ગ્રોઝ, જ્યૉર્જ (જ. 26 જુલાઈ 1893, બર્લિન, જર્મની; અ. 6 જુલાઈ 1959, બર્લિન, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1909માં ડ્રેસ્ડન એકૅડેમી ઑવ્ આર્ટ ખાતે ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો, જે 1916 લગી ચાલ્યો. 1916થી 1917 લગી બર્લિન ખાતેની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ ખાતે અભ્યાસ કર્યો. 1913માં પૅરિસની યાત્રા કરી ત્યાંની સમકાલીન કલાનો પરિચય કેળવ્યો. 1914થી 1917 લગી પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મન સૈન્યમાં સૈનિક તરીકે સેવા આપી; પરંતુ યુદ્ધ અથવા તો યુદ્ધ દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓ અંગે ગ્રોઝ જરાય ભ્રમમાં ન હતા. રાષ્ટ્રવાદ(patriotism)ની ગુલબાંગોથી તે કદી પ્રભાવિત થયા નહિ. તેની પોકળતાથી તેઓ પોતે પૂરા વાકેફ હતા. યુદ્ધને તેઓ માનવજીવનની અને સમગ્ર સમાજની બરબાદીનાં મૂળિયાં તરીકે જોતા હતા. સામાન્ય જનને રણમોરચે જોખમમાં સબડતો મૂકી નગરમધ્યે એશઆરામ કરતા કપટી રાજકારણીઓ અને ખંધા ઉદ્યોગપતિઓ પર ગ્રોઝને ભારોભાર ખાર હતો, જે ચિત્રોમાં પણ વ્યક્ત થવા માંડ્યો. તેમનાં ચિત્રોનું વેચાણ થતું જ નહિ, અને તે માટે ગ્રોઝે કોઈ પ્રયત્નો પણ ન કર્યા. બુઝર્વા સમાજના નાગરિકો માટે સુષ્ઠુ સુષ્ઠુ મનોહર સર્જનો કરવા સામે ગ્રોઝને પહેલેથી જ ચીડ હતી.
પરંતુ ગ્રોઝનાં ઇન્ટૅલિયો (intaglio) અને ચિત્રો તત્કાલીન જર્મન સામયિકો ‘ડાઇ ઍક્શન’ (Die Aktion – ‘ધી ઍક્શન’) અને ‘નૂ જૂકેન્ડ’ (NEUE JUGEND – ‘New Youth’)માં છપાવા માંડ્યાં. આ ચિત્રોએ ધારદાર વ્યંગ્ય-કટાક્ષ દ્વારા જર્મનીની સામાજિક ચેતનાને ઢંઢોળવા પ્રયાસ કર્યો, જેમાં કેટલેક અંશે સફળતા મળી. આ પછી જર્મન સમાચારપત્ર ‘બર્લિનર ટૅગૅપ્લૅટ’(Berliner Tageblatt)એ પણ તેમનાં ઇન્ટૅલિયો (intaglio) ચિત્રો છાપવાં શરૂ કર્યાં. સમાજનાં ભ્રષ્ટ સ્થાપિત હિતો સામે તેમનાં ચિત્રોમાં કરવામાં આવેલા ઉગ્ર પ્રહારો માટે થઈને જર્મન સત્તાએ 1920, 1924 અને 1931માં દેવનિંદા અને અશ્લીલતાભર્યાં ચિત્રો (Blasphemy and pornographic illustrations) ચીતરીને છાપવાનો આરોપ મૂક્યો અને તે બદલ દંડ કર્યો. 1933માં નાઝી હકૂમતે સત્તા પર આવતાં તેમના જર્મનીપ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકી દીધો. આ સમયે ગ્રોઝ 1931થી ન્યૂયૉર્કમાં આર્ટ્સ સ્ટૂડન્ટ્સ લીગ ખાતે અધ્યાપન કરી રહ્યા હતા. પ્રતિબંધ આવતાં તેમને અમેરિકામાં કાયમી પ્રાધ્યાપકનું પદ આપવામાં આવ્યું. 1937માં નાઝી હકૂમતે તેમને અધ:પતન પામેલા (degenerated) જાહેર કર્યા અને જર્મન મ્યુઝિયમોમાં રહેલાં તેમનાં 285 ચિત્રોનો નાશ કર્યો. 1938માં તેમને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાનું નાગરિકત્વ આપવામાં આવ્યું. 1941થી 1942ના વરસ માટે ન્યૂયૉર્ક ખાતેની કોલમ્બિયા યુનિવર્સિટીમાં તેમને પ્રાધ્યાપકપદ આપવામાં આવ્યું. 1959માં તેઓ કાયમ માટે બર્લિન પાછા ફર્યા અને તે જ વર્ષે મૃત્યુ પામ્યા.
તેમનાં બચી ગયેલાં ચિત્રોમાંથી થોડાં ન્યૂયૉર્કના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં સંગ્રહ પામ્યાં છે.
અમિતાભ મડિયા