બેત્રણ માસમાં ફૂલ આવે છે. લગભગ આખા શિયાળામાં ફૂલો બેસે છે. ફૂલો આવે તેમ તેમ તેની ડાળીઓ કાપતા જાય છે. ફૂલ ખલાસ થવા આવે ત્યારે પાન પીળાં પડે એટલે ધીરે ધીરે પાણી પાવાનું બંધ કરે છે. છોડ સુકાઈ જાય ત્યારે કંદને બહાર કાઢીને કૂંડામાં કે ખોખામાં રેતી ભરીને તેમાં દાબીને ઠંડી-સૂકી જગ્યાએ સાચવી રાખવામાં આવે છે. ફરીથી રોપવાની ઋતુ આવે ત્યારે પંદરેક દિવસ થોડું થોડું પાણી આપવાથી કંદ ફૂટવાની શરૂઆત થાય છે. આવા અંકુરણ પામેલા કંદો જમીનમાં વાવતાં સારી ફૂટ આપે છે.
તેની ઘણી વિવિધરંગી જાતો મુખ્યત્વે ઠંડા અને સમધાત પ્રદેશમાં ખીલી નીકળે છે. ગુજરાતમાં બહારથી કંદ લાવીને તેમનાં ફૂલો મેળવી શકાય છે. કંદને સાચવી રાખવામાં બહુ સફળતા મળતી નથી.
મ. ઝ. શાહ